રાજકોટ
News of Friday, 4th September 2020

કોસમોસ સોસાયટીના લોકો કાળજાળ : અમારી પડખે આવાસ યોજના ન ખડકો : મુખ્યમંત્રીને રાવ

આ જગ્યા પર ત્રણ વર્ષથી ઉછેરેલ વૃક્ષોનો સોથ વળી જશે : પ્રદુષણ અને ન્યુસન્સ વધશે : કોસમોસના સભ્યોએ મેદાનમાં પ્લે કાર્ડ સાથે ઉભા રહી કર્યો દેખાવો

રાજકોટ તા. ૪ : મવડી નવા રીંગરોડ પર સ્પીડવેલ પાર્ટી પ્લોટ વાળા માર્ગે આવેલ કોસમોસ પ્લસ એપાર્ટમેન્ટના લોકોએ મુખ્યમંત્રી સહીત અધિકારીઓ-પદાધિકારીઓને પત્ર લખી કોસમોસ પાસે બનનાર સરકારી આવાસ યોજના સામે વિરોધ વ્યકત કર્યો છે.

રહેવાસીઓએ રજુઆતમાં એવું જણાવ્યુ છે કે જો અહીં ૪૦૦ આવાસની યોજના સાકાર થશે તો આ જગ્યા પર ત્રણેક વર્ષથી સોસાયટીના લોકોએ જતન પૂર્વક ઉછેરેલા વૃક્ષો નસ્ટ થશે. વળી પ્રદુષણ અને ન્યુસન્સ વધવાની પણ ભીતી રહેશે.

મોટે ભાગે આવી આવાસ યોજનામાં કુટેવ, વ્યસન અને માંસાહાર જેવા દુષણ ધરાવતા લોકો વસવા આવતા હોય વર્ષોથી અહીં રહેતા શુધ્ધ આચરણવાળા લોકોની લાગણી દુભાશે. લવજેહાદ જેવી પ્રવૃત્તિની પણ ચિંતા વધશે. વળી આવા આવાસોમાં મુળ માલિકના બદલે ભાડુઆતો જ રહેતા હોવાના કારણે સરકારનો મુળ હેતુ પણ માર્યો જતો હોય છે.

કોઇ ગરીબ લોકોને આવાસ મળે તેની સામે વાંધો નથી. પરંતુ તેઓને અન્યત્ર સુયોગ્ય જગ્યાએ આવાસો ફાળવવામાં આવે તેવી વિનંતી હોવાનું કોસમોસ પ્લસના રહેવાસીઓએ જણાવ્યુ છે.

કોસમોસના સભ્યોએ હાથમાં પ્લે કાર્ડ લઇ ખુલ્લા મેદાનમાં સોશ્યલ ડીસ્ટન્સ સાથે ઉભા રહી અહીં બનનાર આવાસ યોજનાનો શાંતિ અને નવતર વિરોધ કર્યો હતો. તેમ કોસમોસ પ્લસ ટાવરના પ્રમુખ, ઉપપ્રમુખ અને ખજાનચીની સંયુકત યાદીમાં જણાવાયુ છે.

(2:50 pm IST)