રાજકોટ
News of Wednesday, 5th May 2021

કોરોનાના ગંભીર દર્દીઓ માટે આશીર્વાદરૂપ પુરવાર થતી એનેસ્થેશીયોલોજીસ્ટની સેવા

પી.ડી.યુ.હોસ્પિટલ ખાતે ૧૭૦થી વધુ દર્દીઓને ૪૫ એનેસ્થેસીયોલોજીસ્ટનું માર્ગદર્શન

રાજકોટ, તા. પ :  કોરોનાના ગંભીર સંક્રમણનો ભોગ બનેલા ૧૭૦થી વધુ દર્દીઓ માટ પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે ૪૫ એનેસ્થેસીયોલોજીસ્ટની સારવાર આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે.

કોરોનાને કારણે શ્વસનતંત્રની સમસ્યા અનુભવતા દર્દીઓ માટે પડદા પાછળ રહીને ક્રિટીકલ કેરથી માંડીને દર્દી સામાન્ય રીતે શ્વાસોચ્છવાસ લેતો થાય ત્યાં સુધીની મહત્વની ભુમિકા ભજવનાર એનેસ્થેસિયોલોજીસ્ટ રાજકોટ સિવીલ હોસ્પિટલ ખાતે કોવિડ-૧૯ના દર્દીઓ માટે રાત દિવસ ફરજ બજાવી રહ્યા છે. હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે અંદાજીત ૧૭૦ થી ૧૮૦ જેટલા દર્દીઓ એનેસ્થેસિયોલોજીસ્ટની સારવાર મેળવી રહ્યા છે.

સામાન્ય રીતે એનેસ્થેસિયા એટલે ઓપરેશન વખતે દર્દીને શરીરની વાઢકાપ વખતે દર્દ ન થાય તે માટે બેહોશ કરવાની તથા સમયાંતરે દર્દીને હોશમાં લાવવાની પધ્ધતિ. પરંતુ તમને સવાલ થશે કે, એવી સારવારની કોવિડના દર્દીઓમાં શી જરૂર?

આ સવાલના જવાબ અંગે એનેસ્થેસિયા વિભાગના નોડલ ઓફિસર દીપા ગોંડલીયા જણાવે છે કે, અમારા એનેસ્થેસિયા વિભાગના હેડ વંદનાબેન પરમારના માર્ગદર્શન હેઠળ કોવિડ-૧૯ના અતિ ગંભીર હાલતમાં હોય તેવા દર્દીઓની સારવાર કરીએ છીએ. કોવિડ-૧૯ ની અસર તળે વ્યકિતમાં લોહી ગંઠાઈ જવું, ફેફસાને પુરતો ઓકિસજન તથા લોહી ન મળવુ, કાર્યક્ષમતા ઓછી થઈ જવી વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. આવા સંજોગોમાં શ્વાસોચ્છવાસની સમસ્યાવાળા દર્દીઓને ક્રિટીકલ કેરમાં રાખવામાં આવે છે. જયાં તેમને ક્રમશઃ અદ્યતન પ્રકારના વેન્ટીલેટર, બાય પેપ મશીન, હાઈફ્લો નોઝલ ઓકિસજન થેરાપી વગેરે દ્વારા ઓકિસજનની જરૂરિયાત મુજબ સારવાર આપવામાં આવે છે. દર્દીનું ઓકિસજન લેવલ સામાન્ય થયા બાદ આઈ.સી.યુ.માં નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ રાખ્યા બાદ સામાન્ય વોર્ડમાં દર્દીને દાખલ કરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એનેસ્થેસિયા વિભાગના કુલ ૪૫ જેટલા ડોકટરો સતત કાર્યરત છે જેમાં સિનીયર કન્સલ્ટન્ટ, સિનિયર રેસિડેન્ટ વગેરેનો સમાવેશ થાય છે. દરરોજ દિવસમાં ૨૦ મિનીટ પ્રાણાયમ યોગ, પ્રાણાયમ તથા ઉંડા શ્વાસની સાથે ઓમકારનું નિયમિત રટણ કરવું અથવા સાયકલીંગ કે રનિંગ કરવાથી પણ સમગ્ર શ્વસનતંત્રની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે.

(12:02 pm IST)