રાજકોટ
News of Friday, 4th September 2020

બેભાન હાલતમાં ૪ માસની બાળકી, તબલાવાદક અને મ્યુ. કોર્પોરેશનના કર્મચારી સહિત છના મોત

રાજકોટ તા. ૪: બેભાન હાલતમાં એક બાળકી સહિત છના મોત નિપજ્યા હતાં. તમામને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દેતાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.

સંત કબીર રોડ આર્યનગર-૩માં રહેતાં ચિરાગભાઇ ચંદ્રકાંતભાઇ ધામેલીયાની પુત્રી મિશરી અધુરા માસે જન્મી હોઇ જન્મથી જ બિમાર હતી. ગઇકાલે સારવાર દરમિયાન બેભાન થઇ જતાં મોત નિપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી. મૃતક માતા-પિતાની એક જ દિકરી હતી. બનાવથી શોક છવાઇ ગયો હતો.

બીજા બનાવમાં કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી પાસે નરસિંહ મહેતા ટાઉનશીપમાં રહેતાં તબલાવાદક પ્રભાતસિંહ હઠીસિંહ ગોહિલ (ઉ.વ.૪૨)નું બેભાન હાલતમાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. પ્રભાતસિંહ ત્રણ ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર છે. ઘરે અચાનક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

ત્રીજા બનાવમાં રાજનગર ચોક પાસે કૈલાસનગર-૧માં રહેતાં રાજેશભાઇ કાનજીભાઇ પ્રજ્ઞાવાન (ઉ.વ.૪૫) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોતે કોર્પોરેશનના ઢોર ડબ્બા વિભાગમાં મજૂર તરીકે નોકરી કરતાં હતાં. માલવીયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

ચોથા બનાવમાં સંત કબીર રોડ પર ગઢીયાનગર-૩માં રહેતાં અને ઇમિટેશનનું મજૂરી કામ કરતાં પિન્ટુભાઇ શાંતિલાલભાઇ કડીવાર (ઉ.વ.૪૩) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દેતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.

પાંચમા બનાવમાં કોઠારીયા રોડ ન્યુ કેદારનાથ સોસાયટી-૪માં રહેતાં પ્રવિણભાઇ રવજીભાઇ રાઠોડ (ઉ.વ.૫૫) ઘરે બિમારીથી બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી.

છઠ્ઠા બનાવમાં કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે હંસરાજનગરમાં રહેતાં જ્યોતિબેન સુરેશભાઇ રાઠોડ (ઉ.વ.૩૨) બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાતાં મોત થયું હતું. બનાવ અંગે આજીડેમ પોલીસને જાણ કરાઇ હતી. મૃતકના પતિ હયાત નથી. સંતાનમાં એક પુત્ર છે. તેણીને લાંબા સમયથી ટીબી અને બીજી બિમારી હતી.

(11:39 am IST)