રાજકોટ
News of Tuesday, 4th January 2022

પૂ.ભવ્યમુનિજી મ.સા.ના સંથારાનો ૧૪મો દિવસ : શ્રાવકો દર્શનાર્થે ઉમટ્યા

ઋષભદેવ ઉપાશ્રયે પૂ.રાજેશમુનિ મ.સા.ના સુશિષ્ય : દર્શેનાર્થે પધારતા ભાવિકો દ્વારા અનેક નિયમોના પચ્ચખાણ : સાંસદ રામભાઇ, ધારાસભ્ય ગોવિંદભાઇએ દર્શનનો લાભ લીધો

રાજકોટ,તા. ૪ : ગોંડલ ગચ્છના ગૌરવવંતા રત્ન પૂજય ગુરુભગવંત બા.બ્ર.શ્રી રાજેશમુનિજી મહારાજ સાહેબના સુશિષ્ય પરમપૂજયશ્રી ભવ્યમુનિજી મહારાજ સાહેબે યાવત જીવન સંથારો ગ્રહણ કરેલ છે. તા. ૪ના રોજ મંગળવારે ૪૪મો ઉપવાસને સંથારાનો ૧૪મો દિવસ. પૂજય મુનિ ભગવંત ખૂબ જ શાંતિ સમાધી અને સમતાભાવથી આરાધનામાં આગળ વધી રહ્યા છે. તપશ્ર્ચર્યાના દીવ્ય તેજ પૂજયશ્રીના મુખ પર પ્રત્યક્ષ દર્શન આપી રહ્યા છે.

પૂજયશ્રીના અનશન આરાધના નિમિત્ત્।ે ૩૦-૩૦ ભવ્ય આત્માઓએ નાની દીક્ષા ગ્રહણ કરેલ છે.

સંસદ સદસ્ય શ્રી રામભાઇ મોકરીયા તથા ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલ એ પણ પૂજયશ્રીના દર્શન વંદન તથા અમીદ્રષ્ટિનો લાભ લીધેલ ને વ્રતનિયમ ધારણ કરેલ. ભરવાડ સમાજના અગ્રણી હીરાભાઇ ભરવાડે પણ દર્શન વંદનનો લાભ લીધેલ. રાજકોટ જામનગર ઉપલેટા, ધોરાજી, જૂનાગઢ આદિ સેન્ટરના જૈન સંસ્કાર સ્કુલના બાળકોએ પણ દર્શન વંદન. વ્રત નિયમ પ્રત્યાખ્યાનનો લાભ લીધેલ.

દરરોજ હજારોની સંખ્યામાં જૈન તથા અન્ય ધર્મ/સમાજના ભાઇઓ-બહેનો અનશન આરાધક મુનિરાજના દર્શન વંદનનો લાભ લઇ રહેલ છે. સમગ્ર ભારતમાંથી તેમજ વિદેશમાંથી પણ ભાવીકો પૂજયશ્રીના દર્શન વંદનનો લાભ લઇ રહેલ છે.

દર્શનાર્થે પધારતા મોટા ભાગના ભાવિકો અંતર્ગત પૂ.શ્રીની સંથારા આરાધના સામાયિક, મૌન, રાત્રી ભોજન ત્યાગ, માંસાહાર ત્યાગ, દારૂ, જુગાર આદિનો ત્યાગ, માતા-પિતાને નિત્ય સવારે પગે લાગવું આદિના અનેક નિયમો લઇ રહેલ છે. અત્યારસુધીમાં પૂજયશ્રી પાસે કરોડો સામાયિકના પચ્ચખાણ ભાઇઓ-બહેનોએ લીધેલ છે. દરરોજ પૌષધ, રાત્રી પૌષધ, આર્ય બિલ, ઉપવાસ, રાત્રી સંવંર આદિ અનેક આરાધનામાં મોટી સંખ્યામાં સાધકો લાભ લઇ રહેલ છે. બહારગામથી તથા દૂરથી પધારેલ મહેમાનોની સાધર્મિક ભકિતની વ્યવસ્થા શ્રી સંદ્યમાં રાખેલ છે.

શ્રી ગોંડલ સંપ્રદાય સ્થાનકવાસી જૈન સિધ્ધાંત સરંક્ષક સમિતિના પ્રમુખ રમેશભાઇ દુર્લભજીભાઇ વિરાણી, સહપ્રમુખશ્રી પરેશભાઇ ચંદ્રકાન્તભાઇ પટેલ, સ્થાપક સભ્ય પંકજભાઇ જયસુખલાલ શાહ, દિલિપભાઇ જયંતિલાલ સખપરા, પ્રતીકભાઇ સુરેશભાઇ કામદાર આદિ, અગ્રણીઓ તેમજ ઋષભદેવ સ્થાનકવાસી જૈન સંઘ, ઋષભાનના સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી આનંદનગર સ્થાનકવાસી જૈન સંદ્ય, પાર્શ્રનાથ સ્થાકવાસી જૈન સંઘ, શ્રી શીતલનાથ સ્થાકવાસી જૈન સંઘ આદિ શ્રી સંઘના શાસનપ્રેમી સેવાભાવી કાર્યકરો ખૂબ જ ઉત્સાહથી પધારેલ દર્શનાર્થીઓની સેવા વૈયાવચ્ચ કરી રહેલ છે. એમ શ્રી પરેશભાઇ પટેલે જણાવે છે.

(2:40 pm IST)