રાજકોટ
News of Friday, 4th September 2020

સત્યસાંઇ હોસ્પિટલમાં હનીફભાઇ ઠાસરીયા ઉપર સફળ સર્જરી : બે વર્ષથી પીડાતા હતા

૧૦ લાખથી વધુ દર્દીઓની ઓપીડીમાં સારવાર ૨૦ હજાર થી વધુ હૃદયરોગના ઓપરેશન

રાજકોટ : 'દિલ વિધાઉટ બીલ' ના નામે જાણીતી શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ છેલ્લાં ૨૦ વર્ષથી સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે હૃદયરોગના ગરીબ દર્દીઓને  વિનામૂલ્યે નવજીવન આપીને આ હોસ્પિટલે સેવા ક્ષેત્રે અનન્ય ઉદાહરણ પુરૂ પાડયું છે. આ હોસ્પિટલમાં પુખ્ત અને બાળકોના તમામ પ્રકારના હૃદયના ઓપરેશન વિનામૂલ્યે થાય છે. જેનો લાભ ભારતના તમામ રાજયોના ગરીબ હૃદય રોગના દર્દીઓ છેલ્લા ૨૦ વર્ષ થી મેળવી રહ્યા છે.અત્યાર સુધીમાં ૧૦,૦૦,૦૦૦ થી વધારે દર્દીઓની ઓપીડીમાં સારવાર કરવામાં આવી છે , અને ૨૦,૦૦૦થી વધારે હૃદય રોગના ઓપરેશનો નિઃશુલ્ક કરવામાં આવ્યા છે.

શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ (કાલાવડ રોડ) આર્થીક રીતે નબળા વર્ગના લોકો માટે વિનામુલ્યે ઓપરેશન થાય છે આસાથે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના , મોં યોજના તથા આયુષ્માન ભારત યોજનાનો લાભ પણ હૃદયરોગના દર્દીઓને આપવામાં આવે છે .

આવાજ એક દર્દી હનીફભાઈ ઇશ્માંઇલભાઈ ઠાસરીયા  (ઉવ.૫૫)  રાજકોટના છેલ્લા બે વર્ષ થી હૃદય રોગ થી પીડાતા હતા. આ દર્દીના કુટુંબમાં ૨ વ્યકિતઓ છે. તેઓ ને કોઈ સંતાન નથી દર્દી મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. જેમાં મહિને આશરે ૫ થી ૬ હજાર રૂપિયાની આવક થાય છે.

આ દર્દીએ બે વર્ષ દરમ્યાન દવા ચાલુ રાખી હતી પરંતુ તેના થી કોઈ જ ફરક પડતો ન હતો અને દિવસેને દિવસે તેની તબિયત બગડતી જતી હતી આથી તેમણે રાજકોટ ની કોઈ હોસ્પિટલમાં નિદાન કરાવતા જણાવામાં આવ્યું કે તેમના બે વાલ્વ ખરાબ થઈ ગયા છે અને બદલવા પડશે આ માટે ઓપેરશન કરવાની જરૂર છે જેનો ખર્ચ આશરે ૨ લાખ રૂપિયા જેટલો જણાવેલ હતો. આર્થિક મુશ્કેલીને હિસાબે દર્દી હનીફભાઇ આ ઓપરેશન કરાવી શકે તેમ ન હતા.

આ દરમ્યાન તેમના પડોસ માં રહેતા ભાઈ કે જેઓ નું ઓપરેશન શ્રી સત્ય સાંઈ હાર્ટ ઼હોસ્પિટલ, રાજકોટ ખાતે થયું હતું તેમણે દર્દીને શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ ખાતે લઈ જવા માટે સલાહ આપી હતી. આથી દર્દી હનીફભાઇ શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ રાજકોટ ખાતે આવેલ હતા.

દર્દી ની હાલત હોસ્પિટલમાં આવ્યા ત્યારે ખુબજ ગંભીર હતી તેમના પેટ માં અને ફેફસામાં ખુબ જ પાણી ભરાયેલ હતું અને પગમાં સોજા આવેલ હતા. આ દર્દી બે ડગલાં પણ ચાલી શકાતું ન હતું. હોસ્પિટલમાં તેમનો ઇકો કાર્ડીઓગ્રામ થતા તે રિપોર્ટ મુજબ દર્દીના બે વાલ્વ ખરાબ થઇ ગયા હતા જેમાં એક વાલ્વ ઓપેરશન થી નવો નાખવો પડે તેમ હતો અને એક વાલ્વ રિપેર કરવાની જરૂર હતી.

દર્દીને તમામ રિપોર્ટ બાદ ઓપેરશન માટે દાખલ કરવામાં આવેલ હતા અને આ ઓપરેશન સફળતા પૂર્વક વિના મુલ્યે કરવામાં આવેલ હતું અને દર્દી સંપૂર્ણ સ્વાસ્થય થયા બાદ તારીખ ૦૪-૦૯-૨૦૨૦ના રોજ હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી.

આમ બાબાનાં આશીર્વાદથી આ દર્દીનું એક વાલ્વ બદલાવી અને બીજા વાલ્વને રીપેર કરી આ ઓપરેશન સફળતા પૂર્વક કરીને દર્દીને નવું જીવન પ્રાપ્ત થયું છે.

(3:53 pm IST)