રાજકોટ
News of Monday, 3rd October 2022

વિશ્વસનીયતાનો પર્યાય ભારતીય પોસ્‍ટ વિભાગ : દેવુસિંહ ચૌહાણ

કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રીના હસ્‍તે રાજકોટ માર્કેટીંગ યાર્ડ સબ પોસ્‍ટ ઓફિસ અને ભાવનગર હેડ પોસ્‍ટ ઓફિસના ‘ડાક ઘર નિર્યાત કેન્‍દ્ર'નું વર્ચ્‍યુઅલ ઉદ્‌ઘાટન : ગાંધી જયંતિના શુભ દિવસે ‘કબા ગાંધીનો ડેલો' પર વિશેષ આવરણનું વિમોચન

રાજકોટ તા. ૩ : ગાંધી જયંતિના પાવન અવસર પર શ્રી અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે કેન્‍દ્રીય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્‍તે રાજકોટ માર્કેટિંગ યાર્ડ સબ પોસ્‍ટ ઓફિસ અને ભાવનગર હેડ પોસ્‍ટ ઓફિસના ‘ડાક ઘર નિર્યાત કેન્‍દ્ર'નું વર્ચ્‍યુઅલ ઉદ્‌ઘાટન કર્યું હતું. સાથો સાથ ‘કબા ગાંધીનો ડેલો' પર વિશેષ આવરણનું વિમોચન કરવામાં આવ્‍યું હતું.

આ કાર્યક્રમને ત્રિવેણી સંગમ કહેતા કેન્‍દ્રીય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્‍યું હતું કે, ગાંધી જયંતિની સાથે પૂર્વ વડાપ્રધાનશ્રી લાલ બહાદુર શાષાીજીના જન્‍મદિવસ પર પોસ્‍ટ વિભાગની નવી સુવિધાઓનું ઉદઘાટન થઈ રહ્યું છે, જે ખરેખર ખુશીની વાત છે. ભારતીય પોસ્‍ટ વિશ્વસનીયતાનો પર્યાય બનીને જનતાની સુખાકારી માટે કામગીરી કરી રહ્યું છે. ભાવનગરમાં ‘ડાક ઘર નિર્યાત કેન્‍દ્ર' નિકાસકારો માટે ઘણું મહત્‍વનું સાબિત થશે. નિકાસકારો પોતાના વ્‍યાવસાયિક માલસામાન વિદેશમાં વ્‍યાજબી ભાવથી સરળતાથી દસ્‍તાવેજી પ્રક્રિયા સાથે મોકલી શકશે. આ અવસરે વાહન વ્‍યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના મંત્ર સાથે દેશના નાગરિક તરીકે પોતાની જવાબદાર ભૂમિકા નિભાવવાનું આહ્વાન કર્યું હતું.  ઉપરાંત ખભે ખભો મિલાવીને દરેક ક્ષેત્રમાં વિકાસ કરીને ભારતની આવનાર પેઢીને શ્રેષ્ઠ ભારત આપવા માટે બનતા પ્રયાસો કરવા કહ્યું હતું.                                                

આ પ્રસંગે સર્વે મહાનુભાવોના હસ્‍તે ‘સુકન્‍યા સમૃદ્ધિ યોજના'ની લાભાર્થી પાંચ દીકરીઓને તેમના એકાઉન્‍ટની પાસબુક આપવામાં આવી હતી. તેમજ આધાર અપડેશનની શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીને ટુવ્‍હીલરની ચાવી એનાયત કરાઈ હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવી હતી. ઉપસ્‍થિત સર્વે મહાનુભાવોનું પુષ્‍પગુચ્‍છ દ્વારા સ્‍વાગત કરીને સ્‍મૃતિચિહ્નન અર્પણ કરવામાં આવ્‍યું હતું. સૌરાષ્ટ્ર-કચ્‍છના પોસ્‍ટ માસ્‍ટર જનરલ બી.એલ.સોનલે શાબ્‍દિક સ્‍વાગત અને મેયર પ્રદિપ ડવે પ્રાસંગીક ઉદ્દબોધન કર્યું હતું.

આ તકે સાંસદ મોહનભાઈ કુંડારીયા,  રામભાઈ મોકરીયા, ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અગ્રણી કમલેશભાઈ મીરાણી, પોસ્‍ટ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:47 pm IST)