રાજકોટ
News of Tuesday, 4th January 2022

કોરોનાને લીધે ધંધામાં મંદીઃ આકાશવાણી ચોકમાં તેજસ કોટકે કારમાં બેસી ઝેર પીધું

સ્‍ક્રેપનું ઇમ્‍પોર્ટ એક્‍સપોર્ટનું કામ કરતો યુવાન બેભાન હાલતમાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૪: આકાશવાણી ચોકમાં આવેલા શાંતિ એપાર્ટમેન્‍ટમાં રહેતાં તેજસભાઇ ભૂપેન્‍દ્રભાઇ કોટક (ઉ.વ.૩૫) નામના યુવાને સાંજે સાડા સાતેક વાગ્‍યે પોતાના રહેણાંકની નીચે કારમાં બેઠા બેઠા ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં બેભાન હાલતમાં સારવાર હેઠળ છે.
બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્‍સ. કે. કે. ઝાલા અને રાકેશભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ તેજસભાઇ પત્‍નિ સાથે સ્‍ક્રેપનો ઇમ્‍પોર્ટ એક્‍સપોર્ટનો ધંધો કરાવે છે. કોરોનાકાળમાં ધંધો ઠપ્‍પ થઇ ગયો હોઇ અને વિદેશમાં માલ પણ ફસાઇ ગયો હોઇ આર્થિક સંકડામણ ઉભી થઇ હોવાથી આ પગલુ ભરી લીધાની શક્‍યતા જણાવાઇ છે.
સાંજે તેજસભાઇ ફલેટમાંથી નીચે ગયેલ અને કારમાં બેસી ઝેરી દવા પી લઇ ફરીથી ઘરમાં જતાં ઉલ્‍ટીઓ થવા માંડતા દવા પી  લીધાની ખબર પડતાં તેને હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. તેને સંતાનમાં બે પુત્રી છે. તે ભાનમાં આવ્‍યા બાદ પોલીસ વિશેષ નિવેદન નોંધશે.

 

(2:35 pm IST)