રાજકોટ
News of Wednesday, 5th May 2021

ગરીબોના હાથ વગા સહારા સમાન નવિનભાઇ રવાણીને રાજકોટ લોહાણા મહાજનની વર્ચ્યુઅલ શ્રધ્ધાંજલિ

નવિનભાઇ રવાણી એટલે દિનદુઃખીયાના સર્વેશ્વર અને શીલભદ્ર લોકનાયક : કિરીટભાઇ ગણાત્રા

રાજકોટ તા. ૫ : લોહાણા જ્ઞાતિશ્રેષ્ઠી, માજી સાંસદ, પૂર્વ રાજ્યમંત્રી તથા કોંગે્રસના અડીખમ નેતા સ્વ.નવિનભાઇ રવાણીનું તીવ્ર હૃદયરોગના હુમલાના કારણે ૯ર વર્ષની જૈફ વયે દુઃખદ અવસાન થતા વિશ્વના સૌથી મોટા ગણાતા રાજકોટ લોહાણા મહાજન દ્વારા અકિલાના મોભી, જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના અઘ્યક્ષ સ્થાને અને રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી  રાજુભાઇ પોબારૂના પ્રમુખ સ્થાને સ્વ.નવિનભાઇ રવાણીને શ્રદ્ઘાંજલી અર્પણ કરવા માટે પ્રાર્થના સભા યોજાયેલ હતી. 

પ્રવર્તમાન કોરોના મહામારીની પરિસ્થિતિને ઘ્યાને લઇ કોવિડ ગાઇડલાઇન્સનું સંપૂર્ણપણે પાલન થાય તે માટે વર્ચ્યુઅલ પ્રાર્થના સભા યોજી રાજકોટ લોહાણા મહાજને સમસ્ત સમાજને નવતર રાહ ચિંઘ્યો હતો.

'અકિલા'ના મોભી અને લોહાણા જ્ઞાતિના ભિષ્મપિતામહશ્રી કિરીટભાઇ ગણાત્રાએ જણાવ્યું હતું કે સ્વ.નવિનભાઇ રવાણીનું સામાજીક અને રાજકીય દાયિત્વ અનન્ય હતું. માત્ર ૧૯ વર્ષની ઉંમરે સફળ રાજકીય કારકિર્દીમાં ડગ માંડીને કોઇપણ જાતના ભેદભાવ વગર સમાજ તથા રાષ્ટ્રની અસામાન્ય સેવાઓ સ્વ.નવિનભાઇએ પ્રદાન કરી હતી. અને રાજકારણના સર્વોચ્ચ શિખરે પહોંચ્યા હતા.

લોહાણા જ્ઞાતિરત્ન શ્રી કિરીટભાઇ ગણાત્રાએ વિશેષમાં જણાવેલ કે દરેક માનવિના સિમિત જીવનકાળ દરમિયાન સાત્વિક વ્યકિતઓની સ્મૃતિઓ જીવનના માનસપટ પર ભૂલાતી હોતી નથી, તેવા જ શીલભદ્ર લોકનાયક શ્રદ્ઘેય સ્વ.નવિનભાઇ રવાણીની સ્મૃતિઓ લોહાણા સમાજ ઉપર કાયમી અંકીત રહેશે અને તેમના દુઃખદ અવસાનથી સમગ્ર વિશ્વના રઘુવંશીઓ તથા ગુજરાત સહિત ભારતના રાજકીય ક્ષેત્રને કદી ન પૂરાય તેવી ખોટ વર્તાશે. વિશેષમાં જ્ઞાતિ મોભીશ્રી કિરીટભાઇએ જણાવ્યું હતું કે પારકી છઠ્ઠીના જાગતલ એવા સ્વ. નવિનભાઇ રવાણી માત્ર સર્જક નહી પાલક પણ હતા, સ્વપ્નદ્રષ્ટા પણ હતા.

દીનદુખિયાના સર્વેશ્વરને કિરીટભાઇ ગણાત્રાએ શ્રદ્ઘાંજલી આપતા વિશેષમાં એમ પણ જણાવ્યું હતું કે, શ્રદ્ઘેય સ્વ.નવિનભાઇ રવાણીની સેવાના સિમાડા જ્ઞાતિ પુરતા મર્યાદિત ન હતા. લોહાણા જ્ઞાતિના મહાનાયકે 'સર્વ જન સુખાયે સર્વ જન હિતાયે'ના સૂત્રને સાર્થક કરતા સર્વજ્ઞાતિ માટે સેવા પ્રદાન કરી રહૃાા હોવાથી લોકનાયક તરીકે જાણીતા હતા.

ધન લોલુપતાના જમાનામાં ધન તૃષ્ણાની લાલસા છોડીને માત્રને માત્ર જનકલ્યાણ માટે રાજકારણમાં પ્રવેશીને જનસેવા મહાયજ્ઞના દેવપુરૂષ સ્વ.નવિનભાઇ રવાણી શીલભદ્ર લોકસેવક પણ હતા. સ્વ.નવિનભાઇ જેવા નિર્મોહી ત્યાગી રાજકારણીઓ ફાની દુનિયા છોડી રહૃાા છે તે સમાજ માટે ચિંતાનો વિષય છે તેમ અંતમાં કરૂણા સાગરશ્રી કિરીટભાઇ ગણાત્રાએ જણાવ્યું હતું.

રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂએ શ્રદ્ઘેય સ્વ.નવિનભાઇ રવાણીને શ્રદ્ઘાંજલી અર્પણ કરતા જણાવ્યું હતું કે, સેવાના દરેક કાર્યોમાં પોતાની કોઠાસૂઝથી કોર્પોરેટ જગતથી પણ ચઢીયાતા આયોજનમાં સદભાવના છલોછલ છલકાતી રહી હતી. પોતાના માટે યાદગાર ક્ષણોનું નિર્માણ કરવું તે મોટી વાત નથી પણ અન્યની યાદગાર ક્ષણોમાં તમે ચાવીરૂપ વ્યકિત બનો તેનું વિશેષ મહત્વ છે, આવા જ પ્રકારનુ વ્યકિતત્વ ધરાવતી વ્યકિત પૈકીના તેઓ એક હતા.  

આ ઉપરાંત વિશેષમાં રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂએ શ્રદ્ઘાંજલી અર્પતા કહયું હતું કે જ્ઞાતિ તથા લોક સેવાના અડીખમ યોદ્ઘા રૂપી સ્વ.નવિનભાઇ રવાણીના દુઃખદ અવસાનથી લોહાણા સમાજે એક વડીલ માર્ગદર્શક ગુમાવ્યા છે, જેનો કાયમ માટે વસવસો રહેશે.

જાણીતા ઓર્થોપેડીક સર્જન અને લોહાણા મહાજન કારોબારી પ્રમુખશ્રી ડો.નિશાંતભાઇ ચોટાઇએ શ્રદ્ઘેય સ્વ.નવિનભાઇ રવાણીને શ્રદ્ઘાંજલી આપતા કહૃાું હતું કે અનેક સેવા સંસ્થાઓના સ્થાપક તરીકે સફળ નિષ્ઠાવાન વહીવટકર્તા તરીકે પોતાના સમય અને સંપતિનો સતત ઉપયોગ કરનાર સ્વ.નવિનભાઇની આંખોમાં હંમેશા પ્રસન્નતા અને સદભાવના છલકાતી રહેતી. નિરાભિમાની વ્યકિતત્વ ઘ્યાનાકર્ષક અને હકારાત્મક જીવન શૈલી, સજ્જનતા તેમના જીવનનું અભિન્ન અંગ હતું. સ્વ.નવિનભાઇ રવાણી અઢી દાયકા સુધી સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ તરીકે ચુંટાઇ રહૃાા હતા, દશ વર્ષ સંસદ સભ્ય તરીકે તેમજ ધારાસભ્ય રહૃાા બાદ કોંગે્રસ પક્ષના પ્રાંતિય અને રાષ્ટ્રીય કારોબારીમાં મહત્વના હોદ્ેદાર તરીકે ફરજ બજાવી છ દાયકા સુધી પ્રજા અને પક્ષે પસંદ કર્યા હતા તે આપણા માટે ગૌરવની બાબત છે.

વિશેષમાં ડો.નિશાંતભાઇ ચોટાઇએ સ્વ.નવિનભાઇ રવાણી સાથેના પોતાના પારિવારીક સંબંધો યાદ કરીને કહયું હતું કે સરળ જીવન, ઉચ્ચ વિચારો ધરાવતા અને હરહંમેશ અન્યને મદદ કરવા તત્પર રહેતા સ્વ.નવિનભાઇ હરહંમેશ યાદ રહેશે. તેમની આગવી સૂઝ અને ભાવનાથી અનેક કાર્યો સંપન્ન થયેલા અને તેઓ તમામ પ્રકારની ધાર્મિક, સામાજીક, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સાહિત્યિક પ્રવૃત્ત્િ।ઓમાં સદાય અગે્રસર રહેતા અને એ માત્ર અમરેલી જીલ્લા પૂરતા સિમીત ન હતા, સમગ્ર ભારતમાં વિવિધ શહેરો કે ગામડાઓમાં વસનારાઓના મસીહા હતા.

લોહાણા સમાજના વરિષ્ઠ અગ્રણી અને કન્યા કેળવણીકાર નવિનભાઇ ઠકકરે સ્વર્ગસ્થને શ્રદ્ઘાંજલી અર્પણ કરતા જણાવ્યું હતું કે આજીવન શુદ્ઘ, રાજકીય પરંપરાના આપરણક અને પ્રચારક રહેલ સ્વ.નવિનભાઇ રવાણીજીની સેવા ગાથા અમર અને યાદગાર રહેશે.માનવતાના પુજારી, હરિના જન, સૂઝબૂઝના સ્વામી, કરૂણામૂર્તિ સ્વ.નવિનભાઇની સુહાસ અમર રહેશે અને તેઓની ત્યાગભાવનાથી સેવાની કર્મનિષ્ઠા, સાદગીભર્યા જીવન માનસપટ પર જીવંત રહેશે. વધુમાં શ્રી નવિનભાઇ ઠકકરે કહયું હતું કે બાહોશ અને દીર્ધદ્રષ્ટા સ્વ.નવિનભાઇ રવાણીના દુઃખદ અવસાનથી વિશ્વના લોહાણા સમાજમાં તથા લોહાણા મહાપરીષદમાં એક જાતનો ખાલીપો પણ સર્જાઇ ગયો છે.

રાજકોટ લોહાણા મહાજનના મંત્રી શ્રીમતિ રીટાબેન કોટકે કહયું હતું કે સ્વ.નવિનભાઇ રવાણી એ અઢળક જ્ઞાતિસેવાના ભાગરૂપે સમાજમાં બહેનોને પ્રતિનિધિત્વ આપવા માટે પણ અથાગ સતત અને સફળ પ્રયત્નો કર્યા હતા.

શ્રદ્ઘાંજલી કાર્યક્રમનું સંચાલન કરતા રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્ટી ડો.પરાગ દેવાણીએ કહયું હતું કે જીવનમાં બે વાતો કહેવી ખૂબજ કઠીન છે. એક, પ્રથમ વખત 'હેલો' અને બીજું, છેલ્લી વખત 'અલવિદા' કહેવું. સ્વ. નવિનભાઇ રવાણીને અલવિદા કહેવું ખરા અર્થમાં ખૂબ કઠીન કાર્ય છે. ઓનલાઇન શ્રદ્ઘાંજલી સભામાં હાજર રહેલ રાજકોટ લોહાણા મહાજનના તમામ કારોબારી સભ્યો સહિત સૌ કોઇએ બે મિનીટ મૌન પાળીને સ્વ.નવિનચંદ્રભાઇ રવાણીને શ્રદ્ઘાંજલી અર્પી હતી.

અમરેલીના નવિનચંદ્રભાઇ રવાણી, ખોડીદાસ ઠકકર, પોરબંદરના શશીકાંતભાઇ લાખાણી અને વસનજીભાઇ ઠકરાર,  હારીજના હિંમતભાઇ મુલાણી, જામનગરના હરિદાસભાઇ લાલ, રાજકોટના જયંતિભાઇ કુંડલિયા, જુનાગઢના મહેન્દ્રભાઇ મશરૂ, મોરબીના પુનમભાઇ કોટક, કચ્છ–ભૂજના પે્રમજીભાઇ ભગવાનજીભાઇ ઠકકર અને લવજી લખનશીભાઇ ઠકકર, અંજારના મુળજીભાઇ ઠકકર, માંડવીના હરિરામભાઈ કોઠારી, વાંકાનેરના જીતુભાઇ સોમાણી અને રસીકભાઇ અનડકટ સહિતના દીગ્ગજ લોહાણા રાજકીય ક્ષેત્રે આગવુ અને મોભાનું સ્થાન ધરાવતા હતા. એટલું જ નહી કોઇપણ સરકાર તેમની વાતને અવગણી શકવાની હિંમત કરતી ન હતી. પ્રવર્તમાન સંજોગોમાં રાજકીયક્ષેત્રે લોહાણા સમાજનંુ અસ્તિત્વ નામશેષ થઇ ગયું હોવાનું પણ પ્રાર્થના સભામાં વ્યાપક પ્રમાણમાં વશવશો વ્યકત કરી રહ્યા હતા. ત્યારે સ્વ. નવિનભાઇ રવાણીની વિદાયથી લોહાણા શ્રેષ્ઠીઓએ ચિંતા વ્યકત કરી આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં ચિંતન શિબિરો યોજી રાજકીય ક્ષેત્રે લોહાણા જ્ઞાતિની હિસ્સેદારી વધારવાનો મત વ્યકત કર્યો હતો. રાજકીય ક્ષેત્રે લોહાણા સમાજની હિસ્સેદારી નહીવત થતી જતી હોવાના કારણે વસવસા સાથે ચિંતીત થઇ લોહાણા શ્રેષ્ઠીઓએ જ્ઞાતિ એકતા માટે ચિંતન કરવાનો સમય પાકી ગયાનો સૂર વ્યકત કરેલ હતો.

અકિલાના મોભી અને જ્ઞાતિશ્રેષ્ઠીશ્રી કિરીટભાઇ ગણાત્રાના અઘ્યક્ષ સ્થાને યોજાયેલ ઉકત વર્ચ્યુઅલ પ્રાર્થના સભામાં પ્રમુખ સ્થાને રાજકોટ લોહાણા મહાજના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ, મંત્રી શ્રીમતિ રીટાબેન કોટક, ઓડીટર ધવલભાઇ ખખ્ખર, કારોબારી સદસ્ય સર્વશ્રી એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ, ડો.પરાગભાઇ દેવાણી, હિરેનભાઇ ખખ્ખર, એડવોકેટ જતીનભાઇ કારીઆ, અલ્પાબેન બરછા, કિશોરભાઇ કોટક, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, જયશ્રીબેન સેજપાલ, રંજનબેન પોપટ, વિધિબેન જટાણીયા, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, મનિષભાઇ ગોળવાળા સહિત કારોબારીના સદસ્યો સાથોસાથ જ્ઞાતિના વરિષ્ઠ અગ્રણી અને કન્યા કેળવણીકાર નવિનભાઇ ઠકકર અને ધવલ ખખ્ખર ઉપસ્થિત રહૃાા હતા.

પારકી છઠ્ઠીના જાગતલ નવિનભાઇ રવાણીની કોઠાસુઝ કોર્પોરેટ જગતથી પણ ચઢીયાતી :- કિરીટભાઇ ગણાત્રા

નવિનભાઇ રવાણીના હર એક સેવા કાર્યોના આયોજનમાં નિયમીત સુચારૂ વહિવટની છાંટ જોવા મળતી : - રાજુભાઇ પોબારૂ

નિરાભીમાની વ્યકિતત્વ, હકારાત્મક અભિગમ એ નવિનભાઇ રવાણીનું અભિન્ન અંગ હતું : - ડો. નિશાંત ચોટાઇ

નવિનભાઇને અલવિદા કહેવું ખરા અર્થમાં ખૂબ કઠીન હોવા છતા અલવિદા... અલવિદા... અલવિદા...:  - પરાગ દેવાણી

રાજકીય પરંપરાના પ્રેરક અને પ્રચારક નવિનભાઇ રવાણીની સેવાગાથા હંમેશ યાદ રહેશે :- નવિનભાઇ ઠક્કર

નવિનભાઇ રવાણીએ બહેનોને પ્રતિનિધિત્વ આપી નારી સશકિતકરણ કરવામાં સફળ રહ્યા હતા :- રીટા જોબનપુત્રા

(10:06 am IST)