રાજકોટ
News of Wednesday, 5th May 2021

સમરસ હોસ્ટેલમાં ઓકિસજન ફેસિલીટીવાળા બેડની સુવિધા પીડબલ્યુડીએ ટુંકાગાળામાં ઉભી કરી દીધી

રાજકોટ તા. પ : કોરોનાની આ બીજી લહેરમાં દર્દીઓને તમામ પ્રકારની જરૂરિયાત પૂરી પાડવા રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તમામ પ્રયાસો થઇ રહયા જ છે. જેમાં સરકારના અનેક વિભાગોના અધિકારીઓ– કર્મચારીઓ દ્વારા પણ દિન રાત સહયોગ આપી રહયા છે. તેમાનો એક છે રાજકોટ શહેર માર્ગ અને મકાન વિભાગ.

આ વિભાગ દ્વારા ૧૦૦૨ બેડ ઉપર ઓકિસજન ફેસિલિટી ઉભી કરાવવાનું સૌથી મહત્વનું કામ થયુ છે. આ વિભાગ દ્વારા રાજકોટની સમરસ બોયઝ હોસ્ટેલમાં ૭૫૨ બેડ સુધીની ઓકિસજન ફેસિલીટી ખુબજ ટૂંકા ગાળામાં ઉભી કરાવાઇ છે તો સમરસની ગર્લ્સ હોસ્ટેલમાં પાંચેક દિવસથી ૨૫૦ બેડ ઉપર ઓકિસજન ફેસિલીટી ઉભી કરવાનું કામ પૂર્ણ થવામાં જ છે. તેમ કાર્યપાલક ઇજનેરશ્રી નિતેષ કામદારે જણાવ્યુ હતું.

રાજકોટ શહેર માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી કામદારના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ નાયબ કાર્યપાલક ઇજનેર રાજેશ્વરી નાયર અને મદદનીશ કાર્યપાલક ઇજનેર પારસ કોઠિયાના સહયોગથી લાઇફલાઇન એજન્સી દ્વારા રાતોરાત આ ઓકિસજન ફેસિલીટી ઉભુ કરવાનું કામ કરવામાં આવ્યુ છે.

ઓકિસજન ફેસીલીટી ઉપરાંત સપ્લાઇ રીલેટેડ પણ અનેક કામો માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવે છે. જેમકે દર્દીઓના ટુવાલ, નેપકીન, ડાયપર સહિતનો સામાન પણ ઉપલબ્ધ કરાવી દેવામાં આવે છે. આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ દ્વારા પાંચ દિવસના ટૂંકા ગાળામાં એ,બી,સી,ડી વિંગના બિલ્ડીંગોમાં નેટ પણ નખાવવામાં આવી હતી. આમ સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટર અને સમરસ ડેડિકેડેટ કોવિડ હેલ્થ કેર સેન્ટરમાં કોરોના દર્દીઓ માટે બહુ મોટી વ્યવસ્થા કોવિડના નોડલ ઓફિસર શ્રી રાહુલ ગુપ્તા, કલેકટરશ્રી રેમ્યા મોહન, ડેપ્યુટી કલેકટરશ્રી ચરણસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ દ્વારા ઉભી કરાઇ છે.

(3:06 pm IST)