રાજકોટ
News of Tuesday, 4th January 2022

ધર્મેન્દ્રસિંહ કોલેજનું મેદાન ખાનગી સંસ્થાને સોંપવાના પ્રયાસમાં મેદાન બચાવવા ઝુંબેશ

એડવોકેટ ગોપાલભાઇ ત્રિવેદી દ્વારા લોકોને અપીલ કરાઇ

રાજકોટ તા. ૪: રાજકોટના એડવોકેટ શ્રી ગોપાલ બી. ત્રિવેદી મો. નં. ૯૮૯૮૦ ૧૯૩૦ર યાદી જણાવે છે કે ડી. એચ. કોલેજના નામથી ઓળખાતી જગ્યા જે રાજકોટના હૃદય સમા વિસ્તાર યાજ્ઞીક રોડ ઉપર આવેલ છે તે ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના મેદાન બચાવવાની ઝુંબેશ ચાલુ કરવામાં આવી રહી છે.

આ કોલેજની સ્થાપના ૬/૧/૧૯૩૬ના રોજ ઠાકોરશ્રી ધર્મેન્દ્રસિંહજી દ્વારા કરવામાં આવેલ હતી જે રજવાડાના વિલીનીકરણ પહેલાનું મેદાન હતું અને રાજકોટ શહેરની જાહેર જનતા માટે તથા આજુબાજુની નાની સ્કુલોમાં તથા હોસ્ટેલમાં તથા કોલેજમાં અભ્યાસ કરતા તથા રાજકોટ શહેરના સામાન્ય તથા ગરીબ વર્ગના લોકો રેસકોર્ષમાં ચાર્જ લેવાય છે અને રાજકોટના બીજા મેદાન જેવા કે ચૌધરી હાઇસ્કૂલ તથા વિરાણી હાઇસ્કૂલનું મેદાન આત્મીય કોલેજનું મેદાન આલ્ફ્રેડ હાઇસ્કુલનું મેદાન સેન્ટ્રલ સ્કુલનું મેદાન લાલબહાદુર શાસ્ત્રી મેદાન વિગેરે મેદાન હતા તેમાં યુવાનો તથા બાળકો કોઇપણ ચાર્જ ચુકવ્યા વગર રમત રમી શકતા હતા જે હવે ભુતકાળ બની ગયા છે અને તેમાં હવે કોઇ રમતો રમી શકાતી નથી અને હાલ રાજકોટમાં એકમાત્ર મેદાન ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પસમાં એક માત્ર રમતનું મેદાન આવેલ જેમાં કોઇપણ ચાર્જ વિના બાળકો, યુવાનો માટે રમતો રમવા માટે તથા સીનીયર સીટીઝન વોકીંગનું સ્થળ હતું. જે મેદાન ફરતે યુવાનો તથા બાળકોને રમત રમવા આવતા બંધ કરવા માટે વિકાસના નામે કેમ્પસ ફરતે દીવાલ તથા લાખોના ખર્ચે સીકયુરીટી છે છતાં અંદરના ભાગે મેદાન ફરતે દીવાલ તથા કરોડો ખર્ચીને મેદાનમાં ટ્રેક તૈયાર કરી જે ૭ર વર્ષમાં પણ કોઇપણ સરકાર ન કરેલ કામ આ કોલેજના સતાધીશો દ્વારા કરવામાં આવી રહેલ છે અને આ મેદાન ત્યારબાદ કોઇ ખાનગી સંસ્થાને સોંપવાની કોલેજના સતાધીશો દ્વારા પ્રયાસો થઇ રહ્યા છે.

જેથી તે મેદાન જાહેર જનતા માટે બચાવવા માટે કલેકટરશ્રી, મુખ્યમંત્રીશ્રીને લેખીતમાં રજુઆત રાજકોટના જાગૃત એડવોકેટ શ્રી ગોપાલ બી. ત્રિવેદી તથા આ મેદાનમાં રમવા આવતા હજારો યુવાનો દ્વારા કરવામાં આવી રહી છે અને તે અંગે કાયદાકીય લડત આપવા માટે યુવાનો તૈયાર છે.

જેથી જાહેર જનતાને વિનંતી કે, આ મેદાન બચાવવા આ લોકોને મદદ કરે જેથી આવનારા સમયમાં રાજકોટના બાળકો તથા યુવાનો તથા સીનીયર સીટીઝનોને દુરના વિસ્તાર સુધી જવું ન પડે અને મા બાપની નજર સમક્ષ બાળકો સુરક્ષીત રીતે રમતો રમી શકે તે અને માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું ખેલે ગુજરાતનું સ્વપ્નું સાકાર થઇ શકે તે માટે લોકોને અપીલ છે કે આ કામમાં અમારી ઝુંબેશને ટેકો આપવા વિનંતી છે.

(2:42 pm IST)