રાજકોટ
News of Tuesday, 4th January 2022

સિક્‍યુરીટીમેન પરેશભાઇ જોષીએ ગનથી ભડાકો કરી પોતાની જિંદગી ખતમ કરી

૧૫૦ રીંગ રોડ અયોધ્‍યા ચોકના શિવસાગર એપાર્ટમેન્‍ટમાં બનાવઃ વર્ષોથી ડિપ્રેશનમાં હોઇ દવા ચાલુ હતીઃ સાંજે ઘરે એકલા હતાં ત્‍યારે પગલુ ભર્યુ

રાજકોટ તા. ૪: શહેરનાં ૧૫૦ ફુટ રિંગ રોડ પર શિવ સાગર એપાર્ટમેન્‍ટમાં બીજા માળે રહેતાં અને સિક્‍યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં પરેશભાઇ ગોરધનભાઇ જોષી (ઉ.વ.૫૧)એ સાંજે પોતાની દાઢીએ બાર બોરની ગન રાખી ભડાકો કરી આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. સતત ડિપ્રેશનમાં રહેતાં પરેશભાઇની દવા ચાલુ હતી. ગત સાંજે ઘરમાં એકલા હતાં ત્‍યારે આ પગલુ ભરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.
જાણવા મળ્‍યા મુજબ શિવ સાગર એપાર્ટમેન્‍ટના બીજા માળે રહેતાં પરેશભાઇ જોષીએ પોતાની ગનથી આપઘાત કરી લીધાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ ડી. વી. બાલાસરા, એ. બી. જાડેજા, એ. બી. વોરા સહિતના સ્‍ટાફે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો.
પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ આપઘાત કરનાર પરેશભાઇને સંતાનમાં એક પુત્ર છે. તે પરિવારનો આધારસ્‍તંભ હતાં. સિક્‍યુરીટીમેન તરીકે નોકરી કરતાં હોઇ તેમની પાસે પરવાનાવાળી બાર બોરની ગન હતી. દસેક વર્ષથી માનસિક ડિપ્રેશન રહેતું હોઇ દવા ચાલુ હોવાથી પરિવારજનો તેમને એકલા છોડતા નહિ. ગત સાંજે પત્‍નિ તેમના ભાઇના ઘરે ગયા હોઇ ઘરે એકલા પરેશભાઇએ આ પગલુ ભરી લીધું હતું.
પરેશભાઇ જોષીનો ફાઇલ ફોટો અને નિષ્‍પ્રાણ દેહ જોઇ શકાય છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

 

(2:35 pm IST)