રાજકોટ
News of Wednesday, 30th November 2022

રાજકોટની ચારેય બેઠકો ઉપર ભાજપને વિજયી બનાવવા હાકલ

ભાજપ અગ્રણીઓ વિજયભાઈ રૂપાણી, કમલેશ મીરાણી, જીતુ કોઠારી, કિશોરભાઇ રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર, મોહનભાઇ કુંડરિયા, રામભાઈ મોકરિયા, ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખભાઈ સાગઠિયા, પ્રદીપભાઈ ડવ, ધનસુખભાઈ ભંડેરી, ડો. ભરતભાઇ બોઘરા, બીનાબેન આચાર્ય, રાજુભાઇ ધ્રુવની હાકલ

રાજકોટ, તા.૩૦ : મતદાન આડે ગણતરીના કલાકો બાકી છે ત્‍યારે ભાજપના ધુરંધરો સર્વશ્રી રમેશભાઈ ટીલાળા, ઉદયભાઈ કાનગડ, ડો. દર્શીતાબેન શાહ અને ભાનુબેન બાબરીયાએ રાજકોટવાસીઓને અપીલ કરતા એક જાહેર નિવેદનમાં જણાવ્‍યું છે કે ગુજરાતને શાંતિ સલામતી, સ્‍વાસ્‍થ્‍યથી લઈને અવિરત વિકાસ માત્રને માત્ર ભરોસાની ભાજપ સરકાર જ આપી શકશે. રાજકોટ ૬૮, ૬૯, ૭૦ અને ૭૧ ચારેય બેઠકો ઉપરના ભાજપના ઉમેદવારો શ્રી ઉદય કાનગડ, શ્રીમતી ડો.દર્શિતા શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા અને શ્રીમતી ભાનુબેન બાબરીયાને કોંગ્રેસમુકત ગુજરાતના મંત્રને અને આમ આદમી પાર્ટીના ઝાડુને વાળી ચોળીને સાફ કરવા સવારથી જ મતદાન કરવા ઉમટી પડવા હાકલ કરી છે.

ભાજપ દિગ્‍ગજોએ વધુમાં કહ્યું છે કે છેલ્લા ૨૮ વર્ષથી ભાજપની સરકાર કાર્યરત છે. જો પાલિકાથી લઈ પાર્લામેન્‍ટ સુધી એક જ પક્ષનું શાસન હોય તો વિકાસના લાભો અસરકારક રીતે પ્રાપ્‍ત થાય છે. આથી લોકસભા અને મહાપાલિકાની જેમ વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપના પ્રતિનિધિઓિને વિજયી બનાવવાથી રાજકોટના વિકાસ કાર્યોને વધુ વેગ મળશે અને પાલિકાથી લઈ પાર્લામેન્‍ટ સુધી રાજકોટમાં વિકાસ કાર્યોનો સુભગ સમન્‍વય રચાશે.

કમળના નિશાનવાળુ બટન દબાવીને કેસરીયો લહેરાવવાનું જણાવતા ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્‍યુ હતું કે ભાજપની સરકારે સતત અને સખત કામ કરીને ગુજરાતને વિકાસનું સરનામુ બનાવ્‍યુ છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી અને ભુપેન્‍દ્રભાઈ પટેલની ડબલ એન્‍જીનવાળી ભાજપ સરકારના શાસનમાં રાજકોટનો વિકાસ ઉડીને આંખે વળગે તેવો બન્‍યો છે અને આજે રાજકોટ સૌરાષ્‍ટ્રની દેશ - દુનિયામાં બોલબાલા છે તે ભાજપ સરકારના જનહિત લક્ષી કાર્યો અને વિકાસલક્ષી યોજનાઓ જવાબદાર છે. સૌરાષ્‍ટ્ર - કચ્‍છથી લઈ કેવડીયા સુધીના સુજ્ઞ, સંસ્‍કારી, રાષ્‍ટ્રવાદી મતદારો પોતાનો સ્‍પષ્‍ટ જનાદેશ સમર્થન ભાજપને આપે અને દેશ વિરોધી, હિન્‍દુ સંસ્‍કૃતિ અને ધર્મ  અરાષ્‍ટ્રીય પરિબળોને જાકારો આપે એવી અમારી અપીલ છે.

ભાજપ અગ્રણીઓ સર્વશ્રી મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, કમલેશ મિરાણીએ કહ્યું હતું કે ગુજરાતે હેતથી નરેન્‍દ્રભાઈને કેન્‍દ્રમાં મોકલ્‍યા અને ગુજરાતને જાણે મોસાળે જમણ અને મા પીરસનાર હોય એમ અનેક યોજનાઓનો લાભ સૌથી પહેલા અને સૌથી વધુ મળ્‍યો છે. ગુજરાત અસ્‍તિત્‍વમાં આવ્‍યા બાદ વર્ષ ૧૯૬૦થી ૨૦૧૩ સુધીમાં કેન્‍દ્ર સરકાર તરફથી ગુજરાતને જેટલુ નહોતુ મળ્‍યુ એટલુ નરેન્‍દ્રભાઈએ વડાપ્રધાન બન્‍યાના ૮ વર્ષમાં ગુજરાતને ભેટ આપ્‍યુ છે. વધુમાં કહ્યું છે કે રાજકોટ ખાતે ૧૪૦૦ કરોડના ખર્ચે ગ્રીનફિલ્‍ડ એરપોર્ટને મંજૂરી મળી છે. ઉડાન રીજીયોનલ કનેકટીવીટી યોજના હેઠળ રાજયમાં ૬ સ્‍થળોએ દૈનિક સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. ગુજરાતમાં ૧૩ સ્‍થળોએ બુદ્ધિષ્‍ટ સર્કીટ વિકસાવવા માટે રૂા. ૩૬ કરોડની સહાય આપવામાં આવી છે. વડનગર, મોઢેરા તથા પાટણ ખાતે હેરીટેજ સર્કિટ વિકસાવવા માટે ૧૦૦ કરોડની સહાય કરાઈ છે. સોમનાથ અને દ્વારકા ખાતે પ્રસાદ યોજના હેઠળ અનુક્રમે ૨૬ કરોડ અને રૂા. ૩૮ કરોડની સહાય અપાઈ છે. ૧૨ પસંદગીયુકત હેરીટેજ સીટી પૈકી દ્વારકાનો પાયલોટ પ્રોજેકટમાં સમાવેશ થયો છે. રેલ્‍વે મંત્રાલય દ્વારા ૩૬ નવી ટ્રેન, ૬ નવા એકસટેન્‍શન અને ૨ ફ્રીકવન્‍સી ઓફ ટ્રેઈન્‍સને મંજૂરી મળી છે.

રાજકોટના મેયર ડો.પ્રદિપભાઈ ડવ અને ભાજપ અગ્રણી ડો. ધનસુભાઈ ભંડેરીએ તમામને મતદાન કરી લોકશાહીના આ સૌથી મોટા પર્વમાં જોડાવવા માટે રાજકોટવાસીઓને અનુરોધ કર્યો છે.

ડો.પ્રદિપ ડવ, ડો.ધનસુખ ભંડેરીએ કહ્યુ છે કે ભારતીય જનતા પક્ષે રાજકોટ ૬૮માં ઉદયભાઈ કાનગડ, ૬૯માં ડો.દર્શિતાબેન શાહ, ૭૦માં રમેશભાઈ ટીલાળા અને રાજકોટ ગ્રામ્‍યમાં શ્રીમતી ભાનુબેન બાબરીયાને ઉમેદવાર બનાવ્‍યા છે ત્‍યારે આ ચારેય ઉમેદવારો રાજકોટને વિકાસની નવી ઉંચાઈઓ તરફ લઈ જશે તેવી પૂરી શ્રદ્ધા છે.

રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ઉદય કાનગડે એક પ્રજાજોગ નિવેદનમાં રાજકોટ પૂર્વના વિકાસ માટે કમળનું બટન દબાવવા માટે લોકોને અપીલ કરતા કહ્યુ છે કે છેલ્લા ૫ વર્ષમાં આ વિસ્‍તારમાં ઘણો વિકાસ થયો છે અને હજુ આવનારા સમયમાં આ વિસ્‍તારમાં અનેક નવી સુવિધાઓ ઉભી કરવાનું વચન પ્રજાને આપવામાં આવ્‍યુ છે ત્‍યારે આ વચન પૂર્તિ માટે આવતીકાલના તા.૧ ડિસેમ્‍બરના રોજ ભારતીય જનતા પક્ષની તરફેણમાં જંગી મતદાન કરજો.

પાટીદાર અગ્રણી અને રાજકોટ દક્ષિણની બેઠકના ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટીલાળાએ એક નિવેદનમાં ચૂંટણી દરમિયાન રાત દિવસ જોયા વગર ભાજપના વિજય માટે કામ કરનાર તમામ નાના મોટા કાર્યકરો, આગેવાનો, અગ્રણીઓનો આભાર માન્‍યો છે. આ વિસ્‍તાર હંમેશા ભાજપનો ગઢ રહ્યો છે અને આ ચૂંટણીમાં લોકો આ પરંપરા જાળવી રાખશે તેવી મને આશા છે. આ વખતની ચૂંટણીમાં મોટાપાયે મતદાન થાય અને આવતીકાલના ૧લી ડિસેમ્‍બરના રોજ ભાજપની તરફેણમાં જંગી મતદાન કરવા હાકલ કરી છે.

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ભવ્‍ય વિજય અપાવી કેન્‍દ્ર અને રાજયમાં એકસૂત્રતાનો સુભગ સમન્‍વય રચીને વિકાસની ગતિ ઝડપી બનાવવા ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયાએ જણાવ્‍યુ છે.

રાજકોટ સૌરાષ્‍ટ્રને ભરોસાની ભાજપ સરકારે અગણિત ભેટ આપી છે અને અઢળક વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયાનું મોહનભાઈ કુંડારીયા અને રામભાઈ મોકરીયાએ જણાવ્‍યુ છે. તેમણે કહ્યું કે રાજકોટને રંગીલા અને મોજીલા શહેરની ઓળખ ભાજપના રાજમાં મળી. અગાઉના રાજમાં તો રાજકોટ નપાણીયુ કહેવાતુ અને આજે રાજકોટ રૂડુ - રળીયામણુ સ્‍માર્ટ કલીન સીટી તરીકે પ્રખ્‍યાત છે.

ભૂતકાળમાં રાજકોટ વાસીઓએ ભાજપના જનપ્રતિનિધિ ચૂંટી કાઢયા એટલે શહેરનો વિકાસ શકય બન્‍યો છે. કોંગ્રેસ વિરોધી આપ ભાગલાવાદી અને ભાજપ વિકાસવાદી છે. જનતા નક્કી કરે કોને મત આપવો. કોંગ્રેસે રામ મંદિર, નર્મદા યોજના, સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી, ક્રિકેટ સ્‍ટેડીયમ, રીવર ફ્રન્‍ટથી લઈ સૂજલામ, સુફલામ યોજનાનો વિરોધ કર્યો છે. જયારે ચૂંટણી ટાણે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળતી આમ આદમી પાર્ટી માત્ર મફતની રેવડી વેચી રહી હોવાનું પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું છે.

રાજકોટ ગ્રામ્‍ય બેઠકના ભાજપ ઉમેદવાર ભાનુબેન બાબરીયાએ કહ્યું છે કે, રાજકોટ નિરંતર વિકસી અને વિસ્‍તરી રહ્યુ છે. રાજકોટમાં આસપાસના ગામ ભળી રહ્યા છે. રાજકોટની જનસંખ્‍યા સાથે આ શહેરમાં જોડાઈ રહેલા નાના - નાના ગામની સંખ્‍યા પણ વધારો થઈ રહ્યો છે ત્‍યારે મોટી સંખ્‍યામાં મતદાન કરવા હાકલ કરી છે.

(4:24 pm IST)