રાજકોટ
News of Tuesday, 4th January 2022

પત્રકારો માટે 'પત્રકાર કલ્યાણ નિધી'ની જાહેરાત

૧૫મીથી સદસ્યતા અભિયાન, વિવિધ જિલ્લાઓમાં પત્રકાર સંમેલનો પણ યોજાશેઃ જીજ્ઞેશ કાલાવડીયા

રાજકોટઃ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (રજી.)નાં ઉપક્રમે ગાંધીનગર ખાતે યોજાયેલ સ્નેહમિલનની સફળતા બાદ ગુજરાતભરના પત્રકારોમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. કોરોનાકાળ બાદ અનેક સમસ્યાઓથી ઘેરાયેલા પત્રકાર મિત્રો માટે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા સરકાર સાથે સંવાદ સ્થાપિત કરી નવી પહેલ કરવામાં આવી છે. ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પત્રકારોને પ્રતિનિધી મંડળ સમક્ષ હકારાત્મક આશ્વાસન આપવામાં આવતા આ બાબતને લઈને ગુજરાતનાં પત્રકાર જગતમાં નવી આશાનો સંચાર થયો છે.

ગાંધીનગર ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનાં સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન વિશ્વ ઉમિયા ધામનાં પ્રણેતા આર.પી.પટેલ દ્વારા રૂ.૫૧ હજારનાં અનુદાન સાથે ''પત્રકાર કલ્યાણ નિધી'' ખુલ્લી મુકવામાં આવેલ છે. જેના દ્વારા એક વર્ષમાં પાંચ કરોડની નિધી સંગઠન દ્વારા એકત્રીત કરવાનું લક્ષ્ય મૂકવામાં આવ્યું છે જેને લઈને પત્રકારો ખાસ્સા ઉત્સાહિત છે. પત્રકાર કલ્યાણ નિધીનો ઉદ્દેશ્ય પત્રકારોની સરકાર પરની નિર્ભરતા ઓછી કરીને પત્રકારોને સ્વનિર્ભર બનાવવાનો છે. અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા ગુજરાતમાં ફુલટાઈમ પત્રકારત્વ વ્યવસાય સાથે જોડાયેલા પત્રકારોને સમિતિ સાથે જોડવાના ઉદ્દેશ્યથી આગામી ૧૫ જાન્યુઆરી બાદ ખાસ સદસ્યતા અભિયાન શરૂ  કરવામાં આવશે. જે અંતર્ગત સંગઠનનાં હોદ્દેદારો દ્વારા જિલ્લા વાઈઝ પત્રકાર સંમેલનો યોજવામાં આવશે. આ જિલ્લા સંમેલનોની શરૂઆત ગુજરાતનાં ગોલ્ડન કોરિડોરનાં મહત્વનાં અંગ ગણાતા ભરૂચ જિલ્લાથી કરવામાં આવશે.

પત્રકારોમાં પત્રકારત્વ અને કાયદાકિય બાબતોની જાણકારી વધે તે હેતુથી ઝોન અને જિલ્લા કક્ષાના વર્કશોપ અને સેમિનારો પણ આયોજિત કરવામાં આવશે. જેમાં રાજય અને દેશભરમાંથી પત્રકારત્વ ક્ષેત્રનાં તજજ્ઞોને નિમંત્રિત કરવામાં આવશે.

પત્રકાર અને પત્રકાર પરિવારો માટે અનેક ફાયદાકારી યોજનાઓ અમલમાં મુકવા હાલ રાષ્ટ્રિય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા, સલાહકારો દિલીપભાઈ પટેલ, હિમાંશુભાઈ શાહ, કોષાધ્યક્ષ અજયસિંહ પરમાર, પ્રદેશ સંયોજક મીનહાજ મલિક, સંરક્ષક મુકેશ પટેલ, ભાવેશ મકવાણા, ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલ, વિમલ મોદી, ઝોન ઈન્ચાર્જ કુમાર હીંગોળ, વિનોદ મેઘાણી, ભાવિક અમીન, સુજલ મિશ્રા તથા પ્રદેશ કોર કમિટી સદસ્યો અને અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનાં હોદેદારો દ્વારા વિવિધ આયોજનો પર સમીક્ષા કરવામાં આવી રહી હોવાનું છે.

(3:48 pm IST)