રાજકોટ
News of Friday, 4th December 2020

તેલના ધંધામાં દેણું થતાં દિપક કારીયાએ જાલીનોટો છાપીઃ સાળા સાગરે નકલી નોટો બાળવામાં મદદ કરી

મહેસાણાના વેપારી પાસેથી માલ ખરીદી અસલી સાથે ૨૦૦ વાળી જાલીનોટો પણ ધાબડી દીધી'તીઃ વિછીયાના છાસીયાનો મગન શેખ અગાઉ જાલીનોટના ગુનામાં ૭ વર્ષ જેલ કાપી ચુકયો છેઃ ત્રણેય ૬ઠ્ઠી સુધી રિમાન્ડ પર

રાજકોટ તા. ૪: મહેસાણાની બેંકના ભરણામાં આવેલી ૧૦૦ જેટલી રૂ. ૨૦૦ના દરની નકલી નોટો અંગે મહેસાણા એસઓજીએ ઉંડાણપુર્વક તપાસ કરતાં નકલી નોટો છાપવાનું કોૈભાંડ બહાર આવ્યું હતું. આ નોટો રાજકોટના રૈયા ચોકડી પાસે શાંતિ નિકેતન પાર્ક પાસે સદ્દગુરૂ કોમ્પલેક્ષ બી વિંગ પાસે રહેતાં તેલના વેપારી દિપક શાંતિલાલ કારીયાએ મહેસાણાના વેપારીને મોકલી હોવાનું તપાસમાં ખુલતાં મહેસાણા એસઓજીએ રાજકોટ આવી તેને દબોચ્યો હતો. તેમજ તેણે વધારાની નકલી નોટો સગેવગે કરવા પોતાના સાળા ભકિતનગર સર્કલ પાસે રહેતાં સાગર સુરેશભાઇ ખીલોસીયાને આપતાં તેણે નોટો સળગાવવા પ્રયાસ કર્યો હોઇ તેને પણ દબોચી લેવાયો હતો. આ ઉપરાંત મુખ્ય સુત્રધાર વિછીયાના છાસીયાનો મનગ ગોપાભાઇ શેખ (કોળી) હોવાનું ખુલતાં તેને પણ દબોચી લેવાયો હતો. ત્રણેયના ૬ઠ્ઠી ડિસેમ્બર સુધી રિમાન્ડ મંજુર થયા છે. દિપકે એવું રટણ કર્યુ છે કે તેલના ધંધામાં મંદી અને દેણું થઇ જતાં મગન પાસે જાલીનોટો છાપતા શીખીને મહેસાણાના વેપારીને માલના ચુકવણા પેટે અસલી સાથે ૨૦૦ વાળી નકલી નોટો પણ ધાબડી દીધી હતી.

મહેસાણાના વેપારી દિપકભાઇ બાબુભાઇ પટેલને રાજકોટના શખ્સ મારફત ઉઘરાણીમાં આવેલી ૨૦૦ વાળી નોટો તેણે બીજી બે પેઢીને આપી હતી. આ પેઢીના સંચાલકોએ બેંકમાં નોટો જમા કરાવી હતી અને એ નોટો બેંકમાં ગણતરી વખતે નજરે ચડી જતાં મેનેજરે નકલી નોટો ભરણામાં આવ્યાની ફરિયાદ નોંધાવતાં મહેસાણાના પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલે એસઓજીને તપાસ સોંપતા પીઆઇ ડી. ડી. સોઢા, રાઇટર કેતનભાઇ બારોટ સહિતની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

મહેસાણાના વેપારી દિપકભાઇ પટેલે પોતાને ૨૭ નવેમ્બરના રોજ કરિયાણાના માલની ખરીદી પેટે રાજકોટના દિપક શાંતિલાલ કારીયાએ રૂ. ૨૦૦ની દરની નોટના બે બંડલ આપ્યાનું કહેતાં પીઆઇ સોઢા અને ટીમ તાબડતોબ રાજકોટ પહોંચ્યા હતાં અને દિપકને દબોચી લીધો હતો. તેના ઘરમાંથી નોટો છાપવા માટેનું કોમ્પ્યુટર, કલર પ્રિન્ટર કબ્જે કર્યા હતાં.

એસઓજીએ તપાસ શરૂ કરી હોઇ વેપારી દિપકભાઇ પટેલે રાજકોટ દિપકને ફોન કરી તે નકલી નોટો આપી હતી? તેવું પુછતાં દિપકને અંદાજો આવી જતાં તેણે વધેલી નકલી જાલી નોટો પોતાના સાળા સાગરને બોલાવી તેનો નિકાલ કરવા માટે આપી દીધી હતી. સાગર આ નોટો સળગાવીને નાશ કરે એ પેહલા જ મહેસાણા એસઓજીએ  તેને પણ દબોચી લીધો હતો.

દિપકની વધુ પુછતાછ થતાં તેણે છાસીયાના મગન ગોપાભાઇ શેખ મારફત નકલી નોટો છાપતા શીખ્યાનું કબુલતાં એસઓજીએ મગનને પણ દબોચ્યો હતો. મગન અગાઉ પણ જાલીનોટોના ગુનામાં પકડાઇ ચુકયો છે અને સાતેક વર્ષ જેલમાં પણ રહી ચુકયો છે. મગન, દિપક અને તેના સાળાને કોર્ટમાં રજૂ કરાતાં છ ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજુર થતાં વિશેષ તપાસ શરૂ થઇ છે. પીઆઇ ડી. ડી. સોઢા, રાઇટર કેતનભાઇ બારોટ અને ટીમ વિશેષ તપાસ કરે છે. દિપકે પોતાને ધંધામાં દેણું થઇ જતાં નકલી નોટો છાપવાનું ચાલુ કર્યાનું અને માત્ર મહેસાણાના વેપારીને જ નકલી નોટો આપ્યાનું રટણ કર્યુ છે. તેની વિશેષ પુછતાછ થઇ રહી છે.

(11:22 am IST)