રાજકોટ
News of Wednesday, 30th November 2022

કડિયા સમાજના ભાઈ - બહેનો પરિવર્તન ઈચ્‍છે છે

હું ચૂંટાઈ આવીશ તો મારો પગાર મારા વિસ્‍તારની ગૌશાળામાં ગૌમાતાના પોષણ માટે અર્પણ કરીશ : સુરેશ બથવાર

રાજકોટ : ગુર્જર  ક્ષત્રિય કડીયા સમાજ દ્વારા સમસ્‍ત કડીયા સમાજના તોહ મિલનનું આયોજન કરવામાં આવ્‍યું હતું.જેમાં વિશાળ સંખ્‍યામાં જ્ઞાતિજનો એક-બીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવા ઉમટી પડ્‍યા હતાં.આ તોહ મિલન અંગે કડીયા સમાજના આગેવાનોને આમંત્રણને માન આપીને રાજકોટ ગ્રામ્‍ય બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુરેશ બથવાર, પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજપૂત સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હોવાનું જણાવાયુ છે.

 મોંઘવારી,પેટ્રોલ-ડીઝલ અને ગેસના બાટલાના આસમાને ગયેલા ભાવો, તેલના ડબ્‍બામાં કમ્‍મરતોડ ભાવ વધારો,જર્જરિત રસ્‍તાઓ,સફાઈ અને આરોગ્‍યની અયોગ્‍ય સુવિધા,રાજકીય અને સામાજિક અન્‍યાય સહિતના મુદ્દે ભાજપ સરકારની નિષ્‍ફ્‌ળતાથી ત્રાહિમામ પોકારી ગયેલા કડીયા સમાજના ભાઈ-બહેનોએ આ વખતે પરિવર્તન લાવવાનો નિર્ધાર વ્‍યકત કર્યો હોવાનું પણ એક યાદીમાં જણાવાયુ છે.

કડીયા અને ઓબીસી સમાજને અન્‍યાય કરનારા ભાજપને ઝાકરો આપીને આ ચૂંટણીમાં કોંગ્રેસ અને સુરેશ બથવારને વિજયી બનાવવાના નિર્ધાર કર્યો હતો. કડીયા સમાજના આ તોહ મિલનને સફળ બનાવવા હરી રાઠોડ, નંદાભાઈ રાઠોડ, તેજસ ગંગાણી, પલકીન કાચા, રવીરાજ સોલંકી, દિપક ટાંક, શૈલેષ ટાંક સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

દરમિયાન શ્રી સુરેશ બથવારે મતદારોને અપીલ કરતા કહ્યું હતું કે આ વખતે પુનરાવર્તન નહીં પરંતુ પરિવર્તન લાવવાની તક આવી છે.ભાજપના ૨૭ વર્ષના કુશાસન અને અણઘડ વહીવટને કારણે ગુજરાતના હાલ બેહાલ થયા છે.બેફામ બનેલી મોંઘવારી, પેટ્રોલ-ડીઝલ અને ગેસના બાટલના આસમાને ગયેલા ભાવો,તેલના ડબ્‍બાના આસમાને ગયેલા ભાવો, શિક્ષણનું વ્‍યાપારીકરણ, મહિલાઓની અસાલમતી, બેરોજગારી, કોરોના કાળમાં આરોગ્‍ય ક્ષેત્રે સરકારની નિષ્‍ફળતા સહિતની સમસ્‍યાઓથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોને કોંગ્રેસને મત આપીને પરિવર્તન લાવવા અપીલ કરી છે.

રાજ્‍યમાં કોંગ્રેસની સરકાર આવશે તો રાહુલ ગાંધીએ ગુજરાતની જનતાને આપેલા આઠ વચનોનો તુરંત અમલ કરવામાં આવશે તેમ જણાવીને શ્રી બથવારે અંતમાં ઉમેર્યું હતું કે હું ધારાસભ્‍ય તરીકે ચૂંટાઈ આવીશ તો મારો પગાર મારા વિસ્‍તારની ગૌશાળામાં ગૌ માતાના પોષણ માટે અર્પણ કરીશ.

(4:05 pm IST)