રાજકોટ
News of Tuesday, 4th January 2022

સાંજે દૂરદર્શનમાં ગ્રાહક સુરક્ષા ધારાની વિવિધ જોગવાઇઓ વિષયક કાર્યક્રમ

રાજકોટ, તા. ૪ :  દુરદર્શન કેન્દ્ર, રાજકોટ દ્વારા ગ્રાહક સુરક્ષા ધારાની વિવિધ જોગવાઇઓ વિશે જાણકારી આપતો મુલાકાત લક્ષી કાર્યક્રમ આજે મંગળવારે ડી.ડી. ગીરનાર પર બપોરે ૪.૩૦ વાગ્યે અને રાત્રે ૧૦ વાગ્યે માહિતીસભર ચર્ચાનું પ્રસારણ ડી.ડી. ગિરનાર ચેનલ પર સમગ્ર ભારતમાં ટેલીકાસ્ટ કરવામાં આવશે.

પાઇ પૈસો ભેગા કરીને બઝારમાંથી કે ઓનલાઇન ખરીદી કરતો ગ્રાહક સુરક્ષિત રહે અને છેતરાઇ તો તેનું પુરૂહિત જળવાય અને તેણે ખર્ચેલા પૈસાનું પુરૂ વળતર મળે તેવા ઉમદા હેતુથી રાજય સરકારે ગ્રાહક સુરક્ષા ધારો ર૦૧૯ અમલમાં મુકયો છે. અને જીલ્લા કક્ષાએ ગ્રાહક સુરક્ષા આયોગની રચના કરવામાં આવી છે, ત્યારે ગ્રાહક સુરક્ષા આયોગનું મુખ્ય કામ શું છે ? અને તેના જુદા જુદા સ્ટેજ કયા કયા છે ? કઇ કઇ સેવાને ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ આવરી લેવાયેલ છે ? ગ્રાહક કોને ગણી શકાય અને કોને નહી ? ગ્રાહકે ફરીયાદ કરવા માટે કયા કયાં દસ્તાવેજો ફરીયાદ સાથે મુકવા જરૂરી છે ? ગેરેન્ટી અને વોરન્ટી વચ્ચે શો ફર્ક છે? ઇ-કોમર્સનો વ્યાપ વધ્યો છે ત્યારે ઓનલાઇન ખરીદીમાં ગ્રાહક છેતરાઇ તેવા કિસ્સામાં ગ્રાહકે કોને ફરીયાદ કરવી ? ફરીયાદના પત્રમાં ટિકિટ ચોટાડવી પડે કે કોઇ ફી ભરવી પડે કે કેમ ? ફરીયાદ કઇ રીતે કરી શકાય ? તેવા ગ્રાહકોને સીધ સ્પર્શતા અને નાગરિકોને મુંજવતા અનેક પ્રશ્નોનાં સચોટ જવાબ રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગના સભ્ય અરૂણકુમાર જોષી દ્વારા આપવામાં આવ્યા છે. કાર્યક્રમનું સંચાલન પરેશ વડગામા કરશે જયારે નિર્માણ સંજય સાગઠીયાનું છે.

(12:47 pm IST)