રાજકોટ
News of Friday, 2nd October 2020

ફ્રુટમાંથી દેશી દારૂનું ઉત્પાદન કરી નાની બોટલો ભરી વેંચતો લિસ્ટેડ બૂટલેગર કવિ ઉર્ફ હાર્દિક પકડાયો

દારૂના ૧૧ ગુનામાં સંડોવણીઃ પાંચ વખત પાસાની હવા પણ ખાધી છેઃ હવે આ ચાલુ કર્યુ : સાથે શાપરના જીવનસિંગ નેપાળીને પણ ક્રાઇમ બ્રાંચે દબોચ્યોઃ ગોકુલધામ કવાર્ટરના ત્રીજા માળે ધમધમતી હતી દારૂની ભઠ્ઠીઃ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી દારૂ, આથો, સાધનો મળી ૧૨૫૭૦નો મુદ્દામાલ કબ્જે કર્યો

રાજકોટ તા. ૨: ગોકુલધામ આવાસ યોજના કવાર્ટર બ્લોક નં. ૨૦ કવાર્ટર નં. ૧૫૩૬માં ત્રીજા માળે ફ્રુટમાંથી દેશી દારૂ  બનાવવામાં આવી રહ્યો હોવાની બાતમી મળતાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી બે શખ્સને ચાલુ ભઠ્ઠી સાથે પકડી લઇ આથો, દારૂ, ભઠ્ઠીના સાધનો મળી ૧૨૭૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે બ્લોક નં. ૧૯ કવાર્ટર નં. ૧૫૨૩માં રહેતાં હાર્દિક ઉર્ફ કવિ હરેશભાઇ સોલંકી (ઉ.વ.૪૦) તથા શાપર પિતૃકૃપા હોટેલ પાછળ રહેતાં મુળ નેપાળના જીવનસિંગ શેરસિંગ સોની (ઉ.વ.૨૨)ની ભઠ્ઠી ચલાવતાં ધરપકડ કરી દારૂનો આથો ૮૦૦ લિટર, દારૂ ૩૬ લિટર, તપેલા, છીબા, સ્ટીલની થાળી, ટીપ ૮ નંગ, ત્રણ બેરલ, ગેસના ત્રણ બાટલા, બે ચુલા અને એક મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

હાર્દિક ઉર્ફ કવિએ પોતાના કબ્જાના ત્રીજા માળના કવાર્ટર નં. ૧૫૩૬માં દારૂની ભઠ્ઠી ચાલુ કરી હતી. ફ્રુટમાંથી તે દેશી દારૂ બનાવતો હતો. એએસઆઇ જયેશભાઇ પી. નિમાવત, રાજદિપસિંહ ગોહિલને મળેલી બાતમી પરથી એસીપી ડી.વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવીની સુચના મુજબ પીએસઆઇ વી. જે. જાડેજા, હેડકોન્સ. ચેતનસિંહ ચુડાસમા, હિતેન્દ્રસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ જાડેજા, કોન્સ. અમીનભાઇ ભલુર, હિરેન્દ્રસિંહ પરમાર, સ્નેહભાઇ ભાદરકા સહિતે આ દરોડો પાડ્યો હતો.

હાર્દિક ઉર્ફ કવિ વિરૂધ્ધ અગાઉ રાજકોટમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં દારૂના ૧૧ ગુના નોંધાયા છે અને તે લિસ્ટેડ બુટલેગર છે. આ ઉપરાંત વર્ષ ૨૦૧૧ થી  ૨૦૧૯ સુધીમાં પાંચ વખત પાસામાં પણ જઇ આવ્યો છે. ભઠ્ઠીમાં ફ્રુટનો આથો નાંખી દારૂ બનાવી નાની પાણીની બોટલોમાં ભરીને વેંચતો હતો.

(2:45 pm IST)