રાજકોટ
News of Saturday, 4th February 2023

કીટીપરામાં માતાજીના માંડવામાં ભીડના લીધે ધકકો લાગતા ડખ્‍ખોઃ સામસામી ફરીયાદ

પ્ર.નગર પોલીસે ત્રણને સકંજામાં લઇ પૂછપરછ હાથ ધરીઃ આકાશ, અજય, અને મનીષને ઇજા

રાજકોટ તા. ૪ :.. ગાયકવાડી કીટીપરામાં માતાજીના માંડવામાં ભીડના લીધે ધકકો લાગતા મારા મારી થતા પ્ર.નગર પોલીસ મથકમાં સામસામી ફરીયાદ થઇ છે. જયારે ત્રણ યુવાનને ઇજા થતા સારવાર માટે ખસેડાયા છે.

મળતી વિગત મુજબ કીટીપરા આવાસ યોજના કવાર્ટર વીંગ-બી કવાર્ટર નં. ર૦ર માં રહેતા અજય બટુકભાઇ ભોણીયા (ઉ.વ.ર૮) એ પ્ર.નગર પોલીસ મથકમાં કીટીપરા આવાસ યોજના કવાર્ટરમાં રહેતા આકાશ કિશોરભાઇ સાડમીયા, સુરેશ કિશોરભાઇ સાડમીયા, રાજેન્‍દ્ર કિશોરભાઇ સાડમીયા સામે ફરીયાદ થઇ છે. અજયે ફરીયાદમાં જણાવ્‍યું છે કે, ગઇકાલે નવલ માતાજીના મંદિરે માતાજીનો માંડવો હતો. જેથી હું આ માંડવામાં ગયો હતો. મારી સાથે કાકાનો દીકરો મનીષ ભોણીયા હતો.

બપોરે માતાજીના માંડવામાં લોકોની ખૂબ જ ભીડ હતી જે ભીડના કારણે મનિષથી આકાશ સાડમીયાને ધકકો લાગી જતા આકાશ એકદમ ઉશ્‍કેરાય જઇ ગાળો આપવા લાગલા મેં તેને ગાળો આપવાની ના પાડતા આકાશે કહેલ કે, તમે અહીં જ રહો હું હમણા આવું છું, તેમ કહી આકાશ ત્‍યાંથી જતો રહ્યો હતો થોડીવાર પછી આકાશ લાકડાનો ધોકો તથા તેનો ભાઇ સુરેશ કુહાડો અને ચંદ્રેશ પાઇપ લઇને આવી ત્રણેય મનિષને ગાળો આપી મારમાર્યો હતો. મને માથામાં કુહાડો ફટકારતા હું પડી ગયો જતાં ચંદ્રેશે પાઇપ વડે માર માર્યો હતા. બાદ કાકાનો દીકરો મનિષ વચ્‍ચે પડતા તેને પણ આકાશે લાકડાના ધોકા વડે મારમારી માથાના ભાગે ઇજા કરી હતી દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા ત્રણેય જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા  હતાં. બાદ બંનેને ૧૦૮ મારફતે સારવાર માટે સીવીલ હોસ્‍પીટલમાં ખસેડાયા હતાં.

જયારે સામા પક્ષે કીટીપરા ૪૦ નંબરની સ્‍કુલ પાસે આવાસ યોજના કવાર્ટર બ્‍લોક નં. ૧૦૧ માં રહેતા આકાશ કિશોરભાઇ સાડમીયા (ઉ.વ.ર૦) એ મનીષ ભોણીયા, અજય ભોણીયા, પ્રતાપ અને લાલા સામે ફરીયાદ થઇ છે. આકાશે  ફરીયાદમાં જણાવ્‍યું છે કે ગઇકાલે નવલખી માતાજીના મંદિર પાસે હતો ત્‍યારે આ ચારેય શખ્‍સો ત્‍યાં ગાળો બોલતા હતાં. જેથી પોતે તેને ગાળો બોલવાની ના પાડતા પોતાને ગાળો આપી ચારેય શખ્‍સોએ છરી, પાઇપ તથા ઢીકાપાટુનો માર મારતા દેકારો થતા પોતાનો ભાઇ સુરેશ અને ચંદ્રેશ પણ આવી જતા સામસામે મારામારી થતા પોતાને ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્‍પીટલમાં ખસેડાયો હતો. આ અંગે એ. એસ. આઇ. સી. જે. ઝાલાએ તપાસ હાથ ધરી છે.

(4:14 pm IST)