રાજકોટ
News of Tuesday, 4th January 2022

મુંબઇથી રાજકોટ મોટાબાપુના ઘરે આવેલા જીતેન્દ્ર વેગડાનો ટ્રેન હેઠળ કપાઇ આપઘાત

ક્રેડીટ કાર્ડ અને એકાઉન્ટનું કામ કરતો હતોઃ સાંજે વિનાયક વાટીમાંથી આટો મારવા નીકળ્યા બાદ ઇશ્વરીયા ફાટક નજીક પગલુ ભર્યુઃ રાજગોર બ્રાહ્મણ પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૪: જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે વિનાયક વાટીકામાં પોતાના મોટા બાપુના ઘરે દસેક દિવસથી મુંબઇથી આટો મારવા આવેલા ૨૧ વર્ષના રાજગોર બ્રાહ્મણ યુવાન જીતેન્દ્ર રાજેશભાઇ વેગડાએ માધાપરથી ઇશ્વરીયા ફાટક નજીક માલગાડી હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ ઇશ્વરીયા ફાટક નજીક એક યુવાન સાંજે માલગાડી હેઠળ કપાઇ જતાં ૧૦૮ના ઇએમટી ભાવનાબેન ડોડીયાએ જાણ કરતાં કન્ટ્રોલ ઇન્ચાર્જ એએસઆઇ ઉપેન્દ્રસિંહ ઝાલાએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં એએસઆઇ ઘેલુભાઇ ડી. શિયારે ત્યાં પહોંચી તપાસ કરતાં બનાવ રેલ્વે પોલીસની હદનો હોઇ ત્યાં જાણ કરવામાં આવતાં રેલ્વે પોલીસના શકિતસિંહ સહિતના સ્ટાફે પહોંચી કાર્યવાહી કરી હતી.

મૃતક પાસેથી મોબાઇલ ફોન મળતાં તેમાં છેલ્લો નંબર સાંજે સવા ચારેક વાગ્યે નરેન્દ્રભાઇ વેગડાને ડાયલ થયો હોઇ પોલીસે એ નંબર પર કોલ કરતાં નરેન્દ્રભાઇએ જે યુવાનનો મોબાઇલ છે તે પોતાના મુંબઇ રહેતાં નાના ભાઇ રાજેશભાઇ વેગડાનો પુત્ર જીતેન્દ્ર હોવાનું કહ્યું હતું. તેમણે સ્થળ પર પહોંચી મૃતદેહ ઓળખ્યો હતો. જીતેન્દ્ર એક બહેનથી મોટો અને અપરિણીત હતો. તે ક્રેડિટ કાર્ડનું અને એકાઉન્ટનું કામ કરતો હતો. તેના માતા-પિતા મુંબઇ રહે છે. પિતા મેરેજ બ્યુરો ચલાવે છે.

જીતેન્દ્ર દસેક દિવસ પહેલા મુંબઇથી રાજકોટ મોટા બાપુના ઘરે આવ્યો હતો. અહિથી ગત સાંજે તે આટો મારવા જવાનું કહીને નીકળ્યા બાદ સાંજે આ પગલુ ભરી લીધું હતું. કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે. યુવાન અને એકના એક દિકરાના આ પગલાથી માતા-પિતા સહિતના સ્વજનો શોકમાં ગરક થઇ ગયા છે. તેઓ મુંબઇથી રાજકોટ આવવા રવાના થયા હતાં.

(12:46 pm IST)