રાજકોટ
News of Monday, 3rd October 2022

પ્રમુખમાર્ગઃ રાવણવૃત્તિ

પરમ પૂજય પ્રમુખસ્‍વામી મહારાજ શતાબ્‍દી લેખમાળા

ભગવાન શ્રીરામે દશેરાને દિવસે રાવણનો મોક્ષ કર્યો, તેની સ્‍મૃતિમાં આજે પણ લોકો રાવણના પૂતળાનું દહન કરે છે. આસુરી સંપત્તિ નાશ પામ્‍યાનો આ આનંદ છે. રાવણ ભગવાન શ્રીરામથી હણાયો છતાં આજે પણ સમાજમાં રાવણવૃત્તિ જીવે છે, અસંયમ અને અહંકાર દ્વારા કામ અને માન દ્વારા.

રાવણ વિદ્વાન હતો, બળવાન હતો. સમુદ્રના ખારા જળને મીઠું કરવું જેથી જળ સમસ્‍યા ન રહે, દિવસ જેટલો પ્રકાશ રાત્રે પણ રહે જેથી ઉત્‍પાદનક્ષમતા વધે જેવા ક્રાન્‍તિકારી વિચારો ધરાવતો ક્રાંતદૃષ્ટા હતો. છતાં રાવણ સૌને ત્રાસદાયક બન્‍યો, કારણ અસંયમ અને અહંકાર ભરેલી તેની મનોવૃત્તિ.

ભગવાન શ્રીરામ સાથે યુદ્ધ ન કરવા, સીતાજીને પાછી સોંપી દેવા રાવણને કેટલાયે સમજાવ્‍યો પણ અહંવશ તેણે કોઈની સલાહ સ્‍વીકારી નહીં. વાલ્‍મીકિ રામાયણ અને તુલસી રામાયણનો જે અભ્‍યાસ કરે તેને ‘પોતાની જ વાત સાચી'તેવી રાવણની મનોવૃત્તિનો સહેજે ખ્‍યાલ આવી જાય છે.

ભગવાન શ્રીરામ રામેશ્વરના સમુદ્રકાંઠે વાનરસેના સહિત આવી ગયા છે તે સમાચાર મળતા રાવણે રાક્ષસસભા બોલાવી. તે સમયે કુંભકર્ણે તેને પરષાીહરણના પાપકર્મ માટે ટોકયો હતો પણ તેનાથી રાવણમાં કોઈ ફેર ન પડ્‍યો. રાવણના માતામહ (માતાના પિતા) માલ્‍યવાને સલાહ આપી તેની વાત રાવણે નકારી કાઢી. તેની પટરાણી મંદોદરીએ બે વાર વિનંતી સાથે સીતાજીને સોંપી દેવા આગ્રહ કર્યો પણ રાવણે તે પણ કાને ન ધર્યું. સગા ભાઈ વિભીષણને તો સાચી સલાહ આપવાને લીધે લાત મારી કાઢી મૂકયા. ‘હું  જે માનું, કે કહું તે જ સાચું.' આવું અહંકારી વલણ તે રાવણવૃત્તિ છે. જે વ્‍યકિતમાં આવી રાવણવૃત્તિ જાગે તે પોતે અશાંતિ પામે છે અને સૌને અશાંત કરે છે.

ભગવાન શ્રીરામની વૃત્તિ તદ્દન જુદી છે. વનયાત્રા દરમ્‍યાન સીતાજીએ ભગવાનને વિનંતી કરી કેઃ ‘આપણે તપસ્‍વીના જેવું જીવન જીવીએ છીએ તેથી આ ધનુષ્‍યબાણ ન રાખીએ તો સારૂં. શષાનો યોગ વગર કારણે હિંસા કરાવી દેશે તેવું મને જણાય છે.  સીતાજીની સલાહ ભગવાન શ્રીરામે સહર્ષ સ્‍વીકારી. પછી ધનુષ્‍યબાણ ઋષિઓના તથા ધર્મના રક્ષણ માટે જરૂરી છે તે સમજાવ્‍યું. ભગવાનની અને સંતની આ રીત છે. કોઈની પણ વાત સાંભળવી, સ્‍વીકારવી અને યોગ્‍ય હોય તો તે પ્રમાણે વર્તવું.

પ્રમુખસ્‍વામી મહારાજ નાનામાં નાની વ્‍યકિતની વાતો સાંભળતા, સ્‍વીકારતા અને તે મુજબ વર્તતા. એકવાર વ્‍યકિતગત મુલાકાતમાં એક નાનો બાળક નાનકડી ચીઠ્ઠી આપી ગયો. પ્રમુખસ્‍વામી મહારાજે મુલાકાદ બાદ તે ચીઠ્ઠી વાંચી. તેમાં લખેલું કે ‘આપનું આસન બહુ ઊંચું હોય છે તેથી અમને નાના બાળકોને મળવામાં તકલીફ પડે છે.' પ્રમુખસ્‍વામી મહારાજે તે સમયે જ આયોજકોને બોલાવી આ ચીઠ્ઠી વંચાવી, પોતાનું આસન નીચું રાખવા જણાવ્‍યું.

બોચાસણમાં ગુરૂપૂર્ણિમાનો ઉત્‍સવ હતો. લગભગ ૨૦,૦૦૦ ભક્‍તો સભામાં બેઠા હતા. તે સમયે પ્રમુખસ્‍વામી મહારાજે પ્રવકતાને પોતા પર આવેલ પોસ્‍ટકાર્ડ આપી તેની વિગતની જાહેરાત કરવા કહ્યું. પહેલું તો જે વ્‍યકિત પોતાની વિગત પોસ્‍ટકાર્ડમાં જણાવે તે વ્‍યક્‍તિ સામાન્‍યકક્ષાની હોય તે સૌને ખ્‍યાલ આવી જાય. તેમાં લખેલી વિગત વાંચતા પ્રવકતાને ખ્‍યાલ આવી ગયો કે આ વૃદ્ધ વ્‍યક્‍તિના અક્ષરો છે. તેમાં પર્યાવરણ જાળવવા વૃક્ષારોપણની જાહેરાત ઉત્‍સવમાં કરવા જણાવેલું. વૃદ્ધાવસ્‍થામાં આવી શિખામણ આપવાની ટેવ પડી જાય છે તેવો કોઈ વિચાર પ્રમુખસ્‍વામી મહારાજે ન કર્યો. એક સામાન્‍ય વ્‍યકિતની સલાહ તેમણે સ્‍વીકારી અને તે મુજબ સૌને વૃક્ષારોપણનો અનુરોધ કર્યો.

૧૯૮૭ની સાલમાં ઉનાળામાં પ્રમુખસ્‍વામી મહારાજ સારંગપુર બિરાજમાન હતા. તે વર્ષે દુષ્‍કાળની મુશ્‍કેલીને લીધે પાણીની તંગી હતી. તેથી સભામાં સ્‍નાન વગેરેમાં પાણીનો માપસર ઉપયોગ કરવાની જાહેરાત થઈ બીજા દિવસથી પ્રમુખસ્‍વામી મહારાજે સ્‍નાન કરવામાં એક જ ડોલ પાણી વાપરવાનું શરૂ કરી દીધું. તેઓ કોઈની પણ સારી વાત સહજતાથી સ્‍વીકારતા.

કોઈની પણ વાત સાંભળવાની રહી જાય તો તેઓ અપરાધભાવ અનુભવતા. ન્‍યુયોર્કમાં પ્રમુખસ્‍વામી મહારાજ અલ્‍પાહાર કરી રહ્યા હતા. બાળક યોગી કીર્તન બોલી રહ્યો હતો. એક અગત્‍યનો ફોન આવતા પ્રમુખસ્‍વામી મહારાજે અલ્‍પાહાર અટકાવી તેનો પ્રત્‍યુત્તર આપ્‍યો. આ જોઈ યોગી કીર્તન બોલવાનું બંધ કરી ઉદાસ થઈ બેસી ગયો. વાત પૂરી થતા પ્રમુખસ્‍વામી મહારાજે યોગીને કીર્તન ગાવાનું બંધ કર્યાંનું કારણ પૂછ્‍યું. યોગીએ ફરિયાદ કરી  ‘કોઈ સાંભળતું નથી...' તરત જ પ્રમુખસ્‍વામી મહારાજ બોલ્‍યા ‘સોરી, મારી ભૂલ થઈ ગઈ.'

પોતાનો જ કકકો સાચો રાખવો અને બીજાને અવગણવા તે રાવણવૃત્તિ છે. સૌને સાંભળવા અને સાચી વાત સ્‍વીકારવી તે ભગવાન શ્રીરામની અને પ્રમુખસ્‍વામી મહારાજ જેવા સંતોની વૃત્તિ છે.

દશેરાના દિવસે રાવણના પૂતળાં સાથે રાવણવૃત્તિનું દહન કરી, ભગવાન અને સંતની રીતે વર્તવું તે જ સુખશાંતિનો પ્રમુખમાર્ગ છે.(૩૦.૫)

સાધુ નારાયણમુનિદાસ

(4:27 pm IST)