રાજકોટ
News of Tuesday, 4th January 2022

માંડલના ખંભલાય માતાજી મંદિરે વિષ્ણુમહાયાગ-નવગ્રહ મખ

૯મીથી શરૂ થનાર આઠ દિવસના ધર્મોત્સવમાં અસંખ્ય શ્રધ્ધાળુ-માં ભકતો જોડાશેઃ ૨૦૭ યજમાનોના હસ્તે ૧૬ લાખ પાયસી, ૧૬ હજાર સુકતમની આહુતી અપાશેઃ તડામાર તૈયારીઓ

રાજકોટઃ વિરમગામ નજીક માંડલ ખાતે આવેલ ઐતિહાસીક ખંભલાય માતાજી મંદિર ટ્રસ્ટ તથા મંદિર ટ્રસ્ટ દ્વારા સમયાંતરે અને ધાર્મીક કાર્યક્રમો અવારનવાર યોજાતા રહે છે. આ ધાર્મીક-સામાજીક કાર્યક્રમોમાં દેશભરમાં જુદા જુદા સ્થળોએ વસવાટ કરતા હજારો માઇભકતો તથા જે પરિવારમાં કુળદેવી તરીકે પુજાય છે તેવા પરિવારો તમામ ધાર્મીક સામાજીક કાર્યક્રમોમાં ઉત્સાહભેર જોડાતા રહયા છે. મંદિરટ્રસ્ટના ઉપક્રમે આગામી નવા વર્ષના પ્રારંભ બાદ તા.૯ થી ૧૬ જાન્યુ. દરમિયાન મહાવિષ્ણુયાગ તેમજ નવગ્રહ આરાધનાના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કોરોના માર્ગદર્શીકાના ચુસ્ત પાલન સાથે કરવામાં આવનાર છે.

માંડલ ખાતે આવેલ શ્રી ખંભલાય માતાજી  ટ્રસ્ટના ધર્મપ્રેમીઓ દ્વારા ૮ દિવસના ધર્મોત્સવમાં શ્રી મહાવિષ્ણુયાગ તેમજ દુર્લભ નવગ્રહ મખનો સમાવેશ થાય છે. શ્રી મહાવિષ્ણુયાગ (યજ્ઞ)માં શ્રી લક્ષ્મીનારાયણની ૨૦૭  યજમાનોના હસ્તે ૧૬ લાખ સ્વાદિષ્ટ પાયસ (ખાંડ, ભાત, ઘી અને થોડુ દુધનું મિશ્રણ)ની આહુતિ ૧૬ હજાર શ્રી સુકતમ (લક્ષ્મી મંત્ર-પાઠ)ની આહુતિ યજ્ઞમાં અર્પણ કરવામાં આવનાર છે.

વિષ્ણુમહાયજ્ઞમાં યજમાનોને મંત્રોચ્ચાર-નામાવલી તથા પાઠની આહુતિ આપ્યા અભિમંત્રીત થયેલ છબી અર્પણ કરવામાં આવનાર છે. સાથે સાથે દુર્લભ શાલીગ્રામ શીલા, શુધ્ધ ચાંદીમાંથી નિર્મિત સુંદર નવગ્રહ યંત્ર, દરરોજ જેમના ઘરમાં જ દર્શન થઇ શકશે એવા મનમોહક સુર્યનારાયણ દેવ અને બીજી અનેક મુલ્યવાન સામગ્રી ભેેટ સ્વરૂપે આપવામાં આવશે તેમ મુકેશ રાવલ મંત્રી ખંભલાય માતાજી ટ્રસ્ટ માંડલ મો.૯૦૩૩૭ ૯૯૮૯૯ ની યાદીમાં જણાવાયું છે.

(2:43 pm IST)