રાજકોટ
News of Saturday, 3rd July 2021

જશરાજનગરના મકાનમાં તાલુકા પોલીસનો દરોડોઃ દારૂની ૯૫ બોટલ સાથે કાળુ પકડાયો

મકાન માલિકનો પુત્ર વિશાલ ભડેલીયાની શોધઃ રૂ. ૨૫ હજારનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ, તા. ૩ :. દોઢસો ફૂટ રોડ પર આવેલ જશરાજનગરમાં તાલુકા પોલીસે બાતમીના આધારે મકાનમાં દરોડો પાડી દારૂની ૯૫ બોટલ સાથે વૃદ્ધને પકડી લઈ તેના પુત્રની શોધખોળ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ દોઢસો ફુટ રોડ પર રાધે હોટલની પાછળ જશરાજનગરમાં એક મકાનમાં દારૂનો જથ્થો પડયો હોવાની તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. કે.આર. કુવાડીયાને બાતમી મળતા જશરાજનગર શેરી નં. ૬માં આવેલા એક મકાનમાં દરોડો પાડી તલાશી લેતા રૂ. ૨૫,૩૦૦ની કિંમતની દારૂની ૯૫ બોટલ મળી આવતા મકાન માલિક કાળુ નાથાભાઈ ભડેલીયા (ઉ.વ. ૬૨)ને પકડી લીધો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા તેનો પુત્ર વિશાલ કાળુભાઈ ભડેલીયાએ દારૂનો જથ્થો મંગાવ્યો હોવાની કેફીયત આપતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. વિશાલ અગાઉ તાલુકા પોલીસ મથકમાં દારૂના ગુનામાં પકડાયો હતો.

(3:09 pm IST)