રાજકોટ
News of Wednesday, 4th August 2021

રાજ્ય સરકારે તમામ ક્ષેત્રે શ્રેષ્ઠ કામો કર્યા : સૌરભભાઇ

મ.ન.પા. તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુકત ઉપક્રમે 'નારી ગૌરવ દિવસ' અંતર્ગત લોન વિતરણ સમારોહ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેની વર્ચ્યુઅલ ઉપસ્થિતી

બુરી નજર વાલે તેરા મુહ કાલા : વિજયભાઇનો વિપક્ષને ટોણો  : રાજકોટ : વડોદરા ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમ મારફતે રાજ્યભરમાં યોજાયેલા ૧૦૮ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી વર્ચ્યુઅલી જોડાયા હતા. તેઓએ વિપક્ષને ટોણો મારતા જણાવ્યું હતુ કે આટલી મોટી સંખ્યામાં લાભાર્થીઓને મળી રહેલા લાભો જોઇને વિરોધીઓના પેટમાં તેલ રેડાય છે. બુરી નજર વાલે તેરા મુહ કાલા. અમે નારા આપવા નથી આવ્યા પરંતુ જેટલુ કામ થઇ શકે એટલી જ વાત કહીએ છીએ. અને જે કહ્યું છે તે કામ કર્યું પણ છે. અને આંબા-આંબલી નથી. બતાવતા. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના તેજસ્વી નેતૃત્વમાં આપણો દેશ આજે વિશ્વગુરૂ બની રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્ય પણ વિકાસપથ પર નમૂનેદાર પ્રગતિ કરી, રાષ્ટ્રીય વિકાસમાં પોતાનું મહત્વનું યોગદાન આપી રહ્યું છે. અમે સત્તા માટે નહિ પરંતુ લોકસેવા માટે આવીએ છીએ. તે વખતની તસ્વીરમાં વિજયભાઇ ઉદ્બોધન કરી રહેલા તથા શહેરમાં યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો નજરે પડે છે.

રાજકોટ,તા.૪: મહાનગરપાલિકા તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુકત ઉપક્રમે તા.૦૪ સવારે ૧૦:૦૦ કલાકે પૂ.પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે 'નારી ગૌરવ દિવસ' અંતર્ગત લોન વિતરણ સમારોહ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયું હતું. આ   કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય રાજયના ઉર્જા સૌરભભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેલ.

આ પ્રંસગે  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવેલ કે, શાસ્ત્રોમાં કહ્યું છે કે, જયાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે અને રિદ્ઘિ સિદ્ઘિ આવે છે. ભાજપની સરકાર મહિલાઓનું સન્માન થાય અને તેઓ ગૌરવભેર સમાજમાં સ્થાન મેળવે તેવી સંવેદનશીલતાને અનુસરે છે. છેલ્લા પાંચ વર્ષમાં સરકારે જનસેવાઓના અનેક કાર્યો દરેક લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.

આજની મહિલા માત્ર પુરુષ સમોવડી જ નહિ પરંતુ પુરૂષથી આગળ વધી રહી છે. આપ જાણો છો કે, હાલ ટોકિયો ખાતે રમાઈ રહેલા ઓલિમ્પિકમાં ગુજરાતની ૬ દીકરીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે. જે સમાજ દીકરીનું સન્માન ન કરે તે કયારેય આગળ વધી શકે નહિ. આજના સમયમાં દીકરીઓ અનેક ક્ષેત્રોમાં અગ્રેસર છે.

આ પ્રસંગે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવેલ કે, રાજય સરકાર દ્વારા 'સૌનો સાથ, સૌનો વિકાસ' સૂત્રને ચરિતાર્થ કરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં પાંચ વર્ષમાં અનેક વિકાસ કામો કર્યા છે. જે વચનો અપાયા છે તે પુરા પણ કર્યા છે. જે વિકાસ કામોના ખાતમુહૂર્ત અમે કર્યા છે તેના લોકાર્પણ પણ અમે જ કર્યા છે. રાજય સરકારે ખેતી, સિંચાઇ, આરોગ્ય સેવા, ઉર્જાશકિત, વીજ કનેકશન, રમતગમત, શિક્ષણ વિગેરે તમામ ક્ષેત્રે શ્રેષ્ઠ કામો કર્યા છે. પ્રજાએ માગ્યું ન હોય તો પણ સરકારે સામેથી આપ્યું છે. અમને તેના થકી જ પ્રજાનો વિશ્વાસ મળ્યો છે.

વધુમાં સૌરભભાઇએ જણાવ્યું હતુ કે, રાજય સરકારે કોરોના કાળમાં, ૪૦ થી ૫૦ ટન ઓકિસજનની જરૂરિયાત સામે પ્રથમ વેવમાં ૨૫૦ ટન તથા બીજી વેવમાં ૧૩૦૦ ટનની જરૂરિયાત પુરી કરેલ. શિક્ષણ ક્ષેત્રે પણ વિકાસની હરણફાળ ભરી છે, સ્માર્ટ કલાસ શરૂ કરાયા છે, ઓનલાઈન શિક્ષણનો વ્યાપ વધારાયો છે અને આધુનિક સુવિધાયુકત સ્કૂલ બિલ્ડીંગો બનાવવામાં આવ્યા છે. જેના કારણે વિદ્યાર્થીઓ ખાનગી સ્કુલ છોડીને સરકારી સ્કુલમાં પ્રવેશ મેળવતા થયા છે. ભૂતકાળની સરકારોએ બહુ ઓછી આવાસ યોજના બનાવેલ જેની સામે વર્તમાન સરકારે શાનદાર આવાસ યોજનાઓ ઉભી કરી છે અને તેની પાછળ અંદાજે રૂ.૨ લાખ કરોડનો ખર્ચ કર્યો છે. યુવાનોને રોજગારી આપવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે.

રાજય સરકાર દ્વારા રાજકોટને એઈમ્સ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, સૌની યોજના, જી.આઈ.ડી.સી.માં રાજકોટ થી અમદાવાદ સિકસ લેન રોડ, સૌરાષ્ટ્ર અને ધોલેરા ખાતે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, ટુરીઝમ ક્ષેત્રે વિકાસ કર્યો છે જેમાં ઓખા અને બેટ દ્વારકાને જોડતા બ્રિજનું નિર્માણ તથા શિવરાજપુર બીચનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે રાજય કક્ષાના  શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, રાજય સરકારના સુશાસનના પાંચ વર્ષ પુરા થયા છે જે માટે ૯ દિવસનો સેવાયજ્ઞ શરૂ કરાયો છે. બહેનોને રોજગારી માટે ૦%ના વ્યાજથી લોન આપવામાં આવશે. જે માટે રૂ. ૧૦૦ કરોડની ફાળવણી કરાઈ છે. જે અંતર્ગત ૧૦,૦૦૦ મંડળની ૧ લાખ બહેનોને લોન આપવામાં આવશે. આ લોનના વ્યાજની રકમ રાજય સરકાર ભોગવશે.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન શ્રેષ્ઠ ગુજરાત બનાવેલ. તેને વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સર્વશ્રેષ્ઠ ગુજરાત બનાવ્યું છે. તથા મહિલા ઉત્કર્ષ યોજના શરૂ કરી, બહેનોના વિકાસ માટે અનેકવિધ કાર્યો કર્યા છે.

આ પ્રંસગે સ્વાગત પ્રવચન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલએ કરેલ હતું. જયારે શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિ ચેરમેન જયોત્સનાબેન ટીલાળા તથા વાઈસ ચેરમેન રૂચિતાબેન જોષી દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું પુષ્પગુચ્છ તથા પુસ્તક અર્પણ કરી સ્વાગત કરવામાં આવેલ. કાર્યક્રમની રૂપરેખા તથા આ લોન વિતરણ યોજનાની માહિતી મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ આપેલ હતી.

મુખ્યમંત્રીના વકતવ્ય બાદ બહેનોના મંડળોને મંચ પર ઉપસ્થિત આગવાનોના હસ્તે લોન સહાયના ચેક સ્વિકાર્યા હતા.

આ પ્રંસગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પ્રદેશ ભાજપ બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ, શાસક પક્ષ નેતા વિનુભાઈ દ્યવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, ડે. મ્યુનિસિપલ કમિશનર આશિષ કુમાર, પ્રદેશ ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન અતુલભાઈ પંડિત, શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિ ચેરમેન જયોત્સનાબેન ટીલાળા, રાજકોટ નાગરિક સહકારી બેંકના પૂર્વ ચેરમેન કલ્પકભાઈ મણીઆર, કોર્પોરેટર અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માંકડિયા તથા શહેરની જુદી જુદી બેન્કના પ્રતિનિધિઓ વિગેરે ઉપસ્થિત રહેલ.

(4:08 pm IST)