રાજકોટ
News of Tuesday, 4th May 2021

ઝેર પીધા બાદ કમલેશભાઇએ ભાઇને કહેલું-વકિલે દગો કર્યો છે, રૂપિયાના વાંકે દિકરા-દિકરીના લગ્ન અટકી જશે

કર્મકાંડી યુવાન કમલેશભાઇ સામે પુત્રની હત્યાનો અને પુત્રીની હત્યાના પ્રયાસનો ગુનો : ખિસ્સા તરફ ઇશારો કરી ચિઠ્ઠી આપી હતીઃ જેમાં આર. ડી. વોરા, દિલીપ કોરાટ, નરેન્દ્ર પૂજારા, દિનેશ, ભાવીનના નામનો ઉલ્લેખઃ કોનો શું રોલ? તે જાણવા કમલેશભાઇ ભાનમાં આવે તેની રાહ જોતી પોલીસ : ચિઠ્ઠીમાં જેના નામ છે એ તમામના ફોન બંધ : પોલીસે જયશ્રીબેનની ફરિયાદ પરથી તેના પતિ કમલેશભાઇ વિરૂધ્ધ ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૫: નાના મવા રોડ અજમેરા શાસ્ત્રીનગર સામે આવેલા શિવમ્ પાર્ક-૨માં રહેતાં અને કર્મકાંડ કરી ગુજરાન ચલાવતાં કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયા (ઉ.વ.૪૦) નામના યુવાને પોતાના પુત્ર અંકિત (ઉ.વ.૨૨) અને પુત્રી કૃપાલી (ઉ.વ.૨૦)ને 'આ કોરોનાની દવા છે પી જાવ એટલે કોઇને કોરોના નહિ થાય' તેમ કહી પાણીની બોટલોમાં ભેળવેલી ઝેરી દવા આપતાં બંને ભાઇ બહેન પી ગયા હતાં અને બાદમાં કમલેશભાઇ પણ પી ગયા હતાં. પત્નિ જયશ્રીબેનને શંકા ઉપજતાં તેણે દવા પીધી નહોતી. સારવાર દરમિયાન દિકરા અંકિતનું મોત નિપજતાં પોલીસે જયશ્રીબેનની ફરિયાદ પરથી તેના પતિ કમલેશભાઇ સામે દિકરાની હત્યા અને દિકરીની હત્યાનો પ્રયાસ કરી આપઘાતનો પ્રયાસ કરવાનો ગુનો નોંધ્યો છે. ઝેર પીધા બાદ કમલેશભાઇએ મોટા ભાઇને કહ્યું હતું કે- આર. ડી. વોરા વકિલે મારી સાથે રૂપિયા બાબતે દગો કર્યો છે, રૂપિયાના વાંકે મારા દિકરા દિકરીના લગ્ન અટકી જશે.

કમલેશભાઇ લાબડીયાએ રવિવારે રાતે પાણીની ચાર નાની બોટલોમાં ઝેર ભેળવ્યું હતું અને પત્નિ, પુત્ર, પુત્રીને આ કોરોનાની દવા છે પી જાવ તેમ કહ્યું હતું. પુત્ર-પુત્રીએ આ દવા પીધી હતી અને બાદમાં કમલેશભાઇએ પણ પીધી હતી. એ પછી બધા ઉલ્ટી કરવા માંડતાં પત્નિ જયશ્રીબેનને શંકા જતાં દવા પીધી નહોતી. આ કોરોનાની નહિ પણ ઝેરી દવા હોવાનું ખુલતાં ત્રણેયને હોસ્પિટલે ખસેડાયા હતાં. જેમાં સારવાર દરમિયાન ગત સાંજે પુત્ર અંકિતનું મોત નિપજ્યું હતું.

તાલુકા પોલીસે આ બનાવમાં જયશ્રીબેન લાબડીયા (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી તેના પતિ કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયા સામે આઇપીસી ૩૦૨, ૩૦૭, ૩૨૮ મુજબ ગુનો નોંધ્યો છે. જયશ્રીબેને ફરિયાદમાં જણાવ્યું છે કે રવિવારે રાતે અમે બધા ઘરમાં હતાં. રાતે સવા બારેક વાગ્યે મારા પતિ કમલેશભાઇએ કહેલું કે હું કોરોનાની દવા લાવ્યો છું, આપણે બધા પી લઇએ એટલે કોરોના ન થાય. તેમ કહી પહેલા મારા પતિએ દવા શીશીમાંથી ગ્લાસમાં કાઢીને પીધી હતી. પછી મારા દિકરા અંકિત અને દિકરી કૃપાલીને આપી હતી અને એ બંનેએ પણ પીધી હતી. એ પછી મને પણ આપી હતી. પરંતુ મેં પીધી નહોતી. થોડીવારમાં પતિ, પુત્ર, પુત્રી ઉલ્ટીઓ કરવા માંડતાં મેં મારા જેઠ કાનજીભાઇને ફોન કરેલો અને ૧૦૮ આવી ગઇ હતી.

ત્રણેયને હોસ્પિટલે લઇ જવાયા હતાં. મારા જેઠ કાનજીભાઇએ મારા પતિ કમલેશભાઇને દવા પીવા બાબતે પુછતાં તેમણે કહ્યું હતું કે-મકાનના સોદા બાબતે આર. ડી. વોરા વકિલે મારી સાથે રૂપિયા બાબતે દગો કરેલ છે, રૂપિયાના વાંકે મારા દિકરા અને દિકરીના લગ્ન અટકી જશે. એ પછી પોતાના ખિસ્સા તરફ ઇશારો કરતાં તેમના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી હતી. જેમાં મકાનનાસોદા બાબતેના રૂ. ૬૫ લાખ બાબતે વકિલ આર.ડી. વોરા, દિલીપભાઇ કોરાટે ખોટા આક્ષેપ કરેલ છે અને તેના કારણે આર્થિક સંકડામણમાં છું સહિતની હકિકત લખેલ હોઇ પોતે ઝેરી દવા પી લીધી છે તેમ કહ્યું હતું.

દિકરા અંકિતનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. દિકરી અને પતિ સારવાર હેઠળ છે. તેમ જયશ્રીબેને પોલીસને જણાવ્યું હતું. પોલીસે આ ઘટનામાં હાલ કમલેશભાઇ સામે હત્યા, હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. ચિઠ્ઠીમાં જે પાંચ નામોનો ઉલ્લેખ છે એ તમામનો શું રોલ છે? એ જાણવા પોલીસે ફોન જોડ્યા હતાં તેમજ ઘરે તપાસ કરી હતી. પરંતુ ફોન બંધ આવ્યા હતાં અને કોઇ મળી આવ્યા નથી. બીજી તરફ કમલેશભાઇ બેભાન હોઇ તેઓ ભાનમાં આવે તેની પોલીસ રાહ જોઇ રહી છે. તાલુકા પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એ. જી. અંબાસણા, ભરતભાઇ વનાણી, પીએસઆઇ એન. ડી. ડામોર સહિતની ટીમે તપાસ શરૂ કરી છે.

યુવાન દિકરાના સારવાર દરમિયાન મોતથી માતા જયશ્રીબેન બેભાન થઇ ઢળી પડ્યા હતાં. આ બનાવથી બરડાઇ બ્રાહ્મણ પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

. મકાનના સોદાના વિવાદમાં પોતાની સાથે દગો થયાનું ચિઠ્ઠીમાં લખી ઝેર પી લઇ પુત્ર-પુત્રીને પીવડાવી દેનારા કમલેશભાઇ વિરૂધ્ધ ત્રણેક માસ પહેલા ચિઠ્ઠીમાં જેનું નામ છે એ દિલીપભાઇ કોરાટ અને તેના પત્નિએ ક્રાઇમ બ્રાંચમાં અરજી કરી હતી. અરજીમાં બંનેએ જણાવ્યું હતું કે તેમણે કમલેશભાઇ સાથે રૂ. ૧ કરોડ ૨૦ લાખમાં મકાનનો સોદો કર્યો હતો. જેમાં રૂ. ૨૦ લાખ એડવાન્સ આપ્યા હતાં. બાકીના ૬૫ લાખ આપવાના હતાં. આ રકમ તેમણે વકિલ આર. ડી. વોરાને આપી દીધી હતી. જેણે રકમ કમલેશભાઇને આપી હતી. પરંતુ કમલેશભાઇ આમ છતાં બાકીની રકમની ઉપરાણી કરતાં હતાં.

પોલીસે આર. ડી. વોરાને બોલાવી પુછતાછ કરતાં તેણે કહેલું કે તેણે દિલીપભાઇ પાસેથી ૬૫ લાખ લઇ કમલેશભાઇને આપી દીધા હતાં. આ રકમ ચુકવણાની ડાયરીમાં નોંધ કરી કમલેશભાઇની સહી પણ લીધી તી. તેમજ જુનુ સાટાખત રદ કરી દસ્તાવેજ કરાવવા કમલેશભાઇને બોલાવ્યા હતાં. પણ કમલેશભાઇએ વહેલા ઓફિસે પહોંચી જઇ ડાયરીમાંથી રકમ ચુકવ્યાની નોંધની સહી વાળા પાના ફાડી નાંખ્યા હતાં. જો કે કમલેશભાઇએ તે વખતે કોઇ પાના ફાડ્યા નહિ હોવાનું કહ્યું હતું. પોલીસે ખરાઇ કરવા ડાયરી કબ્જે કરી એફએસએલમાં મોકલી હતી. રિપોર્ટ ન આવે ત્યાં સુધી સ્ટે જાળવવા કહેવાયું હતું. આ વિવાદ ચાલુ હતો ત્યાં કમલેશભાઇએ આવુ પગલુ ભરી લીધું હતું. તે ભાનમાં આવ્યા બાદ પોલીસ આગળ કાર્યવાહી કરશે.

(12:49 pm IST)