રાજકોટ
News of Thursday, 3rd September 2020

કોઠારીયા કોલોનીમાં શરાફી મંડળીમાં રોકાણકારોના રર લાખ ચાંઉ કરનાર સુરેશગીરી ગૌસ્વામી પકડાયો

બે વર્ષથી ફરાર બાવાજી શખ્સને ભકિતનગર પોલીસે દબોચ્યો

રાજકોટ, તા. ૩: શહેરના કોઠારીયા કોલોનીમાં કલ્યાણેશ્વર શરાફી મંડળી ચાલુ કરી શરાફી મંડળીમાં ડેઇલી બચતની સ્કીમમાં રોકાણકારોના રર લાખ ચાંઉ કરવાના ગુન્હામાં બે વર્ષથી ફરાર બાવાજી શખ્સને ભકિતનગર પોલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના પોલીસ કમિશનર મનોજ અગરવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા તથા એસીપી એચ.એલ. રાઠોડે નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપતા ભકિતનગર પોલીસ મથકના પીઆઇ જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.બી. પટેલ, એએસઆઇ ફીરોઝભાઇ શેખ, હેડ કોન્સ. રણજીતસિંહ પઢીયાર, હીરેનભાઇ, મનરૂપગીરી, સલીમભાઇ, ભાવેશભાઇ મકવાણા, વાલજીભાઇ જાડા, મનીષભાઇ સીરોડીયા, દિવ્યરાજસિંહ ઝાલા, રાજેશભાઇ ગઢવી, હિતેન્દ્રસિંહ ઝાલા અને મૈસુરભાઇ સહિત પેટ્રોલીંગમાં હતાં ત્યારે પીએસઆઇ જે.બી. પટેલ તથા કોન્સ. ભાવેશભાઇ મકવાણાને મળેલી બાતમીના આધારે છેતરપીંડીના ગુનામાં બે વર્ષથી નાસતો ફરતો સુરેશગીરી હેમંતગીરી ગૌસ્વામી (ઉ.વ.૬૧) (રહે. કોઠારીયા કોલોની કવાર્ટર નં. ૪૯૬)ને કોઠારીયા કોલોનીના બગીચા પાસેથી પકડી લીધો હતો. બાવાજી વૃદ્ધે ર૦૧૮માં કોઠારીયા કોલોનીમાં કલ્યાણેશ્વર શરાફી મંડળી ચાલુ કરી શરાફી મંડળીમાં અનેક રોકાણકારોને જોડી ડેઇલી બચત સ્કીમ ચાલુ કરી તેમાં નાણા રોકવા લોકોને પ્રલોભન આપતા અનેક લોકોએ ડેઇલી બચત સ્કીમમાં નાણા રોકયા હતાં. બાવાજી પિતા-પુત્રએ રોકાણકારોના રર લાખ જેટલી રકમ ચાંઉ કરી જઇને ફરાર થઇ જતા આ મામલે ભકિતનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાતા જે તે વખતે પોલીસે તેના પુત્રની ધરપકડ કરી હતી. જયારે વૃદ્ધ સુરેશગીરી ફરાર હતો.

(4:14 pm IST)