રાજકોટ
News of Tuesday, 4th January 2022

અપહરણ-બળાત્‍કારના ગુન્‍હામાં પાસા થયા બાદ ફરાર અજય અને વિનોદ રાજકોટમાંથી પકડાયા

રાજકોટ, તા. ૪ :. ગોંડલના અપહરણ અને બળાત્‍કારના ગુન્‍હામાં પાસાનું વોરંટ ઈસ્‍યુ થયા બાદ એક વર્ષથી નાસતા ફરતા ગોંડલના બે શખ્‍સોને રાજકોટમાંથી રૂરલ ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા હતા.
ગોંડલમાં ૨૦૨૦ના વર્ષમાં સગીરાનું અપહરણ કરી બળાત્‍કાર ગુજારનાર અજય રામજીભાઈ ચિત્રોડા તથા વિનોદ રામજીભાઈ ચિત્રોડા રહે. બન્‍ને હરભોલે સોસાયટી-ગોંડલ, હાલ રાણપુર ગામ, તા. ગોંડલ સામે નવા કાયદા મુજબ પાસાનું વોરંટ ઈસ્‍યુ કરાયુ હતું, પરંતુ આ વોરંટની બજવણી થાય તે પૂર્વે જ ઉકત બન્ને ભાઈઓ ઉકત ગુન્‍હામાં જામીન પર છૂટી ફરાર થઈ ગયા હતા. આ સમય દરમિયાન ઉકત બન્ને ભાઈઓએ વધુ એક સગીરાનું અપહરણ કરી દુષ્‍કર્મ ગુજાર્યાની ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરીયાદ થઈ હતી.
આ બન્ને ભાઈઓને ઝડપી લેવા રૂરલ એસપી બલરામ મીણાએ આપેલ સૂચના અન્‍વયે એલસીબીના પીઆઈ એ.આર. ગોહેલ તથા પીએસઆઈ એસ.જે. રાણાની ટીમે ઉકત બન્ને ભાઈઓનું પગેરૂ દબાવતા બન્ને રાજકોટમાં મોટી ટાંકી ચોકમાં હોવાની બાતમી મળતા બન્નેને દબોચી લેવાયા હતા અને પાસા તળે અજયને સુરત જેલમાં તથા વિનોદને અમદાવાદ જેલમાં ધકેલી દેવાયા હતા.
ઉકત બન્ને ભાઈઓ સામે ગોંડલ પોલીસ મથકમાં નોંધાયેલ અપહરણ અને બળાત્‍કારના ગુન્‍હામાં ગોંડલ પોલીસે બન્નેનો કબ્‍જો લેવા તજવીજ હાથ ધરી છે. આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઈમ બ્રાન્‍ચના એએસઆઈ મહેશભાઈ જાની, અમિતસિંહ જાડેજા, હેડ કોન્‍સ. મહીપાલસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, બાલકૃષ્‍ણભાઈ ત્રિવેદી, પો.કો. પ્રહલાદસિંહ રાઠોડ, રૂપકભાઈ બોહરા, મેહુલભાઈ બારોટ, ભાવેશભાઈ મકવાણા, નરેન્‍દ્રભાઈ દવે, અમુભાઈ વિરડા, અનિરૂદ્ધસિંહ જાડેજા તથા સાહીલભાઈ સહિતનો સ્‍ટાફ જોડાયો હતો.

 

(3:09 pm IST)