રાજકોટ
News of Tuesday, 4th May 2021

ભૂદેવ કમલેશભાઇ લાંબડીયાએ કરેલા વિષપાનની ઘટનામાં તટસ્થ અને ન્યાયિક તપાસની સમસ્ત બ્રહ્મસમાજની માંગ

સ્યુસાઇડ નોટને આધારે પોલીસ ત્વરીત તપાસ કરી જવાબદારોને કડક સજા કરી દાખલારૂપ કામગીરી કરેઃ સાંસદ રામભાઈ મોકરિયા, સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ દર્શિતભાઈ જાની, પ્રદેશ ભાજપા અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ તથા ભાજપા અગ્રણી કશ્યપભાઈ શુકલ અને જીતુભાઇ મહેતાની રજૂઆત

રાજકોટ તા. ૪: નાના મવા રોડ શાસ્ત્રીનગર સામે શિવમ્ પાર્ક-૨માં રહેતાં કર્મકાંડી બ્રાહ્મણ કમલેશભાઇ લાંબડીયાએ ઝેરી દવા પી પોતાના યુવાન પુત્ર અને પુત્રીને પણ પીવડાવી દીધી હતી. જેમાં પુત્રનું મૃત્યુ થયું છે. આ ઘટનામાં તેમણે જે ચિઠ્ઠી લખી છે તેના આધારે પોલીસે કોઇના પણ દબાણમાં આવ્યા વગર ત્વરીત તપાસ કરવા અને સ્યુસાઇડ નોટને આધારે કાર્યવાહી કરવા શ્રી સમસ્ત બ્રહ્મસમાજે માંગણી કરી છે. તેમજ આ બનાવમાં કમલશેભાઇએ  કોઈના દબાણવશ આ પગલું ભર્યુ હોવાનું સ્પષ્ટપણે લાગે છે તેમ જણાવાયું છે.

પોલીસ કમિશનરશ્રીને ઉદ્દેશીને થયેલી રજૂઆતમાં જણાવાયું છે કે શહેરના શિવમ પાર્કમાં રહેતાં અને કર્મકાંડ સાથે સંકળાયેલા ભૂદેવ કમલેશભાઈ લાંબડીયા તથા તેમના પુત્ર અંકિત અને પુત્રી કૃપાલી આ ત્રણ લોકોએ પરમ દિવસે રાત્રે ઝેરી દવા પી ને પોતાની જિંદગી ટૂંકાવવાનો પ્રયત્ન કરેલ હતો. તેમની સાથે તેમણે સ્યુસાઇડ નોટમાં મરવાના સંજોગોનો ઉલ્લેખ કરેલ છે. ઇન્ડિયન પીનલ કોડમાં મૃતક વ્યકિત દ્વારા લખેલ નોંધ (સ્યુસાઇડ નોટ)ને કાયદાકીય રૂપ આપેલ છે. તેમાં આરોપીઓનો તેમના ઉપર એસ્ટ્રોશન (બળજબરી પૂર્વક નાણાં પડાવવા) તથા વિશ્વાસઘાત છેતરપિંડી જેવી વાતનો સ્પષ્ટ ઉલ્લેખ સ્યુસાઇડ નોટમાં કરેલ છે. તેના આધારે આરોપીઓને કડકમાં કડક સજા થાય અને ભવિષ્યમાં આવા પરિવારોને આવા પગલાં ભરવાની મજબૂરી ના પડે તેવી કાર્યવાહી કરવા સમસ્ત બ્રહ્મ સમાજ માંગ કરે છે.

આ બાબતે પોલીસ કમિશ્નરશ્રીને રૂબરૂ રજૂઆત રાજયસભાના સાંસદ રામભાઈ મોકરિયા, સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ દર્શિતભાઈ જાની, પ્રદેશ ભાજપા અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ તથા ભાજપા અગ્રણી કશ્યપભાઈ શુકલ,  જીતુભાઇ મહેતા પણ સાથે હતા. તમામ આરોપીઓને કડક માં કડક સજા થાય તેવી કાર્યવાહી કરવા રજૂઆત થઇ છે.

(4:09 pm IST)