રાજકોટ
News of Wednesday, 4th August 2021

વીજ ચોરીની રકમ વસુલવાના કેસમાં ગ્રાહકને જેલ હવાલે કરતાં ગ્રાહકે પી.જી.વી.સી.એલ.ની બાકી રકમ ચુકવી દીધી

રાજકોટ તા. ૪: પી.જી.વી.સી.એલ.ના લેણી રકમના કેસમાં ગ્રાહકે પૈસા નહિ ભરતા અદાલતે જેલ હવાલે કરતા તુરંત પૈસા જમા પી.જી.વી.સી.એલ.ની લેણી રકમ બાકી હોય તેવા ગ્રાહકો તેમજ બિનગ્રાહકોમાં ફફડાટ.

આ કેસની હકીકત એવી છે કે, વિંછીયા તાલુકાના અજમેર ગામમાં રહેતા શાર્દુલભાઇ જેરામભાઇ જાંબુકીયાએ વીજચોરી કરી વીજવપરાશ કરેલ હતો. જેથી વિંછીયા સબ-ડીવીઝન નાયબ ઇજનેર વીનોદભાઇ ખોડાભાઇ ચાવડા દ્વારા તેઓની સામે લેણી રકમનો કેસ દાખલ કરેલ હતો. સદરહું કેસ અદાલતમાં ચાલી જતા અદાલતે તેઓની સામે ૯% વ્યાજથી વસુલ થતા સુધી જાત ત્થા મિલ્કતથી વસુલવાનો આદેશ કરેલ હતો. જેના આધારે પી.જી.વી.સી.એલ.ના નાયબ ઇજનેર મારફત દરખાસ્ત દાખલ કરેલ જે દરખાસ્તની નોટીસની બજવણી થયેલ, જપ્તી વોરંટની બજવણી થયેલ તેમ છતાં શાર્દુલભાઇ જેરામભાઇ જાંબુકીયાએ પૈસા ભરવાની કોઇ દરકાર કરેલ ન હતી.

આથી પી.જીવી.સી.એલ. દ્વારા તેઓના એડવોકેટ શ્રી જય જે. મગદાણી મારફત શાર્દુલભાઇ જેરામભાઇ જાંબુકીયાને જેલમાં બેસાડવાની અરજી કરેલ અને તેના જીવન નિર્વાહના ભથ્થાની રકમ અદાલતમાં જમા કરાવતા અદાલતે જેલ વોરંટ ઇસ્યુ કરી આપેલ સદરહું વોરંટની બજવણીમાં વિંછીયા કોર્ટના બેલીફશ્રી ત્થા નાયબ ઇજનેર શ્રી ડી. કે. દાંતલા દ્વારા શાર્દુલભાઇ જેરામભાઇ જાંબુકીયાને અદાલતના જેલ વોરંટના આધારે પકડી કોર્ટ સમક્ષ રજુ કરતા વિંછીયા કોર્ટના ન્યાયમુર્તી શ્રીમતી જીનલબેન અઢીયા સાહેબ દ્વારા પૈસા નહિં ભરાતા જેલ હવાલે કરવાનો આદેશ કરેલ હતો.

સદરહું આ આદેશના આધારે શાર્દુલભાઇ જેરામભાઇ જાંબુકીયાને જેલછ હવાલે કરતા તાત્કાલીક ૯% વ્યાજ સાથે તમામ રકમ ભરપાઇ કરી આપતા તેઓને જેલ મુકત કરેલ. આ રીતે વિંછીયાના ન્યાયમુર્તી શ્રીમતી જીનલબેન અઢીયા દ્વારા કડક વલણ અખત્યાર કરાતા વિજચોરોમાં ફફડાટ ફેલાયો છે.

આ કામમાં પી.જી.વી.સી.એલ. વતી રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી જય જીતેન્દ્રભાઇ મગદાણી રોકાયેલા હતા. 

(3:07 pm IST)