રાજકોટ
News of Tuesday, 3rd August 2021

વિજયભાઈએ બી.એ.પી.એસ. મંદિરે ઠાકોરજી અને સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા

સુશિક્ષિત નવયુવાનો આત્મનિર્ભર ભારત અભિયાનમાં જોડાવા કટિબદ્ધ થયાઃ પારિવારિક શાંતિ અભિયાન માટે બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા બનાવવામાં આવેલ 'પ્રેરણા સેતુ' મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરાવી અભિયાનનો શુભારંભ કરાવ્યો

રાજકોટઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ મંદિરે  ભગવાન સ્વામિનારાયણ અને અક્ષર-પુરૂષોત્તમ મહારાજના દર્શન કર્યા બાદ રાજકોટના ૧૫૦થી અધિક સુશિક્ષિત નવયુવાનો મુખ્યમંત્રીશ્રીના ૬૫મા જન્મદિવસ તેમજ પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે બીઝનેસમાં નવું સ્ટાર્ટ અપ કરી ભારત સરકારના 'આત્મનિર્ભર ભારત' અભિયાનમાં જોડાવા માટે કટિબદ્ધ થયા હતા. સાથે 'ગ્રીન ગુજરાત- કલીન ગુજરાત' અભિયાન અંતર્ગત પર્યાવરણ સંવર્ધન અને સ્વચ્છતા અભિયાનનો  પ્રારંભ પણ કરાવવામાં આવ્યો હતો. પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે પર્યાવરણ જાગૃતિ માટે મંદિર દ્વારા લાખો વૃક્ષો વાવી તેનું સંવર્ધન કરવામાં આવનાર છે તેના પ્રતિક સ્વરૂપે મુખ્યમંત્રીશ્રી એ  વૃક્ષનું સંવર્ધન-રક્ષણ કરનાર પીંજરાનું પૂજન કરી પુષ્પ પાંખડી પધરાવી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.  

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના સભાહોલમાં મુખ્યમંત્રીશ્રીએ કેક કાપી જન્મદિનની ઉજવણી કરી હતી. પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે એડ શોપ ઈ રીટેઈલ લિ.ના ડાયરેકટરશ્રી દિનેશભાઈ પંડ્યા દ્વારા જરૂરિયાતમંદ ૧૦૦૦ બાળકોને અભ્યાસના ચોપડા આપવામાં આવનાર છે જેના પ્રતિનિધિરૂપે ૫ બાળકોને ચોપડા અર્પણ કરી શૈક્ષણિક સેવા અભિયાનનો મંગલ પ્રારંભ કરાવ્યો હતો. સાથે તેઓ દ્વારા કોરોનામાં પરિવારના મોભી સ્વજન ગુમાવનાર પરિવારોને દર મહિને એક વર્ષ સુધી આર્થિક સહાય આપવામાં આવનાર છે જેના પ્રતીક સ્વરૂપે અસરગ્રસ્ત પરિવારના સભ્યને મુખ્યમંત્રીશ્રીએ આર્થિક સહાયના ચેક અર્પણ કર્યા હતા.

પૂ.અપૂર્વમુનિ સ્વામીએ મુખ્યમંત્રીશ્રી રૂપાણીને જન્મદિન નિમિતે દીર્ઘાયુ માટે અને તેઓના નેતૃત્વમાં ગુજરાતની ઉતરોત્તર પ્રગતિ થતી રહે એ માટે ઠાકોરજીને -ાર્થના કરી શુભેચ્છાઓ પાઠવી હતી. અંતે વિજયભાઈએ જણાવ્યું હતું કે, 'આજના દિવસે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ કે કોરોનાથી સૌની રક્ષા થાય અને ૨૦૨૨માં  પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ રંગે-ચંગે ઉજવાય અને આપણે પ્રમુખસ્વામી મહારાજે ચિંધેલા રાહ પર ગુજરાતને આગળ વધારીએ. હું ભાગ્યશાળી છું કે સંતોના આશીર્વાદ મને મળી રહ્યા છે અને એ આશીર્વાદની શકિત મને ગુજરાતના તમામ પડકારોને પહોંચી વળવા માટે સમર્થ બનાવે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના.' અંતે કોઠારીસ્વામીએ તેઓને પ્રસાદ આપી વિદાય પાઠવી હતી.

(3:42 pm IST)