રાજકોટ
News of Monday, 4th July 2022

કાલથી રાજકોટ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસયાત્રા

પ્રભાતફેરી - યોગા - વૃક્ષારોપણ - આયુષ્‍યમાન કાર્ડ કેમ્‍પ - ખાતમુહૂર્ત - લોકાર્પણો યોજાશે : શહેરને ૧ અને જિલ્લાને ૨ રથ ફાળવાયા : કાલે સાંજે ઉપલેટા પાલિકા તથા વિંછીયાના ભડલીથી રથ પ્રસ્‍થાન કરશે

રાજકોટ તા. ૪  : રાજયભરમાં ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ'ની ઉજવણી અંતર્ગત તા. ૫ મી જુલાઈ ૧૯ મી જુલાઈ સુધી ‘વંદે ગુજરાત વિકાસ  યાત્રા'નું આયોજન કરવામાં આવ્‍યું છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા'ની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.  આ કાર્યક્રમ હેઠળ રાજકોટ જિલ્લાને કુલ ૩ રથની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ૨ રથ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને ૧ રથ રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનને ફાળવવામાં આવ્‍યો છે. જિલ્લા કક્ષાએ વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ વિંછીયા અને ઉપલેટા તાલુકાથી કરવામાં આવશે.

રાજકોટ જિલ્લા કલેક્‍ટરશ્રી અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીની રાહબરીમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ'નું આયોજન કરવામાં આવ્‍યું છે. જિલ્લા કક્ષાએથી સાંજના ૫ વાગ્‍યે ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા'ના પ્રથમ રથનું પ્રસ્‍થાન ઉપલેટા નગરપાલિકા અને બીજા રથનું પ્રસ્‍થાન વીંછીયા તાલુકાના ભડલી ગામથી કરવામાં આવશે. આમ તા.૧૯ જુલાઈ સુધી જિલ્લાના વિવિધ તાલુકાના ગામોમાં અનેકવિધ વિકાસલક્ષી કાર્યક્રમો યોજાશે.

‘વંદે ગુજરાત વિકાસ યાત્રા' કાર્યક્રમ અંતર્ગત પ્રભાતફેરી, યોગાભ્‍યાસ, વૃક્ષારોપણ આયુષ્‍યમાન ભારત પી.એમ.જે. એ.વાય. અંતર્ગત કાર્ડ વિતરણ કેમ્‍પ,  નિરામય ગુજરાત આરોગ્‍ય કેમ્‍પ યોજાશે. આ સાથે વિવિધ વિકાસાત્‍મક કાર્યોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ, નવા મંજુર થયેલા કામોની જાહેરાત, વિવિધ કલ્‍યાણકારી યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને સહાય વિતરણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે.

(11:15 am IST)