રાજકોટ
News of Thursday, 1st December 2022

દાળીયા-લુણીવાવ-કોલીથડ-ડૈયા-ત્રાકુડા-સુલતાનપુર-અનીડાના બુથો કબ્‍જે કરવા ૨૫ થી ૩૦ ગાડીઓ ફરી રહી છેઃ દાળીયામાં મારા પુત્ર શક્‍તિ અને ગણેશ જયરાજસિંહ વચ્‍ચે ખેંચાખેચી થયેલીઃ મેં વચ્‍ચે પડી મામલો થાળે પાડયોઃ અનિરૂધ્‍ધસિંહ જાડેજા

રાજકોટ તા. ૧: બપોરે ૩:૦૦ વાગ્‍યા આસપાસ દાળીયાની ઘટના વિશે અનિરૂધ્‍ધસિંહ જાડેજા-રીબડાએ ‘અકિલા'ને જણાવ્‍યું હતું કે બુથ કબ્‍જે કરવાની પેરવી સાથે આવેલા ગણેશ જયરાજસિંહ જાડેજા અને મારા પુત્ર શક્‍તિસિંહ વચ્‍ચે ભારે ઉગ્રતા છવાઇ હતી. ગણેશે અપશબ્‍દ બોલતાં મારા પુત્રએ ખેંચાખેંચી કરી લીધી હતી. મામલો વધુ બીચકે ત્‍યાં હું પહોંચી ગયો હતો. આ દરમિયાન પોલીસની ટૂકડી પણ આવી પહોંચતાં ગંભીર સ્‍વરૂપ પકડાતા રહી ગયું હતું.

જયરાજસિંહ જાડેજા જૂથ દ્વારા ખુલ્લેઆમ દાદાગીરી થઇ રહી છે. દાળીયા-લુણીવાવ-કોલીથડ-ડૈયા-ત્રાકુડા-સુલતાનપુર-અનીડા સહિતના ગામોના બુથો કબ્‍જે કરવા ૨૫ થી ૩૦ ગાડીઓ ફરી રહી છે. અનિરૂધ્‍ધસિંહે વધુમાં કહ્યું હતું કે અમે ખુબ સંયમ રાખ્‍યો છે. મતદાન શાંતિથી થાય તેવુ ઇચ્‍છી રહ્યા છીએ. પરંતુ બુથ કબ્‍જે કરવાના પ્રયાસ કેવી રીતે ચલાવી લેવાય? ફરજ પરનો સ્‍ટાફ ભોગ ન બને તે માટે અમે સીસીટીવી અને મોબાઇલમાં ફોટોગ્રાફ હોવા છતાં ફરિયાદ કરવાનું માંડી વાળ્‍યું છે.

(3:38 pm IST)