રાજકોટ
News of Saturday, 3rd July 2021

ગવલીવાડમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયાઃ ડ્રગ્સ કેસમાં ફરાર સુધાને અડધા કલાકની દોડધામ બાદ પકડી લેવાઇ

અગાઉ પણ મારામારી, જુગાર, એનડીપીએસના કેસમાં સંડોવણીઃ કુવાડવા પોલીસનો મુળ સુધી પહોંચવા પ્રયાસ : એસઓજી-પેરોલ ફરલોની ટીમે કારથી પીછો કર્યોઃ પછી રહેવાસીનું ટુવ્હીલર લઇ બે મહિલા પોલીસે પીછો કર્યો ને દબોચી : હેડકોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, સિરાજભાઇ, અઝહરૂદ્દીનભાઇની બાતમીઃ કોન્સ. સોનાબેન અને શાંતુબેનની જોડીની મહેનત લેખે લાગી

રાજકોટ તા. ૩: કુવાડવા પોલીસના એમ.ડી. ડ્રગ્સના ગુનામાં સાત મહિનાથી ફરાર રૈયાધાર સ્લમ કવાર્ટર નં. ૫૦૬માં રહેતી નામચીન મહિલા સુધા સુનિલ ધામેલીયા (ઉ.વ.૩૯) ગઇકાલે સાંજે ગવલીવાડમાં આવ્યાની બાતમી મળતાં એસઓજી અને પેરોલ ફરલો સ્કવોડની ટીમ કાર લઇને પહોંચી હતી. પણ પોલીસને જોઇ સુધા એકટીવા ચાલુ કરી ભાગતાં તેનો પીછો કરાયો હતો. શેરીઓ ગલીઓમાં કાર ન જઇ શકતાં બે મહિલા કોન્સ્ટેબલ કારમાંથી ઉતરી એક રહેવાસીનું ટુવ્હીલર લઇ પાછળ પડી હતી. અડધા કલાકની દોડધામને લીધે ગવલીવાડમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતાં. અંતે તે ઝડપાઇ ગઇ હતી. સુધા ડ્રગ્સ કયાંથી લાવતી હતી? તેના મુળ સુધી પહોંચવા હવે કુવાડવા પોલીસ તપાસ કરશે.

ડ્રગ્સના ગુનામાં ફરાર સુધા ગવલીવાડમાં પોૈત્રીનું મોઢુ જોવા આવી હોવાની પાક્કી બાતમી એસઓજીના હેડકોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. અઝહરૂદ્દીન બુખારી અને સિરાજ ચાનીયાને મળતાં તેઓ તથા પીએસઆઇ એમ. એસ. અંસારી, મહિલા કોન્સ્ટેબલ સુધાબેન મુળીયા, શાંતુબેન મુળીયા એમ બધા ત્યાં પહોંચ્યા હતાં. પણ પોલીસને ઓળખી જતાં જ ચાલાક સુધા એકટીવા ચાલુ કરી ભાગી હતી. પોલીસે કારથી તેનો પીછો કર્યો હતો. પરંતુ તેણી શેરીઓ ગલીઓમાં ઘુસી જતાં કાર ત્યાં જઇ શકે તેમ ન હોઇ ઉભી રાખવી પડી હતી. પણ એ સાથે જ કોન્સ. સોનાબેન અને શાંતુબેને ત્યાંના એક રહેવાસીનું ટુવ્હીલર લીધુ હતું અને સુધાનો પીછો પકડ્યો હતો. આડી અવળી શેરીઓ ગલીઓમાં ભાગમભાગ થયા બાદ અડધા કલાકે સુધા હાથમાં આવી જતાં કુવાડવા પોલીસને સોંપાઇ છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ડી. વી. બસીયાની સુચના અને પીઆઇ આર.વાય. રાવલની રાહબરીમાં  પીએસઆઇ એમ. એસ. અંસારી, એએસઆઇ ઝહીરખાન ખફીફ, વિજેન્દ્રસિંહ ઝાલા, અનિલસિંહ, સિરાજભાઇ, અઝહરૂદ્દીનભાઇ, પ્રદિપસિંહ ગોહિલ, યોગેન્દ્રસિંહ ઝાલા, સોનાબેન અને શાંતુબેને આ કામગીરી કરી હતી.

સુધા વિરૂધ્ધ અગાઉ પ્ર.નગરમાં મારામારી-રાયોટીંગ, યુનિવર્સિટીમાં જૂગાર અને બી-ડિવીઝનમાં એનડીપીએસનો ગુનો નોંધાયો હતો. કુવાડવા પોલીસે અગાઉ ગોપાલ નામના શખ્સને પકડ્યો હતો. ત્યારે સુધાનું નામ ખુલ્યું હતું. હવે સુધા કોનું નામ આપે છે? તેના મુળીયા કયાં સુધી છે? એ જોવું રહ્યું.

(3:11 pm IST)