રાજકોટ
News of Thursday, 1st December 2022

રાજકોટમાં બપોર સુધીમાં ૪૫ ટકા મતદાન

રાજકોટમાંથી વજુભાઇ વાળા, વિજયભાઇ રૂપાણી, રીવાબા, સાંસદ રામભાઇ મોકરીયા સહિતના આગેવાનોનું મતદાનઃ રાજકોટમાં કમળ ખીલશે ? પંજો કેટલુ જોર કરશે ? કે પછી ઝાડુ ફરી વળશે એ બાબતને લઇને ભારે ચર્ચા : તંત્ર દ્વારા જડબેસલાક બંદોબસ્‍ત : કોઇ ઘટના બની નથી : સવારે ૮ થી બપોરે ૨ સુધીમાં ૧૦ લાખ ૩૮ હજાર મતદારોએ મતદાન કર્યું : સવારે ૮ થી ૧૦માં યુવા - વૃધ્‍ધો - દિવ્‍યાંગો સહિતના મતદારોની લાઇનો લાગી ગઇ : બપોર બાદ મતદાનની ટકાવારી વધવાના એંધાણ : કુલ મતદારો ૨૩ લાખથી વધુ મોકપોલમાં કુલ ૧૫૩: EVM - અન્‍ય મશીનો બગડેલા નીકળ્‍યાઃ કલેકટર - ઓબર્ઝવર રાઉન્‍ડ ધ કલોક ચેકીંગમાં

રાજકોટ તા. ૧ : સવારે ૮ વાગ્‍યાથી રાજકોટ શહેર - જિલ્લાની વિધાનસભાની ૮ બેઠકો ઉપર મતદાન શરૂ થયું છે, સંખ્‍યાબંધ મતદાન મથકો ઉપર મતદારો ઉમટી પડયા હતા, લાંબી લાઇનો લાગી હતી. પ્રથમ બે કલાક એટલે કે સવારે ૮ થી ૧૦ દરમિયાન ૧૧ ટકા મતદાન થયાનું ચૂંટણી અધિકારી સૂત્રોએ ઉમેર્યુ હતું.

ત્‍યારબાદ મતદારોમાં ભારે ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો અને બપોરે ૧ સુધીમાં ૩૨.૮૩ ટકા તો બપોરે ૨ સુધીમાં ૪૫ ટકા મતદાન થયું છે. રાજકોટની ૪ બેઠકો ઉપર સવારે લાઇનો લાગ્‍યા બાદ મતદારોનો પ્રવાહ થોડો ઘટવા તરફી રહ્યો છે, બપોરે ૧૨થી ૧ની વચ્‍ચે શહેરના સંખ્‍યાબંધ બૂથોમાં કાગડા ઉડતા નજરે પડયા હતા, બૂથો ખાલીખમ જોવા મળ્‍યા હતા પરંતુ ૧ વાગ્‍યા બાદ ફરી ફલો વધ્‍યો છે અને બપોરે ૨ થી ૨.૧૫ની વચ્‍ચે ૪૫ ટકા મતો પડી ગયા છે.ખાસ કરીને બૂથો ઉપર યુવા વર્ગમાં જબરો ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો, પહેલી વખત મતદાન કરતા યુવક-યુવતીઓ ઉમટી પડયા હતા, ૬૦ થી ૮૦ વર્ષના વૃધ્‍ધો પણ લાઇનમાં જોવા મળ્‍યા હતા.સ્ત્રી કરતા પુરૂષ મતદારની સંખ્‍યા ડબલ જોવા મળી હતી, બપોરે ૨ સુધીમાં ૮ બેઠકના થઇને ૧૦ લાખ ૩૮ હજાર મતદારોએ પોતાના મતાધીકારનો ઉપયોગ અવશ્‍ય મતદાનની ફરજ બજાવી હતી.

રાજકોટની ૪ બેઠકમાં બપોરે ૨ સુધીનું મતદાન જોઇએ તો ૬૮-રાજકોટમાં ૪૩ ટકા, ૬૯-રાજકોટમાં ૪૪ ટકા, ૭૦-રાજકોટમાં ૪૩ ટકા અને ૭૧-રાજકોટમાં ૪૫ ટકાથી વધુ મતદાન થયું છે.

કલેકટર કચેરીના અધિકારી સૂત્રોએ જણાવેલ કે, શહેર - જિલ્લામાં મતદાન શાંતિપૂર્ણ ચાલી રહ્યું છે, કોઇ અનિચ્‍છનીય ઘટના બની નથી. સૌથી વધુ મતદાન બપોરે ૨ સુધીમાં જેતપુર બેઠક ઉપર ૪૬ ટકાથી વધુ તો સૌથી ઓછું રાજકોટ-૭૦ બેઠક ઉપર ૪૩ ટકા આસપાસ થયું છે.(૨૧.૩૨)

જિલ્લાની ૪ બેઠકો

ઉપર બપોરે ૨

સુધીમાં મતદાન

જસદણ    ૪૩%

ગોંડલ     ૪૫%

જેતપુર    ૪૬.૬૮%

ધોરાજી ૪૨%

(3:41 pm IST)