રાજકોટ
News of Wednesday, 5th May 2021

એસઆરપી કેમ્પ નજીક રહેતી ૧૬ વર્ષની નેપાળી બાળાને સાગર ભગાડી ગયો

એપાર્ટમેન્ટમાં સગાને ત્યાં આવ્યો હતોઃ સગીરા ઘરે મોબાઇલ મુકીને નીકળી ગઇ તેમાં સાગર સાથેની વાતચીતની ઓડિયો કલીપ મળીઃ યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૫: એસઆરપી કેમ્પ નજીક રહેતાં અને ચોકીદારી કરતાં નેપાળી  યુવાનની ૧૬ વર્ષની દિકરીએ એપાર્ટમેન્ટમાં જ સગાને ત્યાં રહેવા આવેલો શખ્સ લલચાવી ફોસલાવી ભગાડી જતાં પોલીસને જાણ કરવામાં આવી છે.

યુનિવર્સિટી પોલીસે આ અંગે અપહૃત સગીરાના પિતાની ફરિયાદ પરથી એસઅઆરપી કેમ્પ પાસે વર્ધમાન નગર નિલકંઠ વિલા એપાર્ટમેન્ટ ખાતે સગાને ત્યાં રહેવા આવેલા સાગર નામના શખ્સ વિરૂધ્ધ આઇપીસી ૩૬૩, ૩૬૬ મુજબ અપહરણનો ગુનો નોંધ્યો છે.

ફરિયાદીએ જણાવ્યું છે કે હું મુળ નેપાળનો વતની છું અને એસઆરપી કેમ્પ પાસે એપાર્ટમેન્ટમાં ચોકીદારી તથા સાફ સફાઇનું કામ કરું છું. મારે સંતાનમાં છ દિકરી અને એક દિકરો છે. એપાર્ટમેન્ટમાં બીજા માળે જીતુભાઇ રહે છે તેની ઘરે પાંચેક મહિનાથી સાગર નામનો છોકરો રહેવા આવ્યો છે. તે અવાર-નવાર નીકળતો હોઇ જેથી તેને હું ઓળખુ છું. તા. ૧૦/૪/૨૧ના સવારે આઠેક વાગ્યે હું ઓફિસની સફાઇ કરવા માટે ગયેલ હતો. મારા પત્નિ બાજુના બંગલામાં ઘરકામ માટે ગયેલ. તેમજ ૧૬ વર્ષની દિકરી પણ બાજુની સોસાયટીમાં ઘરકામ કરવા ગઇ હતી. હું મારું કામ પુરૂ કરી નવેક વાગ્યે ઘરે આવ્યો હતો. ત્યારે બીજી દિકરીએ કહેલું કે પપ્પા તમે કામે ગયા પછી બહેન ઘરે આવી હતી અને મોબાઇલ ફોન મુકીને દોડીને જતી રહી છે.

આથી મેં તપાસ કરતાં મારી દિકરી કયાંય મળી નહોતી. મારા પત્નિ ઘરે આવતાં તેને વાત કરતાં અમે સાથે મળી દિકરીને શોધી હતી. પરંતુ તે કયાંય મળી નહોતી. એ પછી મારા સગાનો દિકરો ગોંડલ રહેતો હોઇ તેને બોલાવીને મેં મારી દિકરી જે મોબાઇલ વાપરતી હતી તે તેને આપતાં તેણે તેમાં રહેલી ઓડિયો કલીપ સાંભળતા ખબર પડી હતી કે એપાર્ટમેન્ટમાં રહેતો સાગર મારી દિકરી સાથે વાતો કરતો હતો. જેથી અમે જીતુભાઇના ઘરે ગયેલ અને સાગર કયાં છે તે બાબતે પુછતાં તેણે સાગર કયાં ગયો તેની પોતાને ખબર નહિ હોવાનું કહ્યું હતું.

એ પછી પણ બે ત્રણ વખત જીતુભાઇના ઘરે જઇ તપાસ કરી હતી. પરંતુ સાગર મળ્યો નહોતો. આથી એ જ મારી દિકરીને ભગાડી ગયાની ખબર પડી હતી. શોધખોળ બાદ અમે ફરિયાદ કરી હતી. યુનિવર્સિટી પીઆઇ એ. એસ. ચાવડાએ સગીરા ગૂમ થવાના કિસ્સામાં તુરત અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(12:54 pm IST)