રાજકોટ
News of Wednesday, 30th November 2022

૮૨ વર્ષના કૈલાસબેન પૂજારાને છેતરી ગઠીયો ૧ લાખની ૪ સોનાની બંગડી લઇ ભાગી ગયો

તમે પહેરી તેવી જ બંગડી મારે બનાવડાવવી છે, સોનીને બતાવી પાછી આપી જઇશ તેમ કહીને ગયો તે ગયો : ઘરે આવી હું તમારા સગામાં છું તેવી વાતો કરતાં ઉમરને કારણે વૃધ્‍ધા તેને ઓળખી ન શક્‍યાઃ ઘરમાં બેસાડી પાણી પીવડાવ્‍યું પછી ગઠીયાએ કળા કરીઃ ક્રાઇમ બ્રાંચે શકમંદને ઉઠાવી પુછતાછ આદરી

રાજકોટ તા. ૩૦: રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાસેની શેરીમાં રહેતાં લોહાણા પરિવારના ૮૨ વર્ષના વૃધ્‍ધા ઘરે એકલા હતાં ત્‍યારે એક શખ્‍સે ઘરે આવી હું તમારા સગામાં છું એવી વાતો કરી વિશ્વાસ કેળવી બાદમાં ‘તમારા હાથમાં બંગડી છે એવી જ મારે બનાવડાવવી છે, સોનીને બતાવીને હમણા પાછી આપી જઇશ' તેમ કહી વૃધ્‍ધાને વિશ્વાસમાં લઇ એક લાખની બંગડીઓ ઉતરાવી ભાગી ગયો હતો. પોલીસે એક શકમંદને ઉઠાવી લઇ તપાસ શરૂ કરતાં ભેદ ઉકેલાઇ જવાની આશા છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રૈયા રોડ આલાપ ગ્રીન સીટી પાછળ અમૃત પાર્ક-૨માં રહેતાં અને બેંક લોન એજન્‍ટ તરીકે નોકરી કરતાં આશિષ અશોકભાઇ પૂજારા (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી અજાણ્‍યા શખ્‍સ સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૪૫૧ મુજબ સોનાની ૧ લાખની ચાર બંગડીઓ છેતરપીંડીથી લઇ જવાનો ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.

આશિષ પૂજારાએ જણાવ્‍યું હતું કે મારા દાદીમા કૈલાસબેન પ્રાણજીવનભાઇ પૂજારા (ઉ.વ.૮૨) રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાસે આવેલી જે. કે. સ્‍કૂલની બાજુની શેરીમાં રહે છે. તા. ૨૩/૧૧ના રોજ કિડવાઇનગર-૬માં રહેતાં મારા મોટા બાપુ લલીતભાઇ પૂજારાના ઘરે સાંજે જમણવાર હોઇ જેથી હું પાંચેક વાગ્‍યે મારા દાદીમાને  લઇને મોટા બાપુના ઘરે ગયો હતો. અમારા પરિવારના બધા લોકો હાજર હતાં ત્‍યારે  દાદીમાએ વાત કરી હતી કે ૨૩મીએ બપોરે બે થી ત્રણ વચ્‍ચે ઘરે એક ૩૫ થી ૪૦ વર્ષનો શખ્‍સ આવ્‍યો હતો. જે આપણા સગાનો છોકરો છે તેવું મને ઉમરને કારણે લાગ્‍યું હતું.

એ શખ્‍સને મેં ઘરે બેસાડી પાણી પીવડાવ્‍યું હતું અને બાદમાં તેણે મને કહેલું કે તમે પહેરી છે તેવી ડિઝાઇનવાળી સોનાની બંગડી મારે બનાવડાવવી છે, જેથી તમે મને આપો તો હું નમુના તરીકે સોનીને બતાવી શકું. તેણે આ બંગડી થોડીવારમાં જ પાછી આપી જશે તેમ કહેતાં મને વિશ્વાસ બેસતાં મેં મારી એક લાખની કિમતની ચાર બંગડી તેને કાઢીને આપી દીધી હતી. પરંતુ ચારેક કલાક રાહ જોયા પછી પણ તે આવ્‍યો નહોતો.

આ શખ્‍સ મને તેના ફોન નંબર આપી ગયો હોઇ મેં બાજુની દરજીની દૂકાને જઇ એ નંબર પર ફોન જોડી આપવા કહેતાં દરજીએ નંબર ખોટા હોવાનું કહ્યું હતું. જેથી તે મને છેતરીને એક લાખની બંગડીઓ લઇ ગયાની ખબર પડી હતી. આ વાત મારા દાદીમાએ મને કરતાં અમે ઘરમેળે તપાસ કર્યા બાદ ફરિયાદ નોંધાવી હતી.

દરમિયાન ક્રાઇમ બ્રાંચની ટીમને એક શકમંદ વિશે માહિતી મળતાં તેને ઉઠાવી લઇ વિસ્‍તૃત પુછતાછ શરૂ કરતાં ભેદ ઉકેલાઇ જવાની આશા છે.

(3:39 pm IST)