રાજકોટ
News of Wednesday, 5th May 2021

મૃત જાહેર કરાયેલા સ્વજન જીવીત હોવાનું માની સ્મશાનેથી ફરી સિવિલ હોસ્પિટલે લાવ્યા પણ...

અંતિમ દર્શન વખતે મૃતદેહ ખોલાયો ત્યારે અમુક અંગમાં હલન-ચલન થતાં સ્વજનોને થયું આ જીવે છે...પણ તબિબોએ મૃત જાહેર કરતાં અંતિમવિધી

રાજકોટ તા. ૫: સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં મોડી રાત્રે એક દર્દીનું અવસાન થતાં હોસ્પિટલના તંત્રવાહકોએ નિયમ મુજબ કાર્યવાહી કરી મૃતદેહને પેક કરી અંતિમવિધી માટે સ્ટાફને સોંપ્યો હતો. પરિવારજનો રામનાથપરા સ્મશાન ખાતે હોસ્પિટલના સ્ટાફ સાથે પહોંચ્યા અને ત્યાં જઇ મૃતદેહ ખોલતાં તેમની આંખો હલતી હોવાનું લાગતાં તેઓ જીવીત હોવાનું કહી સ્વજનો ફરીથી તેમને સિવિલ હોસ્પિટલે લાવ્યા હતાં. પરંતુ તબિબોએ મૃત્યુ પછી ઘણીવાર અમુક અંગોનું હલન ચલન થતું હોય છે એ સમજાવી તેમનું મૃત્યુ જ થયાનું સ્પષ્ટ કરતાં મૃતદેહ ફરીથી અંતિમવિધી માટે મોટા મવા સ્મશાનગૃહે લઇ જવાયો હતો.

જાણવા મળ્યા મુજબ કાલાવડ રોડ પર પ્રેમ મંદિર નજીક સદ્દગુરૂનગરમાં રહેતાં રાજેન્દ્રસિંહ મહાવીરસિંહ જાડેજા (ઉ.વ.૪૩) નામના યુવાનને કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમનું ગત રાતે મૃત્યુ નિપજતાં હોસ્પિટલ તંત્ર તરફથી તેમના સગા-સ્વજનને જાણ કરી હોસ્પિટલના સ્ટાફને સાથે રાખી મૃતદેહને રામનાથપરા સ્મશાનગૃહ ખાતે અંતિમવિધી માટે લઇ જવાયો હતો.

અંતિમ અંતિમ દર્શન વખતે મૃતદેહને પેક કરાયો હોઇ તે કિટ હટાવી બહાર કાઢવામાં આવ્યો ત્યારે સદ્દગત જીવીત હોવાનું અને તેમની આંખ સ્હેજ હલતી હોવાનું સ્વજનનોને લાગતાં તેઓ જીવીત હોવાનું માની ફરીથી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતાં. પરંતુ અહિ મેડિકલ ઓફિસરોની ટીમે તપાસ કરી જણાવ્યું હતું કે ઘણીવાર રાસાયણિક ફેરફારને કારણે મૃત્યુ પછી પણ શરીરના સ્નાયુઓમાં સખ્તાઇ આવતી હોઇ જેથી સ્નાયુઓનું હલન ચલન થતું હોય છે. આ કારણે મૃત્યુ પામનાર વ્યકિત જીવીત હોવાનો ભ્રમ થાય છે. આ કિસ્સામાં પણ આવુ જ થયું હોવાનું તબિબોએ જણાવતાં સ્વજનોએ વાત સ્વીકારી હતી અને ફરીથી મૃતદેહ અંતિમવિધી માટે મોટા મવા સ્મશાન ખાતે લઇ જવામાં આવ્યો હતો. આમ મૃત જાહેર થયેલા સ્વજન જીવીત હોવાની આશા જન્મી હતી. પરંતુ તબિબી તપાસ બાદ ફરી શોક છવાઇ ગયો હતો.

(11:58 am IST)