રાજકોટ
News of Friday, 4th December 2020

હત્યાની કોશિષ, હથિયાર અને મારામારીના ગુનામાં સામેલ શાપરનો પ્રકાશ ઉર્ફે પકો દેશી તમંચો - કાર્ટીસ સાથે પકડાયો

યુનિવર્સિટી પોલીસે પ્રકાશને જે.કે.ચોકમાંથી દબોચ્યો : ૯ માસ પહેલા પારડીના મિત્ર મિતેષ જાદવ પાસેથી શોખ ખાતર હથિયાર લઇ આવ્યો'તો : રીમાન્ડની તજવીજ

ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી.કે.દીયોરા તથા યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એ.એલ.ચાવડા તથા સ્ટાફ ઇન્સેટ તસ્વીરમાં હથિયાર સાથે પકડાયેલો પ્રકાશ ઉર્ફે પકો નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૪ : ગાંધીગ્રામ, યુનિવર્સિટી, શાપર - વેરાવળ, જુનાગઢ અને લોધીકામાં હત્યાની કોશિષ, હથિયાર અને મારામારીના આઠ જેટલા ગુનામાં સામેલ શાપર-વેરાવળના શખ્સને દેશી તમંચો અને બે કાર્ટીસ સાથે યુનિવર્સિટી પોલીસે જે.કે.ચોકમાંથી ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ પર જે.કે.ચોક પાસે એક શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે આવ્યો હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. યુવરાજસિંહ જાડેજા અને કોન્સ. જેન્તીગીરી ગૌસ્વામીને બાતમી મળતા પી.આઇ. એ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.બી.જાડેજા, હેડ કોન્સ. રાજેશભાઇ મિયાત્રા, મહેન્દ્રસિંહ ડોડીયા, યુવરાજસિંહ ઝાલા, જેન્તીગીરી ગૌસ્વામી, મુકેશભાઇ ડાંગર, અજયભાઇ ભુંડીયા, કૃષ્ણદેવસિંહ ઝાલા, બ્રિજરાજસિંહ ગોહિલ સહિતે જે.કે.ચોક પાસેથી શાપર-વેરાવળ ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતો પ્રકાશ ઉર્ફે પકો રણછોડભાઇ પરમાર (ઉ.વ.૨૫)ને પકડી તલાશી લેતા તેની પાસેથી રૂ. ૧૦,૦૦૦ની કિંમતનો દેશી બનાવટનો તમંચો અને બે જીવતા કાર્ટીસ મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. પ્રકાશ ઉર્ફે પકો અગાઉ ગાંધીગ્રામ તથા યુનિવર્સિટી પોલીસ મથકમાં તેમજ શાપર - વેરાવળમાં હત્યાની કોશિષ, મારામારી, ધમકી તથા જુનાગઢ અને લોધીકામાં ગેરકાયદેસર હથિયારના ગુનામાં પકડાઇ ચૂકયો છે. પોલીસે તેની પૂછપરછ કરતા નવ માસ પહેલા પારડી ગામમાં રહેતા મિત્ર મિતેષ જાદવે હથિયાર આપ્યું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ મિત્ર મિતેષ જાદવની હત્યા થયા બાદ હથિયાર પોતે જ શોખ ખાતર રાખ્યું હોવાનું રટણ કરી રહ્યો છે. આ અંગે પોલીસે તેને બે દિવસના રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.

(3:37 pm IST)