રાજકોટ
News of Thursday, 1st December 2022

કિર્તીદાનને મતદાન કરતાં અટકાવાયાઃ પોણો કલાક બેસવું પડયું

ઓરીજનલ ડોકયુમેન્‍ટ સાથે ન હોવાના લીધે : કિર્તીદાને કહ્યું મારા જેવા સેલિબ્રીટીને આટલીવાર સુધી રાહ જોવી પડે તો જે જીવનમાં પ્રથમ વખત મતદાન કરવા માટે આવે છે તેની પાસે પ્રુફ ન હોય તો શું તેણે પાછુ ફરવું?

રાજકોટઃ જાણીતા લોકગાયક અને ગુજરાતના મતદાન કેમ્‍પેઇનના બ્રાન્‍ડ એમ્‍બેસેડર કિર્તીદાન ગઢવીને મતદાન કરતા અટકાવવામાં આવ્‍યા હતા. જયાં તેમની પાસે આધાર કાર્ડની હાર્ડકોપી ન હોવાથી પ્રિસાઈડીંગ ઓફિસર દ્વારા તેમને મતદાન કરતા અટકાવવામાં આવ્‍યા હતા. આવા સમયે કિર્તીદાન ગઢવી એવી દલીલ કરી હતી કે તેની પાસે આધારકાર્ડની ડિજિટલ કોપી છે છતાં પણ તેમને પોણો કલાક સુધી બેસવું પડ્‍યું હતું અને એ બાદ ઓરીજનલ ડોકયુમેન્‍ટ સાથે ન હોવાના કારણે ઝેરોક્ષ કોપીમાં સહી કરીને તેમણે ચૂંટણી અધિકારીને રજૂ કરી હતી. જે બાદ માધાપર તાલુકા શાળા ખાતે તેમણે મતદાન કર્યું હતું.

આ અંગે કિર્તીદાન ગઢવીએ મીડિયાને જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી મોદી સાહેબ નિયમિત ડિજિટલ ઇન્‍ડિયાની વાતો કરતા રહે છે પરંતુ મતદાનની પ્રક્રિયામાં જ ડિજિટલ ઇન્‍ડિયાનો અમલ નથી થતો. હું ૪૫ મિનિટથી અહીં મતદાન માટેની રાહ જોઈ રહ્યો છું. મારી પાસે આધારકાર્ડ હાર્ડકોપીમાં નથી પરંતુ ડિજિટલ કોપીમાં છે. છતાં પણ ચૂંટણી તંત્રમાં ફરજ પર તૈનાત કર્મચારીઓ મને મત આપતા અટકાવી રહ્યા છે. કારણકે મારી પાસે હાર્ડ કોપીમાં આધાર કાર્ડ નથી તો આ રીતે ભારત દેશ કઈ રીતે ડિજિટલ બનશે.

 મારી આ અધિકારીઓને પણ અપીલ છે કે તેઓ મોદી સાહેબને આ વાત પહોંચાડે કે આમને આમ ચાલતું રહેશે તો ભારતમાં ડિજિટલ ઇન્‍ડિયાનું કેમ્‍પેઇન કયારેય સફળ નહીં થાય અને મારી જેવા સેલિબ્રિટીને આટલી વાર સુધી રાહ જોવી પડે તો જે નવા મતદારો છે જે જીવનમાં પ્રથમવાર મતદાન કરવા માટે આવે છે જો તેમની પાસે પણ આવું કોઈ પ્રૂફ નહીં હોય તો શું તેમણે પણ પાછું જવું? આ રીતે મતદાન ન થઈ શકે.

(3:36 pm IST)