રાજકોટ
News of Tuesday, 4th May 2021

રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા કોરોના દર્દીઓની કેર : વિવિધ સ્થળે ૧ હજારથી વધુ બેડના આઇસોલેશન સેન્ટરો શરૂ

રાજકોટ તા. ૪ : કોરોના દર્દીઓ કોઇ જગ્યાએ હેરાન ન થાય અને તેમને પુરતી સુવિધાઓ મળી રહે તે માટે રાજકોટ જિલ્લા ભાજપના સહયોગથી તમામ મંડલોના કાર્યકર્તાઓ દ્વારા અંદાજીત ૧ હજાર બેડના આઇસોલેશન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. આ અંગે વિગતો જાહેર કરતા રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઇ ખાચરીયા, મહામંત્રીઓ નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણી, મનીષભાઇ ચાંગેલાએ જણાવેલ કે જે સેન્ટરોમાં દર્દીઓને ઓકસીજન, રેમડેસીવીર ઇન્જેકશન અને દવાઓની જરૂરીયાત હશે ત્યાં આ તમામ સુવિધા મફત પુરી પાડવામાં આવશે. દર્દીઓને તથા તેમની સાથે આવેલા પરિવારજનોને ફ્રી જમવાનું અપાશે.

ઉપલેટા તાલુકામાં ૫૦ બેડ, ધોરાજી તાલુકામાં ૫૦ બેડ, જેતપુર શહેરમાં ૧૦૦ બેડ, જામકંડોરણામાં ૨૬૨ બેડ, ગોંડલ શહેરમાં ૩૫ બેડ, કોટડા સાંગાણી તાલુકામાં ૨૫ બેડ, લોધીકા તાલુકામાં ૨૦ બેડ, રાજકોટ તાલુકામાં ૧૦૦ બેડ, જસદણ શહેરમાં ૧૦૦ બેડ, જસદણ તાલુકાના વિરનગરમાં ૫૦ બેડ, વિંછીયા તાલુકામાં ૭૦ બેડ સાથે આખા જિલ્લામાં ૧૦૦૦ બેડના આઇસોલેશન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે.

કોઇપણ સેન્ટર પર કોઇ ખામી ન રહે તે માટે સાંસદો મોહનભાઇ કુંડારીયા, રમેશભાઇ ધડુક, કેબીનેટ મંત્રીઓ જયેશભાઇ રાદડીયા, કુંવરજીભાઇ બાવળીયા, ધારાસભ્યો ગીતાબા જાડેજા, લાખાભાઇ સાગઠીયા, જિ.પં. પ્રમુખ ભૂપતભાઇ બોદર સહીતના આગેવાનો સતત આઇસોલેશન સેન્ટરોની મુલાકાત લઇ રહ્યા છે. તથા આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર સાથે સમીક્ષા કરી વ્યવસ્થા ગોઠવી રહ્યાનું રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલયની યાદીમાં જણાવાયુ છે.

(12:02 pm IST)