રાજકોટ
News of Friday, 2nd October 2020

નવયુગપરામાં મોબાઇલથી ફોટા પાડવા મામલે ડખ્ખોઃ યુવતિ ફિનાઇલ પી ગઇ

સામા પક્ષે મહિલા પોતાના પર હુમલો થયાની ફરિયાદ સાથે દાખલ

રાજકોટ તા. ૨: ઘાંચીવાડ પાસે નવયુગપરામાં મોબાઇલથી ફોટા પાડવા બાબતે માથાકુટ થયા થતાં યુવતિ ફિનાઇલ પી જતાં અને સામે ડખ્ખો કરનાર મહિલા પોતાના પર આ યુવતિ સહિતે હુમલો કર્યાની રાવ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ હતી.

નવયુગપરા-૫માં રહેતી વૈશાલી હરેશભાઇ પરમાર (ઉ.વ.૧૮) રાતે દસેક વાગ્યે ઘર પાસે હતી ત્યારે સામે જ રહેતાં પડોશી મોનીકાબેન અને તેના પતિ અશોકભાઇએ ઝઘડો કરતાં તેણી ફિનાઇલ પી જતાં હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

સામા પક્ષે મોનીકાબેન અશોકભાઇ રત્નોતર (ઉ.વ.૩૨) પોતાને વૈશાલી, તેના માતા નાનુબેન અને નિલેષ પરમારે ઢીકા-પાટુ તથા તિક્ષણ હથીયારથી ઇજા કર્યાની રાવ સાથે સિવિલમાં દાખલ થતાં બંને બનાવમાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝનમાં જાણ કરી હતી. વૈશાલીના સગાના કહેવા મુજબ અશોક સામે ઉભો રહી મોબાઇલથી ફોટા પાડતો હોઇ તે કારણે ચડભડ થઇ હતી.

એએસઆઇ રાજેશભાઇ સોલંકીએ બંને પક્ષના નિવેદન નોંધી એનસી ગુનો નોંધવા તજવીજ કરી હતી. સામુ જોવા મામલે અને જુની માથાકુટને કારણે બંને પરિવાર વચ્ચે કેટલાક દિવસોથી માથાકુટ થતી હોવાનું સામે આવ્યું હતું.

(1:00 pm IST)