રાજકોટ
News of Thursday, 3rd September 2020

દક્ષાબેન ભેસાણીયાએ ભાજપમાંથી અગાઉ રાજીનામુ આપવાનુ નાટક કરેલઃ હવે માત્ર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટેનો ખેલ છેઃ કમલેશ મિરાણી

હાર્દિક પહેલા કોંગ્રેસના ધારાસભ્યો સંભાળે, પછી રાજકોટમાં હવાતીયા મારેઃ રાજકોટ કાયમી ભાજપનો ગઢ રહ્યુ છે ને રહેશે

રાજકોટ, તા.૩: શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ એક અખબારી યાદીના માધ્યમથી જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.પના વિવાદીત કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા અને તેના પતિ અરવીંદભાઇ ભેસાણીયા દ્વારા છેલ્લા બે વર્ષથી પાર્ટીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરવામાં આવી રહી હતી અને છેલ્લા બે વર્ષ પહેલા વોર્ડમાં માત્રને માત્ર પોતાની સસ્તી પ્રસિધ્ધી મેળવવા માટે સાઇન બોર્ડના મુદાનો વિવાદને માધ્યમ બનાવી પાર્ટીમાંથી રાજીનામું આપવાનું નાટક કરેલ અને ત્યારબાદ ફરીથી વોર્ડમાં અને પાર્ટીમાં પાર્ટી વિરૂધ્ધનું કૃત્ય શરૂ જ રાખવામાં આવેલ હતુ અને છેલ્લા બે વર્ષથી દક્ષાબેન ભેસાણીયા પાર્ટીમાંથી પણ નિષ્ક્રીય છે એટલે આજે તેઓ કોંગ્રેસમાં જોડાયા છે તેની કોઇ નોંધ કે રંજ ભાજપને નથી.

શ્રીમીરાણીએ વધુમાં જણાવેલ કે ભાજપના નિશાન પર દક્ષાબેન ભેસાણીયાને ટીકીટ આપવામાં આવી હતી અને તેઓ ચૂંટાયા હતા. પરંતુ અંગત મહત્વકાંક્ષા અને સસ્તી પ્રસિધ્ધી મેળવવા માટે તેમના પતિ દ્વારા પણ વોર્ડના વિકાસ કાર્યોમાં પણ બાધારૂપ બનતા હતા અને સસ્તી પ્રસિધ્ધીના હેતુથી વોર્ડમાં સાઇન બોર્ડના મુદે મોટો વિવાદ સર્જયો હતો, આ ઉપરાંત કોર્પોરેશનના અધિકારીઓ સાથે તુમાખીભર્યુ વર્તન કરતા હતા, આ અંગે પણ અવારનવાર પાર્ટીમાંથીી સૂચનાઓ આપવામાં આવેલ હતી. પરંતુ તેને હંમેશા અવગણી હતી.

અંતમાં કમલેશ મિરાણીએ જણાવ્યું હતુ કે આજે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે બની બેઠેલા હાર્દિક રાજકોટમાં આવી દક્ષાબેન ઉપરાંત અનેક કોર્પોરેટરો તેના સંપર્કમાં છે તેવા નિવેદનો કરી શહેરીજનોને મનોરંજન પૂરૂ પાડી રહ્યા છે ત્યારે હાર્દિક કોંગ્રેસના ધારાસભ્યોની નારાજગીથી અજાણ હશે અને એના કારણે જ કોંગ્રેસ હમેંશા તુટતી રહી છે ત્યારે હાર્દિક પહેલા કોંગ્રેસના ધારાસભ્યોની ચિંતા કરે પછી રાજકોટમાં સુફીયાણી સલાહ આપવામાં આવે, એટલે હાર્દિક અને તેના મળતીયા તેમજ કોંગ્રેસ માટે સતા જોવાના સપના બંધ કરી લોકસેવામાં લાગી જાય.

(3:57 pm IST)