રાજકોટ
News of Tuesday, 4th May 2021

એક નંબર બ્લોક કર્યો તો બીજામાંથી, બીજો બ્લોક કર્યો તો ત્રીજામાંથી મેસેજ કરી પજવણીઃ ગુજરાતભરની મહિલા કાઉન્સેલરને પજવતો'તો

રાજકોટના મહિલા સામાજીક કાર્યકરને એક મહિનાથી હેરાન કરતાં શખ્સ સામે સાયબર ક્રાઇમ પોલીસમાં ગુનોઃ બોટાદમાં મહિલા કાઉન્સેલરને પણ પજવણી કર્યાનો ગુનો દાખલ થયોઃ બોટાદ એલસીબીએ સકંજામાં લીધો

રાજકોટ તા. ૪: શહેરના મહિલા સામાજીક કાર્યકરને છેલ્લા એકાદ મહિનાથી અજાણ્યા ત્રણ નંબરો પરથી વ્હોટ્સએપ વિડીયો કોલ, મેસેજ અને ટેકસ મેસેજ કરી ખરાબ માંગણી કરી હેરાન પરેશાન કરતાં શખ્સ સામે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મહિલા કાર્યકરે એક નંબર બ્લોક કરતાં બીજામાંથી અને બીજો બ્લોક કરતાં ત્રીજામાંથી મેસેજ કરવાનું  શરૂ કર્યુ હતું. અંતે અરજી કરી હતી. આ શખ્સ બોટાદ તરફનો હોવાનું સામે આવતાં તપાસ હાથ ધરાઇ છે.

આ બારામાં સાયબર ક્રાઇમ પોલીસે મહિલા સામાજીક કાર્યકર (ઉ.વ.૩૬)ની ફરિયાદ પરથી ત્રણ અલગ-અલગ મોબાઇલ ફોનમાંથી ફોન કરનાર શખ્સ સામે આઇપીસી ૩૫૪ (એ), ૩૫૪ (ડી), ૨૯૨, ૫૦૪, ૫૦૯, આઇટી એકટની કલમ ૬૭ મુજબ   ગુનો નોંધી તેને સકંજામાં લેવા તજવીજ કરી છે.મહિલા કાર્યકરે ફરિયાદમાં જણાવ્યું છે કે હું ગરિબ દુઃખી પરિવારોને જમવા માટે ટિફિન પહોંચાડવાનું કામ કરુ છું. તેમજ મેડિકલ સહાય, અનાજ સહાય કરુ છું અને સોશિયલ મિડીયા પર ફેસબૂક અને વ્હોટ્સએપ વાપરતી હોઉ લોકને લગતા પ્રશ્નો બાબતે હું ફેસબૂક પર લાઇવ થાવ છું. આ કારણે મારા મોબાઇલ નંબર પણ ફેસબૂક પર રાખુ છું. તા. ૨૩/૩ના રાતે સાડા અગિયારેક વાગ્યે મારા મોબાઇલ પર એક અજાણ્યા નંબર ૯૫૫૮૪ ૮૯૭૨૪ ઉપરથી વ્હોટ્સએપ વિડીયો કોલ આવ્યો હતો. જેમાં તેણે મારી પાસે બિભત્સ માંગણી કરી હતી. મેં વિડીયો કટ કરી નાંખતા મને વ્હોટ્સએપ પર મેસેજીસ કરી 'સોરી માફ કરો' એવા મેસેજ કરી હેરાન કરતાં મેં એ નંબર બ્લોક કરી દીધો હતો.

એ પછી તા. ૨૯/૩/૨૧ના સવારે ૧૦ વાગ્યે મોબાઇલ નં. ૮૫૧૧૩ ૪૯૯૮૧ ઉપરથી વ્હોટ્સએપમાં ખરાબ મેસેજીસ આવતાં મેં એ નંબર બ્લોક કરી દીધા હતાં. આથી એ નંબર પરથી ટેકસ મેસેજીસ આવવા માંડ્યા હતાં. જેમાં મેસેજ કરનારે બિભત્સ શબ્દોમાં ગાળ લખી મોકલેલી અને 'હું તારો ફ્રેન્ડ છું, તારા ઘરે કોઇ ન હોય ત્યારે કોલ કરજે મને, વ્હોટ્સએપ બ્લોકમાંથી મને કાઢ' એવા મેસેજ કર્યા હતાં. આથી મેં આ નંબર પણ બ્લોક કરી દીધો તો અને સાયબર ક્રઇામમાં ૧/૪/૨૧ના રોજ લેખિત અરજી આપી હતી.

આ પછી થોડા દિવસ અજાણ્યા નંબરમાંથી ફોન આવતાં બંધ થઇ ગયા હતાં. પરંતુ ૧૫/૪ના રોજ સાંજે આઠ વાગ્યે ફરીથી મને મો. નંબર ૯૬૨૪૯ ૬૩૮૦૭ ઉપરથી ખરાબ મેસેજ આવવા લાગ્યા હતાં. આ નંબર પણ મેં બ્લોક કરી દીધો હતો અને તા. ૨/૫ના રોજ એનસીઆર (નેશનલ ક્રાઇમ રિપોર્ટ) પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી હતી.

મને ત્રણ અલગ-અલગ નંબર પરથી વ્હોટ્સએપ વિડીયો કોલ, વ્હોટ્સએપ મેસેજ, ટેકસ મેસેજ કરી ખરાબ માંગતી કરી સતામણી થતી હોઇ અંતે ફરિયાદ કરી છે. પીઆઇ વી. જે. ફર્નાન્ડીઝની રાહબરીમાં એએસઆઇ જે. કે. જાડેજાએ તપાસ શરૂ કરતાં ફોન જેમાંથી થયા એ નંબરો બોટાદ તરફના શખ્સના હોવાનું ખુલતાં તેને સકંજામાં લેવા કાર્યવાહી હાથ ધરાઇ છે.  આ શખ્સને બોટાદ પોલીસે હાલ સકંજામાં લીધો છે.

બોટાદ મહિલા પોલીસમાં પણ ફરિયાદ દાખલ થઇ

રાજકોટના મહિલા કાર્યકરને જે ત્રણ ફોન નંબરમાંથી કોલ-મેસેજ કરી ટેલિફોન રોમીયાએ હેરાન પરેશાન કર્યા એ જ નંબરો ઉપરાંત બીજા બે નંબરોનો ઉપયોગ કરી બોટાદના એક મહિલા કાઉન્સેલરને વ્હોટ્સએપ મેસેજ કરી પોતાની ઓળખ એસ. પી. સાગર તરીકે આપી હતી અને સાચુ નામ ન જણાવી આડા અવળા મેસેજ ચાલુ કર્યા હતાં. તેમજ બીજા એક મહિલાને પણ ગંદા મેસેજ કર્યા હતાં. આ ઉપરાંત ત્રીજા એક કાઉન્સેલરને પણ આવા મેસેજ આવ્યા હતાં. તપાસ થતાં આખા ગુજરાતમાં ત્રીસ જેટલા મહિલા કાઉન્સેલરને આ શખ્સે વ્હોટ્સએપ મેસેજ, વિડીયોકોલ, વ્હોટ્સએપ વોઇસ કોલ કરી હેરાન પરેશાન કરી પજવણી કર્યાનું ખુલ્યું હતું. તે એક ગ્રુપ બનાવી તેમાં મહિલા કાઉન્સેલરોને એડ કરતો હતો. આ મામલે બોટાદ મહિલા પોલીસ સ્ટેશનમાં પણ પણ આઇપીસી ૩૫૪ (ક), ૩૫૪ (ઘ), ૨૯૪, ૫૦૪, ૫૦૯, આઇટી એકટ હેઠળ ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં બોટાદ એલસીબીએ આરોપીની શોધખોળ હાથ ધરી તેને સકંજામાં લીધો છે. 

(3:25 pm IST)