રાજકોટ
News of Tuesday, 4th January 2022

રાજકોટ વીજતંત્ર દ્વારા હવેથી દરેક કોન્‍ટ્રાકટર એજન્‍સીનું રજીસ્‍ટ્રેશન ફરજીયાતઃ એમ.ડી.દ્વારા દરેક ડિવીઝનને આદેશો

ઇશ્‍યુ થતા માલ સામાનની ગણતરી-રેકર્ડ જાળવી રાખવા સૂચનાઃ હિસાબ નહિ મળે તો આકરો દંડ

રાજકોટ તા. ૪ : પીજીવીસીએલ મેનેજમેન્‍ટ દ્વારા જરૂરી માલ-સામાનની તંગીને પહોંચી વળવા અને દરેક માલ-સામાનનો એકદમ સરળતાથી હિસાબ મળી રહે તે માટે કોન્‍ટ્રાકટર એજન્‍સીઓનું રજીસ્‍ટ્રેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. પી.જી.વી.સીએલની મિલકતનો હિસાબ સરળ અને પારદર્શક રહે તેમજ તેનો સીધો જ ફાયદો પ્રજાલક્ષી વીજ કામોમાં થાય તેવા હેતુથ પી.જી.વી.સી.એલની તમામ વિભાગીય કચેરી હેઠળના તમામ કોન્‍ટ્રાકટ સ્‍ટોર/ગોડાઉનની નોંધણી અને સમયાંતરે સ્‍ટોકની ચકાસણી થાય તેવો નિર્ણય પી.જી.વી.સી.એલ દ્વારા કરાયો છે, આ અંગે એમ.ડી.દ્વારા દરેક ડીવીઝન કચેરીના આદેશો કરાયા છે. કોન્‍ટ્રાકટર સ્‍ટોર/ ગોડાઉનનું સબંધિત ડિવીઝન કચેરી ખાતે રજીસ્‍ટ્રેશન કરવામાં આવ્‍યા બાદ તેમનું લોકેશન અને પી.જી.વી.સી.એલના માલ-સામાનના સ્‍ટોકની સંપુર્ણ માહિતી કોર્પોરેટ કચેરી તેમજ તમામ ક્ષેત્રીય કચેરી પાસે રહેશે જેના પરિણામ સ્‍વરૂપે માલ-સામાનની તંગીને નિવારી તેના કારણે અટકી પડતાં પ્રજાના વીજ પુરવઠો પૂરી પાડવાના કાર્યો તેમજ સરકારની જાહેર વીજ યોજનાઓને વેગ મળશે. વધુમાં આ નિર્ણય મુજબ વીજ કંપનીની કોન્‍ટ્રાકટર એજન્‍સીઓએ તેમના દ્વારા રજીસ્‍ટર કરાવેલ અધિકૃત જગ્‍યાએ જ કંપની દ્વારા વિવિધ કામ માટે આપવામાં આવેલ મટીરીયલનો સ્‍ટોક સાચવી/રાખી શકાશે તેમજ તેનો વ્‍યવસ્‍થિત હિસાબ પણ સાચવવો પડશે અન્‍યથા તેમાં ગેરરીતી અથવા અનિયમીતતા જણાયે એજન્‍સીને પેનલ્‍ટી આપવાની પણ જોગવાઇ કરવામાં આવી છે.
 

 

(3:06 pm IST)