રાજકોટ
News of Friday, 3rd February 2023

પ્રેરક કાર્ય...રાજકોટમાં રવિવારથી જૈન ભોજનાલયનો પ્રારંભ

માત્ર રૂા.૧૦માં જૈનોને શુધ્‍ધ-સાત્‍વીક ભોજન પીરસાશેઃ ટિફિન સેવા પણ ઉપલબ્‍ધ

રાજકોટઃ ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ.ગુરૂદેવ શ્રી ગિરિશચંદ્રજી સ્‍વામીના સુશિષ્‍ય ગુજરાત રત્‍ ન પૂ.શ્રી.સુશાંતમુનિ મહારાજ સાહેબ એવં મહામંત્ર પ્રભાવક પૂજય શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબના સુશિષ્‍ય સદગુરુદેવ પૂ.શ્રી પારસમુનિ મહારાજ સાહેબની પાવનકારી પ્રેરણાથી જૈન સંકલ્‍પ ટ્રસ્‍ટ દ્વારા રાજકોટ શહેરમાં તા.૫/૨ રવિવારે સવારે ૯.૩૦ કલાકે સમસ્‍ત જૈન સમાજના જનકલ્‍યાણ અર્થે જૈન ભોજનાલયનો સેન્‍ટ્રલ એસ.ટી.બસ સ્‍ટેન્‍ડ, બીજા માળે લીફટ નં.૩ની બાજુમાં દુકાન નં.૪૭, કનકરોડ, ઢેબરરોડ રાજકોટમાં શુભારંભ કરવામાં આવી રહયો છે.

જૈન આગેવાનોએ જણાવેલ કે ભગવાન મહાવીરે નવ પુણ્‍યમાં પ્રથમ અન્ન પુણ્‍ય બતાવ્‍યુ છે. રાજકોટ શહેરમાં અનેક સાધારણ જરૂરિયાતવાળા જૈન સાધર્મિક પરિવારો તેમજ રાજકોટની આસપાસના અનેક નાના-નાના ગામડાઓમાંથી કોઇને કોઇ કારણથી વારંવાર રાજકોટ આવતા જતા જૈન સાધર્મિકોને જૈન ભોજન વ્‍યવસ્‍થિત ન મળતા પરેશાની ઉભી થતી હોય છે તો તે શ્રાવક શ્રાવિકાઓ કંદમૂળ રહિત શુદ્ધ સાત્‍વિક જૈન ભોજન પામે. અન્ન બ્રહ્મ-અન્ન જ ભગવાન છે આવા ભાવ સાથે સઆદર ભકિત ભાવથી કરાવી માત્ર સાધર્મિક ભકિત અપાવે મુકિતની વાતો જ ન કરી નકકર કાર્ય કરી સમાજને નવો રાહ ચિંધવાનો પ્રયાસ છે. ટિફિન કે જમવાનું માત્ર દસ રૂપિયામાં આપવામાં આવશે.

રાજકોટ શહેરમાં જૈન સમાજની ઘણા સમયની જરૂરિયાતને લક્ષમાં લઇને જૈન સમાજના અશકત, જેમના ઘરમાં કોઇ કમાનાર ન હોય, એકલવાયુ જીવન વ્‍યતિત કરતા એકલા વ્‍યકિત કે દંપતિ હોય, ઘરમાં રસોઇ બનાવનાર કોઇ ન હોય તેવા વૃધ્‍ધ,  બહારગામથી રાજકોટ વ્‍યવસાય કે સર્વિસ માટે આવેલ વ્‍યકિત જે એકલા રાજકોટમાં રહેતા હોય, બહારગામથી હોસ્‍પિટલમાં સારવાર અર્થે આવેલ હોય તે દર્દી કે તેની સાથેના સગાસંબંધી હોય, અભ્‍યાસ અર્થે બહારગામથી રાજકોટ આવેલ વિદ્યાર્થી અપડાઉન કરતા હોય કે પેઇંગ ગેસ્‍ટ તરીકે રાજકોટમાં રહેતા હોય આદિ યોગ્‍ય કારણ હોય તેવા જૈનને જૈન ભોજનાલયમાં એક ટાઇમ રૂપિયા ૧૦માં જમવા કે ટિફિન આપવામાં આવશે

કાર્યવાહક ટ્રસ્‍ટીગણ શ્રી પ્રવિણભાઇ કોઠારી, શ્રી અશોકભાઇ કોઠારી, શ્રી મયુરભાઇ શાહ, શ્રી હિતેશભાઇ મહેતા, શ્રી ડો.પારસભાઇ શાહ, શ્રી શૈલેષભાઇ માઉ, શ્રી અજયભાઇ ભીમાણી, શ્રી અમિષભાઇ દોશી, શ્રી મનિષભાઇ કામાણી, શ્રી મેહુલભાઇ રવાણી, શ્રી મિલનભાઇ કોઠારી, શ્રી જયભાઇ ખારા, શ્રી વિશ્વાસભાઇ મહેતા ટ્રસ્‍ટીગણે જણાવ્‍યુ હતુ કે સાચી જરૂરિયાતવાળા માનવ માત્ર સુધી પહોંચવાનો અમારો પ્રયત્‍ન છે. આગળ પણ અન્‍ય યોજનાઓ અમલમાં મૂકવાની અમારી ભાવના છે. વર્તમાન સમયમાં માત્ર જૈન સમાજ માટે જૈન ભોજનાલયનો શુભારંભ કરવામાં આવી રહયો છે. માત્ર ૧૦ રૂપિયામાં ભોજન અથવા ટિફિન જોઇતુ હોય તેમણે ફોર્મ ભરીને આપવાના રહેશે ફોર્મ ભરીને તુરંત પહોંચાડવા જેથી યોગ્‍ય વ્‍યવસ્‍થા થઇ શકે વધુ વિગતો માટે મો. ૯૩૨૩૭ ૭૭૭૦૯ ઉપર સંપર્ક કરી શકાય છે.

તસ્‍વીરમાં જૈન અગ્રણીઓ સર્વશ્રી મયુરભાઇ શાહ, શૈલેષભાઇ માઉ, બીપીનભાઇ પારેખ, અજયભાઇ ભીમાણી, ચેતનભાઇ વખારીયા અને નીતીનભાઇ મહેતા નજરે પડે છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)(

(3:22 pm IST)