રાજકોટ
News of Tuesday, 4th October 2022

બે કરૂણ ઘટનાઃ દિકરી અને દિકરાને જન્‍મ આપ્‍યા બાદ બંને જનેતાના મોત

ગોંડલની આશિયાના ફટાણીયાએ દિકરીને જન્‍મ આપ્‍યા બાદ અને જંગલેશ્વરની તરન્‍નુમનિશાએ પુત્રને જન્‍મ આપ્‍યા બાદ તબિયત બગડયા બાદ મોત નિપજ્‍યા

રાજકોટ તા. ૪: બે અલગ અલગ ઘટનામાં દિકરી અને દિકરાને જન્‍મ આપ્‍યા બાદ તબિયત બગડતાં બે જનેતાના મોત નિપજતાં સ્‍વજનોમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

ગોંડલમાં ભગવતપરા હરભોલે સોસાયટી રામેશ્વર રેસિડેન્‍સી બી-૮/૪માં રહેતી સોરઠીયા પ્રજાપતિ આશિયાના વિશાલ ફટાણીયા (ઉ.૨૩) નામની પરિણીતાએ ગઇકાલે સવારે ગોંડલની શ્રીરામ સાર્વજનિક હોસ્‍પિટલમાં દિકરીને જન્‍મ આપ્‍યો હતો. એ પછી તેની તબીયત બગડતાં બ્‍લીડીંગ વધી જતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોડી રાતે મોત નિપજ્‍યું હતું. મૃતકના પતિ વિશાલ ફટાણીયા ફરસાણની દૂકાનમાં નોકરી કરે છે. અગાઉ બે વખત આશિયાનાને મિસડીલીવરી થઇ ગઇ હતી. આ વખતે દિકરીના જન્‍મ બાદ તેણીનો જીવ જતાં કલ્‍પાંત સર્જાયો હતો.

બીજા બનાવમાં જંગલેશ્વર હુશેની ચોકમાં રહેતી મુળ યુપીની તરન્‍નુમનિશા  શમશાદઅલી બાગવાન (ઉ.૨૭) નામની પરિણીતાએ ગયા ગુરૂવારે દેવપરાની હોસ્‍પિટલમાં દિકરાને જન્‍મ આપ્‍યો હતો. આ દિકરાની તબિયત બગડતાં રાજકોટ સિવિલમાં દાખલ કરાયો હતો. દરમિયાન ગઇકાલે માતા તરન્‍નુમનિશાની તબિયત બગડતાં બેભાન જેવી થઇ જતાંતેણીને દાખલ કરવામાં આવી હતી. પરંતુ મોત નિપજ્‍યું હતું. તેને અગાઉ એક દિકરી હતી. તેનો પતિ ફેબ્રીકેશનનું કામ કરે છે.

બંને બનાવમાં હોસ્‍પિટલ ચોકીના કલ્‍પેશસિંહ ગોહિલે ગોંડલ પોલીસ અને ભક્‍તિનગર પોલીસને જાણ કરી હતી.

(12:02 pm IST)