રાજકોટ
News of Wednesday, 5th May 2021

વેકસીન - માસ્ક કોરોના સામે રામબાણ ઇલાજ : ડો. પ્રફુલ કમાણી

ફીઝીશ્યનોને ૩૦ ટકા, પેથોલોજીમાં ૫૦ ટકા, રેડીયોલોજીમાં ૪૦ ટકા નવા દર્દીઓ ઘટયા : ઓકિસજનવાળા બેડની ઉપલબ્ધી પરંતુ ICU - HDV હાઉસફુલ : N-95 માસ્ક પહેરવું, સોશ્યલ ડીસ્ટન્સ જાળવવું, મેળાવડા બંધ કરવા અપીલ : દર્દીઓને ઝડપી - શ્રેષ્ઠ સારવાર માટે સરકાર સાથે IMA કટીબધ્ધ

રાજકોટ તા. ૫ : રાજકોટ - ગુજરાત અને ભારતભરમાં કોરોનાની બીજી લહેરે ભારે હાહાકાર મચાવ્યો છે. છેલ્લા એક માસમાં દરરોજ કોરોના સંક્રમિતોની સંખ્યામાં તિવ્ર ઉછાળો... મૃત્યુદરમાં પણ વધારો થતો રહ્યો છે ત્યારે હવે છેલ્લા ત્રણેક દિવસથી રાજકોટમાં કોરોનાની બીજી લહેરમાં તેની તિવ્રતા ઘટી રહી હોવાનું ચિત્ર ઉપસ્યું છે.

ઇન્ડીયન મેડીકલ એસોસીએશન રાજકોટ દ્વારા કોરોના મહામારીમાં દર્દીઓને વધુ ઝડપી અને સારી સારવાર મળે તે માટે સતત કાર્યરત છે. સરકારી તંત્ર સાથે પણ સંકલન કરીને મહામારીનો સામનો કરે છે. રાજકોટ ઇન્ડીયન મેડીકલ એસોસીએશનના પ્રમુખ અને ગુજરાતના જાણીતા ગેસ્ટોલોજીસ્ટ ડો. પ્રફુલ કામાણી (મો. ૯૯૧૩૫ ૯૯૬૯૯)એ કોરોનાની બીજી લહેરમાં કેસોનો ઘટાડો અને સામાન્ય ઓકિસજન બેડની વ્યવસ્થાનો ચિતાર આપ્યો છે.

ઇન્ડીયન મેડીકલ એસીએશન રાજકોટના પ્રમુખ ડો. પ્રફુલ કમાણીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, છેલ્લા એક માસથી MD - ફીઝીશ્યનો જે દરરોજ ૧૫૦થી વધુ દર્દીઓ તપાસતા હતા. જેમાં નવા દર્દીઓની સંખ્યામાં ૩૦ ટકા જેવો ઘટાડો આવ્યો છે. જ્યારે કોરોના માટે RT-PCR ટેસ્ટમાં પણ ૫૦ ટકા જેવો ઘટાડો થયો છે. RT-PCR રીપોર્ટ જે ૪૮-૭૨ કલાકે મળતો તે હવે ૨૪ કલાકમાં મળતો થયો છે. ફીઝીશ્યનો પેથોલોજીસ્ટ બાદ રેડીયોલોજીસ્ટ સેન્ટરમાં પણ નવા કેસમાં ૪૦ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. જે રેડીયોલોજીસ્ટ સેન્ટરમાં દરરોજ ૧૨૦ થી ૧૫૦ સીટી સ્કેન થતાં ત્યાં હવે ૪૦ ટકા જેટલો ઘટાડો જોવા મળે છે.

ઇન્ડીયન મેડીકલ એસોસીએશનના પ્રમુખ ડો. પ્રફુલ કમાણીએ વધુમાં જણાવેલ કે, કોરોના કેસ ઘટયા છે. સદંતર ગયો નથી ત્યારે લોકોએ ખૂબ સાવચેતી રહેવું જોઇએ. N-95 માસ્ક પહેરવું, સોશ્યલ ડીસ્ટન્સ જાળવવું, સગા-વ્હાલાઓને મળવાનું ટાળવું જોઇએ. મેળાવડા બંધ કરવા જોઇએ. ડો. પ્રફુલ કમાણીએ વધુમાં જણાવેલ કે, કોરોનાના દર્દીઓ ઘટી રહ્યા છે પરંતુ રાજકોટમાં ICU અને HDU (વ્હાઇટ ડીપેન્ડન્ટ યુનિટ)માં બેડ ખાલી નથી. હળવા લક્ષણો તેમજ ઓકિસજનવાળા બેડ મળી રહ્યા છે તે સારી બાબત છે. N-95નું માસ્ક પહેરવું જરૂરી છે. કોરોનાના જુના ધોયેલા માસ્ક તેમજ નાકની નીચે માસ્ક ન પહેરવું જોઇએ. જો કોરોના સામે રક્ષણ મેળવવું હોય તો માસ્ક પહેરો - ડબલ માસ્ક પહેરો. મેળાવડા બંધ કરવા જોઇએ. માસ્ક દરરોજ નવું જ પહેરવું જોઇએ. હાલમાં શાળા બંધ છે, જો બાળકોને શરદી - તાવ હોય તો કે અન્ય લક્ષણો હોય તો તુરંત ડોકટરને બતાવવું. ઘરના વડીલોએ બાળકોની ખાસ કાળજી લેવી જોઇએ. તેમ રાજકોટ ઇન્ડિયન મેડીકલ એસો.ના પ્રમુખ ડો. પ્રફુલ કમાણીએ જણાવ્યું છે.

ઇન્ડિયન મેડીકલ એસો.ના પ્રમુખ ડો. પ્રફુલ કમાણીએ અકિલા સાથેની વાતચીતના અંતમાં જણાવેલ કે કોરોનાના કપરા કાળમાં સૌ સાથે મળીને જંગ જીતીશું. વેકસીન દરેકે લેવી જોઇએ. જ્યારે વેકસીનનો ટર્ન આવે ત્યારે અચુક લેવી જોઇએ. કોરોના સામે વેકસીન અને માસ્ક જ રામબાણ ઇલાજ છે. દર્દીઓને ઝડપી અને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે સરકાર સાથે ઇન્ડિયન મેડીકલ એસો. કટીબધ્ધ છે.

(3:05 pm IST)