રાજકોટ
News of Tuesday, 4th January 2022

અરીઠા અને આમળાના લેબલવાળા કેરબામાં દારૂનો જથ્‍થો છુપાવી રીક્ષામાં નીકળેલો જતીન પકડાયો

તાલુકાના પીએસઆઇ એન.ડી.ડામોર અને ટીમે પકડયોઃ પ૧ બોટલ અને રીક્ષા કબ્‍જેઃ વાવડીથી દારૂ લઇને નીકળ્‍યો'તો

રાજકોટ તા. ૪ : શહેરના વાવડી ગામ તરફ જવાના રસ્‍તે તાલુકા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી આયુર્વેદિક અરીઠા અને આમળાના લેબલવાળા કેરબામાં દારૂનો જથ્‍થો લઇને રીક્ષામાં નીકળેલા એક શખ્‍સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ પુનીતનગરથી વાવડી ગામ તરફ એક શખ્‍સ રીક્ષામાં કેમીકલના કેરબામાં દારૂના જથ્‍થા સાથે નિકળ્‍યો હોવાની તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. એન.ડી.ડામોર, કોન્‍સ અરજણભાઇ ઓડેદરા તથા મનીષભાઇ સોઢીયાને વાતમી મળતા વાવડી ગામ નજીકથી જીજે.૧ ટી -૧૭૬૮ નંબરની રીક્ષામાંથી આયુર્વેદિક અરીઠા અને આમળાના લેબલ લગાવો કેરબામાંથી રૂા.ર૬,૧૦૦ ની કિંમતની દારૂની પ૧ બોટલ સાથે હુડકો ચોકડી પાસે વિનોદનગર આવાસ યોજના કવાર્ટર બ્‍લોક નં. ૧૬ કવાર્ટર નં. રર૦૧માં રહેતો જતીન હંસરાજભાઇ મકવાણા (ઉ.ર૬)ને પકડી લઇ દારૂનો જથ્‍થો અને રીક્ષા મળી રૂા. ૯૬,૧૦૦ ની મતા કબ્‍જે કરી હતી. આ કામગીરી પી.આઇ.જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.ડી. ડામોર, એ.એસ. આઇ. આર.બી.જાડેજા, જે.ડી.વાઘેલા, હેડ કોન્‍સ મોહસીનખાન, અમીનભાઇ ભલુર, કોન્‍સ હરસુખભાઇ સબાડ, મનીષભાઇ સોંઢીયા, ધર્મરાજસિંહ રાણા, હર્ષરાજસિંહ જાડેજા તથા અરજણભાઇ ઓડેદરા દ્વારા કરવામાં આવી હતી.

 

(3:11 pm IST)