રાજકોટ
News of Tuesday, 4th January 2022

હાથીખાનામાં ત્રિપૂટીનો આતંકઃ ૪ વાહનોમાં તોડફોડ

સોમવારે વહેલી સવારે એક્‍ટીવા જેવા વાહનમાં ત્રણ સવારીમાં આવેલા શખ્‍સોએ પાણા-ડીસમીસની કાર-બાઇકમાં નુકસાન કર્યુઃ સીસીટીવી ફૂટેજમાં દેખાયા :રાજકીય આગેવાન ગોૈતમ કાનગડની બે કાર, ઉમેશભાઇ સોનીની એક કાર તથા અન્‍ય એક બૂલેટમાં તોડફોડઃ એ-ડિવીઝન પોલીસે તપાસ આરંભી

ત્રિપુટીનો આતંકઃ હાથીખાનામાં રામ મઢી સામે ગઇકાલે વહેલી સવારે ટુવ્‍હીલર પર આવેલા ત્રણ શખ્‍સોએ ત્રણ કાર, એક બૂલેટ સહિતના વાહનોમાં તોડફોડ કરી હતી. તસ્‍વીરમાં સીસીટીવીમાં દેખાયેલા ત્રણ શખ્‍સો અને જેમાં તોડફોડ થઇ તે કાર જોઇ શકાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)
રાજકોટ તા. ૪: શહેરમાં અગાઉ અનેક વિસ્‍તારોમાં અનેક વખત કેટલાક છેલબટાઉ બાબૂડીયાઓ કે પછી નશો કરીને છાકટા બનેલા લુખ્‍ખાઓએ શેરીઓ ગલીઓમાં પાર્ક કરાયેલા વાહનો ફોરવ્‍હીલર, ટુવ્‍હીલરમાં તોડફોડ કરી આતંક મચાવ્‍યાની ઘટનાઓ સામે આવી ચુકી છે. પોલીસે જે તે વખતે આવા કૃત્‍ય કરનારાઓને પકડી લઇ પાઠ પણ ભણાવ્‍યા હતાં. લાગલગાટ વીસ બાવીસ જેટલી કારોમાં તોડફોડની ઘટના પણ અગાઉ રાજકોટ શહેરમાં બની હતી. જેમાં મોટા નામ ધરાવતાં ઉદ્યોગપતિના સંતાનો પણ તોડફોડમાં સામેલ હતાં. આ બધાને પકડી લઇ પોલીસે કાયદાનું ભાન કરાવ્‍યું હતું. સમયાંતરે આવી ઘટનાઓ બનતી રહે છે. ત્‍યાં સોમવારે વહેલી સવારે હાથીખાનામાં એક્‍ટીવા જેવા વાહનમાં આવેલા ત્રણ શખ્‍સોએ પાણાના ઘા કરી તેમજ ડીસમીસથી ઘોકા મારી ત્રણ કાર અને એક બૂલેટ સહિતના વાહનોમાં નુકસાન કર્યુ હતું. જેમાં બે કાર રાજકિય આગેવાનની પણ છે.
જાણવા મળ્‍યા મુજબ હાથીખાના મેઇન રોડ રામ મઢી સામે રહેતાં રાજકીય આગેવાન ગોૈતમભાઇ કાનગડની બે કાર તથા પડોશી  નિલેષભાઇ સોનીની એક કાર અને અન્‍ય એક બૂલેટમાં ગઇકાલે વહેલી સવારે ૩:૫૧ કલાકે એક્‍ટીવા પર આવેલા ત્રણ શખ્‍સોએ પથ્‍થરમારો કરી તેમજ ડીસમીસથી ઘા મારી નુકસાન કર્યુ હતું અને ભાગી ગયા હતાં. આ બનાવ અંગે આજે સીસીટીવી ફૂટેજ કલેક્‍ટ કર્યા બાદ ગોૈતમભાઇના ભત્રીજા હેમલભાઇ ભરતભાઇ કાનગડે એ-ડિવીઝન પોલીસમાં બનાવની જાણ કરી હતી. ગોૈતમભાઇ અગાઉ તાલુકા પંચાયતમાં કારોબારી સમિતીના ચેરમેન પદે અને માર્કેટ યાર્ડમાં ડિરેક્‍ટર પદે રહી ચુક્‍યા છે. ગઇકાલે સવારે કૂતરા ભસવા માંડતા ગોૈતમભાઇના ભાઇ ભરતભાઇ જાગી ગયા હતાં અને બહાર નીકળ્‍યા હતાં ત્‍યારે ત્રણ શખ્‍સ રામનાથપરા તરફ ભાગતા દેખાયા હતાં.
ગોૈતમભાઇના ભત્રીજાએ જણાવ્‍યા મુજબ ગઇકાલે સોમવારે વહેલી સવારે પોતે જાગ્‍યા ત્‍યારે ઘર પાસે પાર્કકરાયેલી ઇનોવા અને એમેઝ કારમાં તોડફોડ થયેલી જોવા મળી હતી. એક બૂલેટમાં પણ નુકસાન થયેલુ હતું અને પડોશી નિલેષભાઇ સોનીની કારમાં પણ તોડફોડ થયાનું જોવા મળતાં અમે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતાં. જેમાં આજે એક ઘરના કેમેરામાં સવારે ૩:૫૧ કલાકે એકટીવા જેવા વાહનમાં ત્રણ શખ્‍સો આવતાં દેખાયા હતાં.
આ શખ્‍સો પેલેસ રોડ, જયરાજ પ્‍લોટ મેઇન રોડ પર થઇ હાથીખાના રામ મઢી પાસે આવ્‍યા હતાં અને એક થાંભલા પાસે વાહન ઉભુ રાખ્‍યું હતું. જેમાં બે શખ્‍સ પાછળથી ઉતરી થોડે દૂર જઇ પથ્‍થરો વીણી લાવ્‍યા હતાં એ પછી આગળ જતાં દેખાયા હતાં. ફૂટેજમાં જો કે ચહેરા દેખાતા ન હોઇ પણ ત્રણ શખ્‍સો સામેલ હોવાનું સ્‍પષ્‍ટ દેખાતુ હોઇ ફૂટેજ સાથે પોલીસને રજૂઆત કરવામાં આવતાં પીઆઇ સી. જે. જોષીની રાહબરીમાં વિમલભાઇ અને રાજુભાઇએ અરજી નોંધી હતી. પીએસઆઇ જે. એમ. ભટ્ટ, હારૂનભાઇ ચાનીયા, ભરતસિંહ ગોહિલ, મેરૂભા ઝાલા, નરેશભાઇ સહિતની ટીમે પણ તપાસ શરૂ કરી છે.

 

(3:29 pm IST)