રાજકોટ
News of Tuesday, 4th January 2022

બી. ટી. સવાણી હોસ્‍પિટલથી બે કિડની-લિવર બાય રોડ અમદાવાદ લઇ જવાયાઃ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ગ્રીન કોરીડોર બંદોબસ્‍ત

એમ્‍બ્‍યુલન્‍સને કોઇપણ જગ્‍યાએ ટ્રાફિક અવરોધ ન થાય ટ્રાફિક એસીપી વી. આર. મલ્‍હોત્રાની ટીમના ૬૦ના સ્‍ટાફની કામગીરીઃ ૮ પોઇન્‍ટ પર બીજા વાહનોને સ્‍ટોપ અપાયોઃ વીસેક મિનીટમાં એમ્‍બ્‍યુલન્‍સને વાંકાનેર બાઉન્‍ડ્રી સુધી અટક્‍યા વગર પહોંચાડી દેવાઇઃ પછી સુરેન્‍દ્રનગર પોલીસે પાયલોટીંગ કર્યુ

રાજકોટ તા. ૪: શહેરની અલગ અલગ હોસ્‍પિટલોમાંથી અવાર નવાર હૃદય, કિડની, લિવર સહિતના અંગોને દર્દીઓના હિતાર્થે એક શહેરથી બીજા શહેરમાં લઇ જવામાં આવતાં હોય છે. મોટે ભાગે આ કાર્યવાહીમાં હવાઇ જહાજનો વધુ ઉપયોગ થતો હોય છે. શરીરના આવા અંગોને હોસ્‍પિટલથી એરપોર્ટ સુધી સમય મર્યાદામાં પહોંચાડવા માટે જે તે હોસ્‍પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવે ત્‍યારે ખાસ પ્રકારનો ગ્રીનકોરીડોર બંદોબસ્‍ત અપાતો હોય છે. એટલે કે જે તે એમ્‍બ્‍યુલન્‍સ કે જેમાં શરીરના અંગો સાથે સ્‍ટાફ બેઠો હોય છે તેને હોસ્‍પિટલથી એરપોર્ટ સુધી પહોંચાડવા કોઇપણ પ્રકારનો ટ્રાફિક રસ્‍તામાં નડે નહિ એ માટેની ખાસ વ્‍યવસ્‍થા ઉભી થતી હોય છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જોઇન્‍ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદના માર્ગદર્શનમાં ટ્રાફિક પોલીસની ટીમ અગાઉ પણ સફળતા પુર્વક ગ્રીનકોરીડોર બંદોબસ્‍ત બજાવી ચુકી છે. આજે સવારે બી. ટી. સવાણી હોસ્‍પિટલથી પોલીસને વરધી મળી હતી કે ઇનોવા એમ્‍બ્‍યુલન્‍સ મારફત બી. ટી. સવાણી હોસ્‍પિટલથી બાય રોડ બે લિવર-કિડનીને અમદાવાદની કેડીલા ઝાયડસ હોસ્‍પિટલે લઇ જવાના છે.
આ સાથે જ ઉચ્‍ચ અધિકારીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એસીપી ટ્રાફિબ વી. આર. મલ્‍હોત્રાએ તાબડતોબ ગ્રીનકોરીડોર માટે વ્‍યવસ્‍થા ઉભી કરી હતી. પીઆઇ, પીએસઆઇ સહિતના અધિકારીઓ, કર્મચારીઓ, ટ્રાફિક વોર્ડન સહિત ૬૦ની ટીમ ઉભી કરવામાં આવી હતી અને બી. ટી. સવાણી હોસ્‍પિટલથી માધાપર ચોકડી, બેડી ચોકડી, માલિયાસણ થઇ વાંકાનેર બાઉન્‍ડ્રી સુધી લિવર-કિડન સાથેની એમ્‍બ્‍યુલન્‍સને ગ્રીનકોરીડોર બંદોબસ્‍ત પુરો પાડવામાં આવ્‍યો હતો. રસ્‍તામાં આઠેક પોઇન્‍ટ પર જ્‍યાંથી આ કાફલો પસાર થયો ત્‍યાં બીજા વાહનોને અમુક મિનીટ સુધી અટકાવી દેવાયા હતાં. આ રીતે કોઇપણ જાતના અવરોધ વગર, રસ્‍તામાં એમ્‍બ્‍યુલન્‍સને ક્‍યાંય અટકવા દીધા વગર વાંકાનેર બાઉન્‍ડ્રી સુધી પહોંચાડી દેવામાં આવી હતી. જેમાં લગભગ વીસેક મિનીટ જેટલો સમય લાગ્‍યો હતો. એ પછી આ એમ્‍બ્‍યુલન્‍સને ગ્રીનકોરીડોર બંદોબસ્‍ત હેઠળ અમદાવાદ તરફ લઇ જવા સુરેન્‍દ્રનગર પોલીસે જવાબદારી સંભાળી હતી. એસીપી વી. આર. મલ્‍હોત્રા અને તેમની ટીમ આ બંદોબસ્‍તમાં સફળ થતાં ઉચ્‍ચ અધિકારીઓએ સમગ્ર ટીમની પ્રશંસા કરી હતી. તસ્‍વીરમાં ગ્રીનકોરીડોરમાં એમ્‍બ્‍યુલન્‍સ અને પોલીસના વાહનોનો કાફલો જોઇ શકાય છે.

 

(3:08 pm IST)