રાજકોટ
News of Friday, 4th December 2020

એક દસકાથી સતત ગુનાખોરી આચરતા ભીસ્તીવાડના ૧૧ શખ્સોની ગેંગ સામે ગુજસીટોકનો ગુનોઃ ૧૦ સકંજામાં

અગાઉ રાજકોટ ક્રાઇમ બ્રાંચમાં લાલા ગેંગ સામે ગુનો નોંધાયા બાદ હવે પ્ર.નગર પોલીસે બીજી ટોળકીને ધી ગુજરાત કન્ટ્રોલ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હેઠળ સાણસામાં લીધી : સુત્રધાર એઝાઝ ઉર્ફ ટકો હકુભા ખીયાણી ફરાર, સરતાજ ઉર્ફ રાજન ખીયાણી, માજીદ ઉર્ફ પપ્પુ જુણાચ, ઇમરાન મેણુ અને મિરજાદ પ્ર.નગર પોલીસની કસ્ટડીમાં: માજીદ ભાણુ અને મુસ્તુફા ખીયાણી કુવાડવા પોલીસની અટકાયતમાં: બાકીના ચાર રિયાઝ દલ, રિઝવાન દલ, યાસીન ઉર્ફ ભુરો કયડા અને શાહરૂખ ઉર્ફ રાજા દલ ખૂન-ખંડણી-મારામારી જેવા ગુનામાં જેલમાં : ૨૦૧૧થી આજ સુધી સતત ગુનાખોરીઃ અનેક વખત ધરપકડો થઇ, જેલમાં ગયા, પાસા થયા...છતાં સુધર્યા નહિઃ ખૂન, ખૂનની કોશિષ, આર્મ્સ એકટ, એટ્રોસીટી, ધાડ, ધમકીઓ, જૂગાર, રાયોટીંગ, જીવલેણ હુમલા સહિતના ગુનાઓમાં સંડોવણી

વધુ એક ગેંગને ગુજસીટોકનો સાણસોઃ સંગઠીત ગુનાખોરી આચરતી ટોળકી સામે નવા કાયદા હેઠળ રાજકોટ પોલીસે સતત બીજો ગુનો નોંધ્યો છે. આ વખતે ભીસ્તીવાડના એઝાઝ ઉર્ફ ટકાની ગેંગને સાણસામાં લીધી છે. તેની માહિતી આપી રહેલા ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરા, પીઆઇ એલ. એલ. ચાવડા તથા સાથે પીએસઆઇ કે. ડી. પટેલ અને પીએસઆઇ બી.વી. બોરીસાગર પાછળ સંજયભાઇ દવે, દેવશીભાઇ ખાંભલા, યુવરાજસિંહ, અશોકભાઇ, મહાવીરસિંહ, અક્ષયભાઇ, હરેશભાઇ, વિજયરાજસિંહ સહિતનો સ્ટાફ અને સોૈથી નીચે ટોળકીના ૬ શખ્સો જોઇ શકાય છે. બાકીના ૪ અગાઉથી જુદા-જુદા ગુનામાં જેલમાં છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૪: સંગઠીત ગુનાખોરી આચરતી ટોળકીઓની કમ્મર તોડી નાંખવા રાજકોટના ઇતિહાસમાં પહેલી જ વખત ગત ઓગષ્ટ મહિનામાં ડીસીબી પોલીસ સ્ટેશનમાં દૂધ સાગર રોડ વિસ્તારની લાલા ગેંગના ૧૧ શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. હવે આવી જ એક બીજી ટોળકીને ધી ગુજરાત કન્ટ્રોલ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (જીસીટીઓસી-ગુજસીટોક) હેઠળ સાણસામાં લેવામાં આવી છે. ભીસ્તીવાડ વિસ્તારમાં રહેતાં ૧૧ શખ્સો કે જે હત્યા-હત્યાની કોશિષ-મારામારી-ધાડ-અપહરણ, ખંડણી, ગેરકાયદે હથીયારો સહિતના કુલ ૭૬ ગુનાઓમાં સંડોવાઇ ચુકયા છે. જે ૧૧ શખ્સો સામે ગુનો દાખલ થયો છે. તેમાંથી ૬ આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે, ચાર જેલમાં છે અને સુત્રધાર ફરાર હોઇ તેની શોધખોળ થઇ રહી છે. બે શખ્સોએ તો ગઇકાલે જ કુવાડવા પાસે પીએસઆઇ પર પથ્થરમારો કરી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. આમ છતાં તેનો ફિલ્મી ઢબે પીછો કરી પકડી લેવાયા હતાં.

પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ એલ. એલ. ચાવડાએ ફરિયાદી બની ભીસ્તીવાડમાં રહેતાં એઝાઝ ઉર્ફ ટકો અકબરભાઇ ઉર્ફ હકુભા ખીયાણી, મીરજાદ અકબરભાઇ ઉર્ફ હકુભા ખીયાણી, સરતાજ ઉર્ફ રાજન હમીદભાઇ ખીયાણી, જામનગર રોડ હુડકો કવાર્ટરના મજીદ ઉર્ફ પપ્પુ સુલેમાનભાઇ જુણાચ, ભીસ્તીવાડના ઇમરાન જાનમહમદ મેણુ, રિયાઝ ઇસ્માઇલભાઇ દલ, રિઝવાન ઇસ્માઇલભાઇ દલ, યાસીન ઉર્ફ ભુરો

ઓસમાણભાઇ કઇડા, શાહરૂખ ઉર્ફ રાજા અલ્લારખાભાઇ ઉર્ફ બાબુ જૂણેજા, માજીદ રફિકભાઇ ભાણુ અને મુસ્તુફા ઉર્ફ હકુભા ખીયાણી સામે ધી ગુજરાત કન્ટ્રોલ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ (ગુજસીટોક) એકટ-૨૦૧૫ની કલમ ૩ (૧) (૧), ૩ (૧) (૨), ૩ (૨) તથા કલમ ૩ (૪) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ ટોળકી એકબીજા સાથે સંગઠન રચી ખૂન, મહાવ્યથા-ખૂનની કોશિષ, ગેરકાયદે હથીયારોનો ઉપયોગ, એટ્રોસીટી, ધાડ, ધમકીઓ, જૂગાર, રાયોટીંગ, જીવલણે હુમલા સહિતના ગુનાઓ આચરી પ્રજાજનોમાં ભય ફેલાવી પોતાની ધાક ઉભી કરવાના હેતુથી નેટવર્ક ઉભુ કરી ગુનાખોરી આચરે છે. અવાર-નવાર આ ટોળકી એકબીજા સાથે મળીને આવા ગુના સતત આચર્યા કરતી હોઇ જેથી કાયદા મારફત આ તમામને અંકુશમાં લેવા ખુબ જરૂરી હોઇ તેમજ પ્રજાજનોમાંથી આ શખ્સોનો ભય કાયમને માટે દૂર થઇ જાય અને ભયનું વાતાવરણ દૂર થાય તે માટે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાએ પત્રકારોને જણાવ્યું હતું કે કયાંય પણ કોઇપણ ટોળકી સામાન્ય જનતા પર રોફ જમાવી કાયદો વ્યવસ્થાને પડકાર ફેંકતી હોવાનું સરકાર અને ગૃહવિભાગના ધ્યાનમાં આવતાં ટોળકીની આવી અસામાજીક પ્રવૃતિને કાયમને માટે નેસ્તનાબુદ કરવા માટે વર્ષ ૨૦૧૫થી ગુજસીટોક કાયદો અસ્તિત્વમાં લાવવામાં આવ્યો છે. રાજકોટ પોલીસે આવો બીજો ગુનો દાખલ કર્યો છે. ભીસ્તીવાડની આ ટોળકીએ ૨૦૧૧થી માંડી અત્યાર સુધીમાં ૭૬ ગુના આચર્યા છે. જેમાં ખૂન, લૂંટ, ધાડ, બળાત્કાર, આર્મ્સ એકટ, એટ્રોસીટી, રાયોટીંગ, મારી નાંખવાની ધમકીઓ, ખડણી સહિતના ગુના સામેલ છે.

જેની સામે ગુનો દાખલ થયો છે એ ટોળકી  કાં તો સાથે મળીને ગુના આચરે છે અથવા તો મુખ્ય સુત્રધારના કહેવાથી ટોળકીના સભ્યો ગુનાને અંજામ આપે છે. ૧૧ શખ્સોની ટોળકીનો સુત્રધાર એઝાઝ ઉર્ફ ટકો છે, જે હાલ ફરાર છે. આ સિવાયના ૧૦ પૈકીના ૪ આોરપી રિયાઝ દલ, રિઝવાન દલ, યાસીન ઉર્ફ ભુરો અને શાહરૂખ ઉફ રાજા અલગ-અલગ ગુનામાં જેલહવાલે છે. જ્યારે બાકીના ૬માંથી ૪ સરતાજ ઉર્ફ રાજન, માજીદ ઉર્ફ પપ્પુ, ઇમરાન મેણુ, મિરજાદ ખીયાણીને પ્ર.નગર પોલીસે પકડ્યા છે. તેમજ બે આરોપી મુસ્તુફા ખીયાણી અને માજીદ ભાણુ ફરજ રૂકાવટના ગુનામાં કુવાડવા પોલીસની કસ્ટડીમાં છે. સુત્રધાર એઝાઝ પણ ઝડપથી પકડાઇ જશે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં અને માર્ગદર્શન હેઠળ પીઆઇ એલ.એલ. ચાવડા, પીએસઆઇ કે.ડી. પટેલ, દેવશીભાઇ ખાંભલા, વિજયરાજસિંહ જાડેજા, અશોકભાઇ હુંબલ, મહાવીરસિંહ જાડેજા, અક્ષયભાઇ ડાંગર, હરેશભાઇ કુકડીયા, સંજયભાઇ દવે, જનકભાઇ સહિતની ટીમે ગુનો નોંધ્યો છે.

રાજકોટ તા. ૪: જે ટોળકી સામે પ્ર.નગર પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે તે પૈકીના બે શખ્સો ભીસ્તીવાડના નામચીન અકબર ઉર્ફ હકુભા ખીયાણીના પુત્ર મુસ્તુફા ખીયાણી અને તેની સાથેના માજીદ રફિકભાઇ ભાણુએ ગઇકાલે જ કુવાડવા નજીક પ્ર.નગર પીએસઆઇ કે. ડી. પટેલ પર પથ્થરમારો કરી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. માથામાં ઇજા થઇ હોવા છતાં પીએસઆઇ પટેલ સહિતે ફિલ્મી ઢબે પીછો કરી બંનેને દબોચી લીધા હતાં અને આ મામલે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરાવ્યો હતો.

મુસ્તુફા ખીયાણી નવ મહિના પહેલા નોંધાયેલા ધમકીના ગુનામાં સતત ફરાર હતો. આ ગુનામાં મજીદની અગાઉ ધરપકડ થઇ ચુકી હતી. પરંતુ મુસ્તુફાએ હાઇકોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હતાં. આમ છતાં તે આગોતરા સાથે હાજર થતો નહોતો. તેને ૧/૧૧ થી ૫/૧૧ સુધીમાં પોલીસ સ્ટેશનમાં હાજર થવાનો આદેશ હતો. છતાં તેફરાર હતો. દરમિયાન ગઇકાલે મુસ્તુફા અને મજીદ કુવાડવા પાસે બસમાંથી ઉતરવાના છે તેવી બાતમી મળતાં પીઆઇ એલ. એલ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ કે.ડી. પટેલ, હેડકોન્સ. વિજયરાજસિંહ જાડેજા, કોન્સ. યુવરાજસિંહ જાડેજા, અક્ષયભાઇ ડાંગર, અશોકભાઇ હુંબલ, કુવાડવાના હેડકોન્સ. અરવિંદભાઇ મકવાણા, વિરદેવસિંહ જાડેજા સહિતે વોચ રાખી હતી. બાતમી મુજબ બંને શખ્સો આવતાં જ મુસ્તુફાને હાજર થઇ જવા સમજાવ્યો હતો. પરંતુ તે પીએસઆઇને પથ્થર ફટકારી દોટ મુકી ભાગવા માંડ્યો હતો. સાથે માજીદ પણ ભાગ્યો હતો. ઇજા થઇ હોવા છતાં બંનેને પીછો કરી પકડી લેવાયો હતો.

. ડીસીપીશ્રી જાડેજાએ કહ્યું હતું કે એઝાઝ ઉર્ફ ટકો અને તેની ગેંગે એક દસકાથી ગુનાખોરી શરૂ કરી છે. સોૈથી પહેલો ગુનો ૨૦૧૧માં હત્યાની કોશિષનો હતો. જેમાં એઝાઝ મુખ્ય આરોપી હતો. એ પછી આ ટોળકીની ગુનાખોરી આગળ વધી હતી. જ્યારે પણ ગુના નોંધાતા ત્યારે પોલીસ કડક કાર્યવાહી કરતી હતી. આ શખ્સો પાસા, તડીપાર, હદપાર પણ થયા હતાં અને જેલમાં પણ ગયા હતાં. આમ છતાં ગુનાખોરી સતત ચાલુ જ રાખી હતી. એ કારણે ગુજસીટોક હેઠળ કાર્યવાહી થઇ છે. આ ટોળકીના સભ્યોને જે કોઇએ આશરો આપ્યો હશે કે હથીયાર આપ્યા હશે તેને પણ તપાસને અંતે આ ગુનામંસામેલ કરવામાં આવશે.

. ગુજસીટોક હેઠળ ભીસ્તીવાડના જે ૧૧ શખ્સો સામે ગુનો દાખલ થયો છે તેમાં તપાસને અંતે પોલીસ જરૂર જણાયે મિલ્કતો પણ ટાંચમાં લેશે. ટોળકીના સુત્રધાર એઝાઝ ઉર્ફ ટકો ખિયાણી વિરૂધ્ધ અલગ-અલગ ૧૨ ગુના છે, મિરઝાદ સામે ૦૬, રાજન સામે ૦૩, ઇમરાન સામે ૦૯, માજીદ સામે ૦૬, રિયાઝ સામે ૬, રિઝવાન સામે ૫, યાસીન, મુસ્તુફા સામે ૫, શાહરૂખ ઉર્ફ રાજા સામે ૦૪ મળી તમામ ટોળકીએ કુલ ૭૬ ગુનાને અંજામ આપ્યો છે.  ટોળકીમાં તમામ સભ્યો એવા છે જેના વિરૂધ્ધ ઓછામાં ઓછા બબ્બે ગુના દાખલ થઇ ચુકેલા છે.

(2:46 pm IST)